૩૭માંથી ૨૧ રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર, ન્યુ યૉર્કમાં પાંચ લાખ લોકોનાં ઘરોનો વીજપુરવઠો બંધ, બારથી ૧૮ ઇંચ સુધી બરફવર્ષા, ફ્રૉસ્ટબાઇટથી બચવા લોકો ઘરોમાં જ રહેવા
ગઈ કાલે ન્યુ યૉર્કના લગ્વાર્ડિયા ઍરપોર્ટ પર સ્નોસ્ટૉર્મને કારણે ઠપ પડેલા બોઇંગ 737 વિમાન પાસેથી સ્નો-રિમૂવલ મશીનથી બરફ દૂર કરતું મશીન.
અમેરિકામાં વિન્ટર સ્ટૉર્મ ફર્નને કારણે ન્યુ મેક્સિકોથી માઇને સુધીના વિસ્તારમાં રહેતા આશરે બાવીસ કરોડ અમેરિકનો પ્રભાવિત થયા છે અને ભારે બરફવર્ષાને કારણે ઍરપોર્ટ પર વિમાની સેવાઓને ભારે અસર પડી છે. દર ચારમાંથી એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આશરે ૩૭માંથી ૨૧ રાજ્યોમાં શનિવારે રાત્રે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. ન્યુ યૉર્કમાં પાંચ લાખ લોકોનાં ઘરોનો વીજપુરવઠો બંધ કરી દેવામાં આવતાં તેમની હાલત કફોડી બની છે. બારથી ૧૮ ઇંચ સુધી બરફવર્ષા થતાં ફ્રૉસ્ટબાઇટથી બચવા લોકો ઘરોમાં જ રહેવા માટે મજબૂર છે.
ગઈ કાલે વહેલી સવારે ન્યુ યૉર્ક શહેરમાં સ્ટૉર્મ ફર્ન ત્રાટક્યું હતું. બિગ ઍપલ અને ટ્રાઇ-સ્ટેટ વિસ્તારના અન્ય ભાગોમાં આખો દિવસ ભારે બરફ અને વરસાદ પડ્યો હતો. ન્યુ જર્સીના કેટલાક ભાગોમાં પાંચથી ૮ ઇંચ હિમવર્ષા થઈ હતી. માત્ર બરફ નહીં, બરફના કરા પણ પડ્યા હતા. ન્યુ યૉર્ક, ન્યુ જર્સી અને કનેક્ટિકટ માટે કટોકટીની સ્થિતિની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
રવિવારે રજાના દિવસે સવારે ૫,૦૦,૦૦૦થી વધુ અમેરિકનો વીજપુરવઠો કપાઈ જતાં જાગી ગયા હતા. એમાં ટેક્સસ, ટેનેસી અને મિસિસિપીના રહેવાસીઓનો સમાવેશ થાય છે. લ્યુસિયાના, કેન્ટકી, જ્યૉર્જિયા, ન્યુ મેક્સિકો અને વર્જિનિયામાં પણ હજારો લોકો વીજળી વિના છે.
ડઝનબંધ રાજ્યોએ ઇમર્જન્સી જાહેર કરી
બરફના તોફાનને કારણે ઘણાં રાજ્યોએ ઇમર્જન્સી જાહેર કરી છે જેમાં અલબામા, ડેલવેર, જ્યૉર્જિયા, ઇન્ડિયાના, કેન્ટકી, લ્યુસિયાના, મૅરિલૅન્ડ, મિસિસિપી, મિઝોરી, ન્યુ જર્સી, ન્યુ યૉર્ક, નૉર્થ કૅરોલિના, પેન્સિલ્વેનિયા, સાઉથ કૅરોલિના, ટેનેસી, ટેક્સસ, વર્જિનિયા અને વૉશિંગ્ટન DCનો સમાવેશ છે.
વાવાઝોડા પહેલાં સુપરમાર્કેટો ખાલી
વિન્ટર સ્ટૉર્મ ફર્ન પહેલાં દેશભરના ખરીદદારોએ પોતાની જરૂરી ચીજવસ્તુઓનો સ્ટૉક કરવા માટે સુપરમાર્કેટોમાં ખરીદી કરી હોવાથી આવી માર્કેટોમાં ચીજવસ્તુઓ રાખતી રૅક ખાલીખમ દેખાતી હતી.
૩ શહેરોમાં ભારે બરફવર્ષા
બૉસ્ટન, ન્યુ યૉર્ક સિટી અને ઓકલાહોમા સિટીમાં શુક્રવારથી શરૂ થયેલી બરફવર્ષા સોમવાર સુધી રહેશે અને આશરે બારથી ૧૮ ઇંચ સુધી વરસાદ પડશે. બૉસ્ટન અને મૅસેચુસેટ્સના મોટા ભાગમાં ૧૮ ઇંચ સુધી બરફ પડી શકે છે. ન્યુ યૉર્ક સિટીમાં લગભગ ૧૧ ઇંચ, જ્યારે પેન્સિલ્વેનિયા, ઇન્ડિયાના અને મેઇનમાં પાંચથી ૧૮ ઇંચ સુધી બરફ પડશે. અમેરિકાનાં મુખ્ય શહેરોમાં અઠવાડિયાના અંત સુધી તાપમાન વધવાની આગાહી ન હોવાથી બર્ફીલા વાતાવરણના દિવસો લાંબા સમય રહેશે.
ફ્રૉસ્ટબાઇટથી સાવધ રહો
અમેરિકામાં ઠંડું તાપમાન ચાલુ રહેતાં ફ્રૉસ્ટબાઇટની ચિંતા વધી રહી છે. તાપમાન અને પવનની ઠંડીના આધારે ફ્રૉસ્ટબાઇટથી ઈજા થઈ શકે છે. લોકોને કામ વિના ઘરની બહાર ન જવાની તાકીદ કરવામાં આવી છે.
ચારમાંથી એક ફ્લાઇટ કૅન્સલ
વિન્ટર સ્ટૉર્મ ફર્નને કારણે અમેરિકામાં દર ચારમાંથી એક ફ્લાઇટ રદ થઈ ગઈ છે. શનિવારે ૪૫૦૦ ફ્લાઇટ, ગઈ કાલે લગભગ ૧૦,૦૦૦ ફ્લાઇટ અને આજે લગભગ ૧૫૦૦થી વધુ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. ઘણાં ઍરપોર્ટ પર આગળની સૂચના સુધી બધાં વિમાનો રોકી દેવામાં આવ્યાં છે.
બાવીસ કરોડ અમેરિકનો પ્રભાવિત
ન્યુ મેક્સિકોથી માઇને સુધી ફેલાયેલા ૨૦૦૦ માઇલના વિન્ટર સ્ટૉર્મ ફર્નના માર્ગમાં લગભગ બાવીસ કરોડ અમેરિકનો રહે છે. સાઉથનાં રાજ્યોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે અને નૉર્થઈસ્ટમાં ભારે બરફવર્ષાનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાનો અડધાથી વધુ ભાગ વિન્ટર સ્ટૉર્મના પ્રભાવ હેઠળ છે જેમાં ૩૭ રાજ્યોનો સમાવેશ થાય છે અને ઓછામાં ઓછાં ૨૧ રાજ્યોમાં શનિવારે રાતે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે.


