સત્તાપલટો થયા પછી પણ હિંસા બેકાબૂ, રાજકારણીઓ અને ધનપતિઓ જીવ બચાવીને ભાગ્યા, વૈભવના પ્રતીકસમાન હિલ્ટન હોટેલ બળીને ખાખ, અસંખ્ય સંપત્તિઓને નુકસાન, વેપારીઓ અને ટૂરિસ્ટ પર પણ થયા હુમલા, અંતે સેનાએ સુકાન સંભાળ્યું
નેપાલમાં વૈભવના પ્રતીકસમી હિલ્ટન હોટેલમાં આંદોલનકારીઓએ આગ લગાડી દીધી હતી. જોતજોતામાં વિશાળ હોટેલ સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.
નેપાલમાં યુવાનોએ કરેલા વિરોધ-પ્રદર્શનમાં કે. પી. ઓલી શર્માની સરકારને સત્તામાંથી ઉખાડી દીધી છે. સોમવારથી શરૂ થયેલાં આ પ્રદર્શનોમાં વીફરેલા યુવાનોએ સંસદભવન, સુપ્રીમ કોર્ટ, રાજકીય પાર્ટીઓની ઑફિસો, વડા પ્રધાન અને પ્રધાનોનાં નિવાસસ્થાન, કાઠમાંડુના ઐતિહાસિક સિંહ દરબારને આગને હવાલે કર્યા બાદ ગઈ કાલે દેશની સૌથી લક્ઝરી હિલ્ટન હોટેલને પણ ભસ્મીભૂત કરી દીધી હતી. હિલ્ટન હોટેલ માત્ર એક લક્ઝરીનું પ્રતીક નહોતી પણ નેપાલના સાંસ્કૃતિક વારસાસમી હતી.
હિલ્ટન હોટેલ બળીને ખાખ
ADVERTISEMENT
એક સમયે મહત્ત્વાકાંક્ષા અને આધુનિક ડિઝાઇનનું ચમકતું પ્રતીક ૬૪ મીટર ઊંચો કાચનો ટાવર બળીને ખાખ થઈ ગયો હતો, એની બારીઓ તૂટીફૂટી ગઈ હતી અને અંદરના ભાગ નાશ પામ્યા હતા. હિલ્ટનની કલ્પના શંકર ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. ૨૦૧૬માં બાંધકામ શરૂ થયું હતું અને કોવિડ-19ને લીધે બાંધકામમાં વારંવાર વિલંબ થયો હતો. જુલાઈ ૨૦૨૪માં એને ખુલ્લી મૂકવામાં આવી હતી. આશરે ૮ અબજ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલી આ હોટેલમાં ૧૭૬ રૂમ અને સ્વીટ, બૅન્ક્વેટ હૉલ, મીટિંગ-સ્પેસ અને વૈભવી ડાઇનિંગ અને લેઝર સુવિધાઓ ઉપલબ્ધ હતી. એ નેપાલના વૈભવનું સૌથી ચમકતું પ્રતીક હતી.
કાઠમાંડુમાં વ્યાપક હિંસાને પગલે અનેક વિસ્તારોમાં આગચંપી થઈ હતી. સંસદ-પરિસરમાં ગાડીઓના કાફલાને પ્રદર્શનકારીઓના ટોળાએ બાળીને ખાખ કરી નાખ્યો હતો.
મીડિયા હાઉસને પણ આગ લગાડી
પ્રદર્શનકારીઓએ મીડિયા હાઉસ કાંતિપુરની ઑફિસમાં પણ આગ લગાડી દીધી હતી. ભભકતા મીડિયા હાઉસનો વિડિયો વાઇરલ થયો હતો. જ્વાળાઓથી ઘેરાયેલી બહુમાળી ઇમારતમાંથી ધુમાડો દૂર-દૂર સુધી દેખાઈ રહ્યો હતો. દૃશ્ય એટલું ભયાનક હતું કે નજીકમાં ઊભેલા લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નહોતા. થોડી વારમાં ઑફિસની બારીઓ તૂટી પડી હતી. ઉપરના માળ સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગયા હતા. અમુક જેન-ઝી યુવાનોનું માનવું છે કે વિરોધ-પ્રદર્શનમાં આગને અકસ્માત તરીકે નહીં, પણ એક સંદેશ તરીકે જુઓ, આ અમારી આહલેક છે.
પ્રદર્શનકારીઓએ માત્ર રાજકારણીઓને જ નહીં, પણ નેપાલમાં સમૃદ્ધ ગણાતા વર્ગના લોકો અને તેમની મિલકતોને લક્ષ્ય બનાવીને હિંસા આચરી હતી. બેકાબૂ ટોળાએ ઘણી વ્યાપારિક સંસ્થાઓને પણ નિશાન બનાવી હતી. ધોળા દિવસે ઘણા આંદોલનકારીઓ એક સુપરમાર્કેટમાં માલસામાન લૂંટતા હોવાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. પ્રદર્શનકારીઓએ ધનવાન અને રાજકારણીઓને ટાર્ગેટ બનાવીને અરાજકતા ફેલાવી હતી.
જેલોમાંથી ૧૩,૦૦૦થી વધુ કેદીઓ ફરાર
નેપાલમાં વિરોધ-પ્રદર્શનો દરમ્યાન નૌબસ્તા સુધારગૃહમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં પાંચ સગીર કેદીઓએ જીવ ગુમાવ્યા હતા. આ સમય દરમ્યાન જેલમાંથી ૧૪૯ કેદીઓ અને ૭૬ સગીર કેદીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર નેપાલની ૧૫ જેલોમાંથી ૧૩,૦૦૦થી વધુ કેદીઓ ફરાર થઈ ગયા હોવાના અહેવાલ છે. કેદીઓએ આગ લગાડીને હોબાળો મચાવ્યો હતો અને મુખ્ય દરવાજો તોડીને નાસી છૂટ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને નેપાલી સેના દ્વારા કેદીઓની શોધખોળ ચાલુ છે. જોકે ઘણા કેદીઓ હવે મુક્તપણે ફરી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે.
અબજોપતિ ઉદ્યોગપતિના ઘરમાં લૂંટ અને તોડફોડ

નેપાલના અબજોપતિ ઉપેન્દ્ર મહતોના નિવાસસ્થાનેથી મોટી લૂંટ અને આગચંપીની ઘટના સામે આવી હતી. મહતો હાલમાં મૉસ્કોમાં રહે છે અને ૨૫૦-૯૦૦ મિલ્યન ડૉલરની અંદાજિત સંપત્તિ સાથે નેપાલની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન ધરાવે છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં પ્રદર્શનકારીઓનું એક જૂથ તેમના નિવાસસ્થાનમાં ઘૂસીને વસ્તુઓ લૂંટતું અને મિલકતમાં તોડફોડ કરતું જોવા મળ્યું હતું.
શું સુશીલા કાર્કી નેપાલનાં વડાં પ્રધાન બનશે?
જેન-ઝી આંદોલનકારીઓએ તેમના પસંદગીના નેતા નક્કી કરવા માટે વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી. આ ઑનલાઇન મીટિંગમાં ૫૦૦૦થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો અને ત્યાર પછી એક ઍપ્લિકેશનના માધ્યમથી વોટિંગ કરીને આગામી નેતાને ચૂંટી કાઢવા માટે વોટિંગ થયું હતું. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને આ વોટિંગમાં સૌથી વધુ ટેકો મળ્યો હતો. જેન-ઝીના પ્રિય માનવામાં આવતા કાઠમાંડુના મેયર બાલેન શાહે યુવાનોની અપીલનો જવાબ આપ્યો નહોતો. જોકે મતદાન માટે હજી ૨૩ કલાક બાકી છે અને અત્યાર સુધીમાં સુશીલા કાર્કીને સૌથી વધુ મત મળ્યા છે.

કોણ છે સુશીલા કાર્કી?
સુશીલા કાર્કી નેપાલનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ છે, જેમણે ૨૦૧૬માં પદ સંભાળ્યું હતું. તેમણે શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ બન્યાં હતાં. કાર્કી ભ્રષ્ટાચારના કેસોમાં તેમના નિર્ભય અને કઠોર વલણ માટે જાણીતાં છે. તેઓ ૨૦૦૬માં બંધારણીય મુસદ્દા સમિતિના સભ્ય પણ રહી ચૂક્યાં છે. નેપાલમાં મહિલાઓની બંધારણીય સમાનતાની દિશામાં તેમની નિમણૂકને ઐતિહાસિક માનવામાં આવી હતી. જો સુશીલા કાર્કી પ્રસ્તાવ સ્વીકારે છે તો એવું માનવામાં આવે છે કે તેઓ પહેલાં આર્મી ચીફ જનરલ અશોક રાજ સિંગડેલને મળશે, ત્યાર બાદ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની ઔપચારિક મંજૂરી જરૂરી રહેશે.
નેપાલમાં ફસાયેલી ભારતીય વૉલીબૉલ ખેલાડી ઉપાસના ગિલે આપવીતી કહી

હોટેલમાં આગ લગાડી, અમે જીવ બચાવી ભાગ્યાં
ભારતીય વૉલીબૉલ ખેલાડી ઉપાસના ગિલ લીગનું આયોજન કરવા માટે નેપાલ ગઈ હતી, પણ પોખરામાં હિંસક વિરોધ-પ્રદર્શનો વચ્ચે ફસાઈ જતાં તેણે વિડિયો બનાવીને મદદ માટે તાકીદની હાકલ કરી હતી. ગિલે પોતાની ભયાનક આપવીતીનું વર્ણન કરતો વિડિયો-મેસેજ કર્યો હતો. એમાં તેણે જણાવ્યું હતું કે ‘મારું નામ ઉપાસના ગિલ છે અને હું આ વિડિયો પ્રફુલ ગર્ગને મોકલી રહી છું. હું ભારતીય દૂતાવાસને વિનંતી કરું છું કે કૃપા કરીને અમારી મદદ કરે. હું નેપાલના પોખરામાં ફસાયેલી છું. હું અહીં વૉલીબૉલ લીગનું આયોજન કરવા આવી હતી અને હું જે હોટેલમાં રહી હતી એ બળીને ખાખ થઈ ગઈ છે. મારો બધો સામાન અંદર હતો. હું સ્પામાં હતી ત્યારે લોકોએ મોટી લાકડીઓ વડે મારો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને હું માંડ-માંડ મારો જીવ બચાવીને ત્યાંથી ભાગવામાં સફળ રહી. અહીં પરિસ્થિતિ અત્યંત ખતરનાક બની ગઈ છે, પ્રદર્શનકારીઓ સામાન્ય લોકો અને ટૂરિસ્ટને પણ નિશાન બનાવી રહ્યા છે. દરેક જગ્યાએ રસ્તાઓ પર આગ લગાડવામાં આવી રહી છે.’


