આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.
તસવીર : શાદાબ ખાન
દાદર-ઈસ્ટની હિન્દુ કૉલોનીમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ ૧૫ માળના રેઇન ટ્રી બિલ્ડિંગના ૧૩મા માળે ગઈ કાલે સવારે ૮.૩૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૬૦ વર્ષના સચિન પાટેકરનું ધુમાડો શ્વાસમાં જવાને કારણે ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું સાયન હૉસ્પિટલના ડૉક્ટરોએ બીએમસીને જણાવ્યું હતું.
બીએમસીના જણાવ્યા અનુસાર આગ લાગ્યાની જાણ થતાં જ બે ફાયર એન્જિન, જમ્બો ટૅન્કર અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગ ૧૩૦૨ નંબરના બંધ ફ્લૅટમાં લાગી હતી જેમાં ઘરનો સામાન અને રાચરચીલું હતાં. આગને કારણે બહુ જ ધુમાડો થયો હતો. સચિન પાટકરના શ્વાસમાં ધુમાડો જતાં ગૂંગળામણ થવા માંડતાં તેમને સારવાર માટે તરત જ સાયન હૉસ્પિટલ લઈ જવાયા હતા. જોકે ડૉક્ટરે તેમને દાખલ કરતાં પહેલાં જ તપાસીને મૃત જાહેર કર્યા હતા. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું. ફાયર બ્રિગેડના જવાનોએ આ ઘટનામાં ફસાઈ ગયેલી એક મહિલાને બચાવી લીધી હતી.

