હુમલાના સમયે પાકિસ્તાનની રિસ્પૉન્સ અને સુરક્ષા નીતિઓને આકાર આપવાના સંબંધમાં નિર્ણય લેનારા મિલિટરીના ટોચના લોકોની ટીમમાં મુનિર સામેલ હતા

પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇના ભૂતપૂર્વ વડા લેફ્ટનન્ટ જનરલ અસિમ મુનિર
ઇસ્લામાબાદ (પી.ટી.આઇ.)ઃ પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇના ભૂતપૂર્વ વડા લેફ્ટનન્ટ જનરલ અસિમ મુનિરની ગઈ કાલે આર્મીના નવા વડા તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે. ૬૧ વર્ષના બાજવા ત્રણ વર્ષના એક્સટેન્શન બાદ ૨૯ નવેમ્બરે નિવૃત્ત થશે.
ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં સુસાઇડ અટૅકના પગલે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તનાવ વધ્યો હતો ત્યારે મુનિર આઇએસઆઇ (ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ)ના વડા હતા. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. એ સમયે પાકિસ્તાનની રિસ્પૉન્સ અને સુરક્ષા નીતિઓને આકાર આપવામાં સામેલ નિર્ણય લેનારા મિલિટરીના ટોચના લોકોની ટીમમાં તેઓ સામેલ હતા.
આઇએસઆઇના વડા તરીકે તેમનો કાર્યકાળ અચાનક પૂરો થઈ ગયો હતો, કેમ કે એ સમયના વડા પ્રધાન ઇમરાન ખાનની સાથે તેમના સંબંધો વણસ્યા હતા.
આર્મીના નવા ચીફ તરીકે મુનિરની નિમણૂક એ ચોક્કસ જ ઇમરાન માટે એક પછડાટ છે. વળી, આ નિમણૂક એવા સમયે થઈ છે કે જ્યારે મિલિટરી અને ઇમરાનની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ઇમરાન સત્તા પરથી તેમની હકાલપટ્ટી માટે મિલિટરીને દોષી ગણાવે છે.
પાકિસ્તાનના મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે કે શાસક પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાર્ટીના એક વર્ગે આર્મી ચીફના પદ પર મુનિરની નિમણૂકની તરફેણ કરી હતી, કેમ કે આ લોકો માને છે કે મુનિર ઇમરાનનો મુકાબલો કરી શકે છે.
માહિતીપ્રધાન મરિયમ ઔરંગઝેબે ટ્વિટર પર જાહેર કર્યું હતું કે વડા પ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાનની આર્મીના નવા ચીફ તરીકે મુનિરની પસંદગી કરી છે. લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાની જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ કમિટીના ચૅરમૅન તરીકે પસંદગી કરવામાં આવી છે.

