પુતિન સાથે ૧૭૦ મિનિટની ચર્ચા પછી પણ યુક્રેન વિશે કંઈ નક્કી ન થયું; રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ટૅરિફ બાબતે કોઈ સ્પષ્ટતા નહીં, છતાં ટ્રમ્પ-પુતિને મુલાકાત સફળ ગણાવી
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અલાસ્કાના ઍન્કરેજમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાયેલી બેઠકથી પશ્ચિમમાં રશિયાની એકલતા કંઈક અંશે દૂર થઈ છે.
પ્રેસિડન્ટ પુતિન અને ટ્રમ્પે શુક્રવારે લગભગ ૩ કલાક (૧૭૦ મિનિટ) સુધી શિખર મંત્રણા યોજી હતી. એ પછી બન્ને નેતાઓએ ફક્ત ૧૨ મિનિટની સંયુક્ત પત્રકાર-પરિષદ યોજી હતી. એ દરમ્યાન તેમણે પત્રકારોના કોઈ પણ પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા.
ADVERTISEMENT
૨૦૧૮ પછી પુતિનની કોઈ પણ અમેરિકન પ્રેસિડન્ટ સાથેની આ પ્રથમ સંયુક્ત પત્રકાર-પરિષદ હતી. પુતિને આ તકનો લાભ લીધો હતો અને ઇતિહાસ, ભૂગોળ તથા અમેરિકા સાથે ‘પાડોશી’ સંબંધો પર ભાર મૂક્યો હતો. જોકે તેઓ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટેની શરતો પર મૌન રહ્યા હતા અને અસ્પષ્ટ જવાબ આપ્યા હતા.
પુતિન શું બોલ્યા?
પુતિને અલાસ્કાના ઇતિહાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પ્રદેશ એક સમયે રશિયાનો ભાગ હતો, જે હવે અમેરિકાનો છે. આ અમેરિકા અને રશિયાને એક સહિયારા ઇતિહાસ સાથે જોડે છે. તેમણે કહ્યું કે અમેરિકા અને રશિયા સારા ભાગીદાર તરીકે કામ કરી શકે છે, હરીફ તરીકે નહીં.
તેમણે કહ્યું કે મારા અને ટ્રમ્પ વચ્ચે ખૂબ સારો સીધો સંપર્ક છે. બન્ને વચ્ચે રૂબરૂ મુલાકાત ઘણા સમયથી બાકી હતી, જે હવે થઈ છે. તેમણે કહ્યું કે જો ટ્રમ્પ ૨૦૨૨માં અમેરિકાના પ્રેસિડન્ટ હોત તો યુક્રેન સંઘર્ષ ક્યારેય થયો ન હોત.
શું બોલ્યા ડોનલ્ડ ટ્રમ્પ?
પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને લાગે છે કે અમારી બેઠક ખૂબ સકારાત્મક રહી હતી. જોકે અમે ઘણા મુદ્દાઓ પર સંમત થયા, પરંતુ કોઈ સોદો થયો નહીં. કેટલાક મોટા મુદ્દાઓ છે જેના પર અમે હજી સુધી સંપૂર્ણપણે ઉકેલ લાવી શક્યા નથી, પણ અમે ચોક્કસ કેટલીક પ્રગતિ કરી છે. જ્યાં સુધી કોઈ કરાર ન થાય ત્યાં સુધી કોઈ કરાર નથી. ટ્રમ્પે આ બેઠકને ૧૦માંથી ૧૦ માર્ક આપ્યા હતા.
ટ્રમ્પને રશિયા આવવાનું આમંત્રણ
રશિયન પ્રેસિડન્ટ પુતિને આગામી બેઠક માટે મૉસ્કોનું સૂચન કર્યું હતું. તેમણે આ વાત અંગ્રેજીમાં કહી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે લોકોને આ નિર્ણય ગમશે નહીં અને થોડી ટીકા થશે, પરંતુ તેમણે એને સંપૂર્ણપણે નકારી કાઢ્યો નથી. ટ્રમ્પે કહ્યું કે આવું થઈ શકે છે.
પુતિનની પશ્ચિમી દેશોને ચેતવણી
૨૦૧૮ પછી પુતિન અને કોઈ પણ અમેરિકન પ્રેસિડન્ટ વચ્ચેની આ પહેલી મુલાકાત હતી. આ બેઠકમાં પુતિનના સૌહાર્દપૂર્ણ સ્વર છતાં તેમની ભાષા અત્યાર સુધી જેટલી જ આત્મવિશ્વાસપૂર્ણ હતી. તેમણે અમેરિકા સાથે આર્થિક સહયોગની વાટાઘાટો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને યુરોપિયન દેશોને અલાસ્કા બેઠકની પ્રારંભિક પ્રગતિમાં ખલેલ પહોંચાડવા સામે ચેતવણી આપી હતી.
પુતિને તોડી અમેરિકાની પરંપરા
અમેરિકન પરંપરા મુજબ જ્યારે કોઈ અમેરિકન પ્રેસિડન્ટ કોઈ વિદેશી નેતાનું સ્વાગત કરે છે ત્યારે અમેરિકન નેતા સંયુક્ત પત્રકાર-પરિષદમાં સૌપ્રથમ બોલે છે. જોકે શુક્રવારે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આ પરંપરાનો ભંગ કર્યો હતો. તેમણે રશિયન ભાષામાં પ્રેસ-કૉન્ફરન્સની શરૂઆત કરી એટલું જ નહીં, બે મીટરના અંતરથી માઇક પર ડોનલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરતાં કહ્યું હતું, ‘શુભ દિવસ, પ્રિય પાડોશી, આશા છે કે તમે સ્વસ્થ હશો.’
યુદ્ધવિરામ નહીં, શાંતિ કરાર જરૂરી
પુતિન સાથે મુલાકાત બાદ રાતે ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર પોસ્ટમાં લખ્યું હતું કે અલાસ્કામાં એક મહાન અને અત્યંત સફળ દિવસ. રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે શાનદાર મુલાકાત થઈ તેમ જ યુક્રેનિયન પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કી અને નાટોના સેક્રેટરી જનરલ સહિત અનેક યુરોપિયન નેતાઓ સાથે મોડી રાતે ફોન પર વાત થઈ હતી. આ પોસ્ટમાં ટ્રમ્પે યુદ્ધવિરામ કરારને બદલે શાંતિ કરાર પર ભાર મૂક્યો છે.
તેમણે લખ્યું હતું કે દરેક વ્યક્તિએ નક્કી કર્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના ભયંકર યુદ્ધનો અંત લાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે સીધા શાંતિ સમજૂતી પર પહોંચવું, જે યુદ્ધને સંપૂર્ણપણે સમાપ્ત કરે. ફક્ત યુદ્ધવિરામ કરાર ઘણી વાર લાંબા સમય સુધી ટકતા નથી.
ટ્રમ્પે વધુ માહિતી આપતાં લખ્યું હતું કે જો બધું બરાબર રહ્યું તો અમે પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરીશું. આશા છે કે લાખો લોકોના જીવ બચાવી શકાશે.
ટ્રમ્પે મેલેનિયાનો પત્ર પુતિનને આપ્યો
ડોનલ્ડ ટ્રમ્પની અલાસ્કા મુલાકાતમાં ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પ્રવાસમાં ગેરહાજર હતાં. તેમણે પુતિનને એક વ્યક્તિગત પત્ર મોકલ્યો હતો જે ટ્રમ્પે મુલાકાત દરમ્યાન પુતિનને સોંપ્યો હતો.
એક અહેવાલ મુજબ મેલેનિયાના પત્રમાં યુક્રેન અને રશિયા બન્નેમાં બાળકોની દુર્દશા વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પુતિને પ્લેનમાંથી ઊતરતાં જ ડોનલ્ડ ટ્રમ્પને કહ્યું...
ગુડ મૉર્નિંગ, તમને જીવતા જોઈને આનંદ થયો
પુતિને પ્રેસ-કૉન્ફરન્સમાં ટ્રમ્પને મળ્યા ત્યારે તેમની અને ટ્રમ્પ વચ્ચે શું વાતચીત થઈ હતી એ કહ્યું હતું અને હળવા અંદાજમાં ટકોર કરી હતી કે પાડોશીઓ વચ્ચે આવી વાતો થઈ શકે છે એટલે આજે હું જ્યારે પ્લેનમાંથી ઊતર્યો અને અમે મળ્યા, ત્યારે મેં કહ્યું, ગુડ મૉર્નિંગ પ્રિય પાડોશી, તમને જીવતા અને તંદુરસ્ત જોઈને આનંદ થયો.
માનો યા ના માનો
પુતિનનો હમશકલ ટ્રમ્પને મળ્યો હોવાના દાવા
ઇન્ટરનેટ પર ગઈ કાલે ટ્રમ્પ-પુતિન મુલાકાત ચર્ચાનો સૌથી મોટો મુદ્દો હતો. ઘણા ઇન્ટરનેટ યુઝર્સે જાત-જાતના રિપોર્ટ્સને ટાંકીને એવો દાવો કર્યો હતો કે પુતિને ઓછામાં ઓછા પાંચ હમશકલ રાખ્યા છે. જ્યાં-જ્યાં તેમને પોતાના જીવનું જોખમ લાગે ત્યાં તેઓ પહેલાં પોતાના હમશકલને જ મોકલે છે. આ પાંચેય હમશકલ પુતિન જેવા લાગે છે, પણ ધ્યાનથી જુઓ તો પાંચેયમાં અને પુતિનમાં પણ ફરક દેખાઈ શકે છે. ટ્રમ્પને મળ્યો એ પુતિનનો હમશકલ-નંબર-પાંચ લાગતો હતો, કારણ કે એના ગાલ ફૂલેલા હતા.
ઇન્ટરનેટ યુઝર્સે તો એવા દાવા કર્યા હતા કે પુતિનનો ચહેરો અને ચાલવાની રીત ઘણી અલગ છે. ટ્રમ્પને મળ્યો એ પુતિનના ગાલો તો ભરેલા લાગતા હતા અને અસલી પુતિન આટલો ખુશમિજાજથી કે ગરમજોશીથી વાતચીત નથી કરતો. એના વાળ પણ એકદમ અલગ છે.
શું પુતિને ટ્રમ્પની ગાડીમાં માઇક્રોચિપ ગોઠવી?
અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ભૂતપૂર્વ ચીફ જૉન ઓ બ્રેનાને ગઈ કાલે ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ડોનલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મુલાકાત દરમ્યાન ટ્રમ્પ પુતિનને પોતાની લિમોઝિન ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા. આ તકનો લાભ લઈને પુતિને ટ્રમ્પની લિમોઝિનમાં માઇક્રોચિપ ગોઠવી દીધી હોઈ શકે છે. જોકે મને આશા છે કે સિક્રેટ સર્વિસના લોકોએ પુતિન સાથેની મુલાકાત પછી ગાડીને બરાબર ચકાસી લીધી હશે.’
ઝેલેન્સ્કી સોમવારે ટ્રમ્પને મળશે
અલાસ્કામાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને મળ્યા બાદ ટ્રમ્પે યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કી સહિત નાટો દેશોના નેતાઓ સાથે ફોન પર લાંબી વાત કરી હતી. વાઇટ હાઉસે જણાવ્યા અનુસાર ટ્રમ્પે ઝેલેન્સ્કી તેમ જ યુરોપિયન દેશોને બેઠક સંબંધી તમામ માહિતી આપી છે. ટ્રમ્પે યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વૉન્ડર લેયેન સાથે પણ ફોન પર વાત કરી હતી. મળતી માહિતી મુજબ ટ્રમ્પ સાથે વાત કર્યા પછી યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી સોમવારે વૉશિંગ્ટનની મુલાકાત લેશે.
ભારતે મુલાકાતને વખાણી
ભારતે ટ્રમ્પ અને પુતિનની શિખર બેઠકને વખાણી હતી. એ સંદર્ભે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત ડોનલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી શિખર સંમેલનનું સ્વાગત કરે છે. શાંતિના પ્રયાસમાં તેમનું નેતૃત્વ પ્રશંસનીય છે. નવી દિલ્હીએ યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે રાજદ્વારી ચર્ચાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો છે. ભારત સમિટમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરે છે. આગળનો રસ્તો ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ શક્ય છે. વિશ્વ યુક્રેનમાં સંઘર્ષનો વહેલી તકે અંત જોવા માગે છે.
પુતિન અને ઝેલેન્સ્કીની મુલાકાત કરાવશે ટ્રમ્પ
ટ્રમ્પ અને પુતિનની મુલાકાતમાં આમ તો કોઈ નક્કર સમજૂતી થઈ નહોતી. જોકે ટ્રમ્પે આ બેઠકને સકારાત્મક ગણાવી હતી અને સંકેત આપ્યો હતો કે તેઓ ટૂંક સમયમાં ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે પણ મુલાકાત કરાવવા માગે છે. ટ્રમ્પ પોતે પણ એ બેઠકમાં હાજર રહેશે.
પુતિન સાથેની મુલાકાત પહેલાં ટ્રમ્પે એવું કેમ કહ્યું કે રશિયાએ એક ઑઇલ-ક્લાયન્ટ ગુમાવ્યો?
ડોનલ્ડ ટ્રમ્પે પુતિન સાથેની મુલાકાત પહેલાં જ એવો દાવો કરી દીધો હતો કે ભારત હવે રશિયા પાસેથી ઑઇલ નહીં ખરીદે. આ નિવેદન નિષ્ણાતોના મતે માત્ર પ્રેશર ટૅક્ટિક હતી. આ જ રીતે ટ્રમ્પ કોઈ પણ ડીલ કરતાં પહેલાં અગાઉથી સામા પક્ષ પર દબાણ બનાવીને ધાર્યું કરાવવા જાણીતા છે.
પુતિન સાથેની મુલાકાત માટે નીકળતાં પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે મુસાફરી દરમ્યાન ફૉક્સ ન્યુઝને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વાટાઘાટો માટે ટેબલ પર આવ્યા છે. રશિયાએ એના તેલનો એક મોટો ગ્રાહક ગુમાવી દીધો છે, આ ગ્રાહક એટલે ભારત. ભારત લગભગ ૪૦ ટકા તેલ ખરીદતું હતું. ચીન પણ ઘણી મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું છે, પણ મેં જે સેકન્ડરી ટૅરિફ લગાડવાની જાહેરાત કરી છે એ લગાડી તો એ તેમના માટે ભયાનક સાબિત થશે. જોકે મને લાગે છે કે મારે એમ નહીં કરવું પડે, પણ મારે એ કરવું પડશે તો હું એ કરીશ. આ નિર્ણય મારે અત્યારે તો નથી કરવાનો. એના વિશે હવે હું બેથી ત્રણ અઠવાડિયાં પછી નિર્ણય કરીશ.’


