ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇતિહાસની આ સૌથી મોટી ડીલ
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સાથે વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટા તેલકરારની જાહેરાત કરી છે. આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે આ કરારથી અમેરિકાની ક્રૂડ ઑઇલની પહોંચ વધશે, પુરવઠો વધશે અને ગૅસોલિનના ભાવ ઘટશે. અમેરિકાએ સરકાર અને પ્રાઇવેટ કંપનીઓ સાથે મળીને વેનેઝુએલાના ૬૫ અબજ બૅરલથી વધુના તેલભંડાર પર નિયંત્રણ મેળવ્યું છે. આ ભાગીદારી દ્વારા ઉત્પાદિત તેલનો પંચાવન ટકા હિસ્સો અમેરિકાને મળશે.
નોંધનીય છે કે જાન્યુઆરીમાં અમેરિકન દળોએ વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા હતા.
ADVERTISEMENT
આ મુદ્દે ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે મારા કહેવા પર ગૃહપ્રધાન માર્કો રુબિયો અને સંરક્ષણપ્રધાન પીટ હેગસેથે વેનેઝુએલાના વચગાળાનાં રાષ્ટ્રપતિ ડેલ્સી રૉડ્રિગ્ઝ અને ખાનગી કંપનીઓ સાથે મળીને વેનેઝુએલામાં ૬૫ અબજ બૅરલથી વધુના તેલભંડાર પર બહુમતી નિયંત્રણ મેળવ્યું છે, આનાથી અમેરિકાના કરદાતાઓને કંઈ ખર્ચ થયો નથી.
ભારત માટે ૪૦ વર્ષનો તેલપુરવઠો
અમેરિકાએ વેનેઝુએલાના ૬૫ અબજ બૅરલથી વધુના તેલભંડાર પર નિયંત્રણ મેળવ્યું છે. અમેરિકા પાસે લગભગ ૪૬ અબજ બૅરલ તેલનો જથ્થો છે. ભારતની તુલનામાં ૬૫ અબજ બૅરલનો આંકડો નોંધપાત્ર છે, કારણ કે ભારતની વાર્ષિક તેલની જરૂરિયાત આશરે ૧.૬ થી ૧.૭ અબજ બૅરલ ક્રૂડની છે. આ ભારતની ૪૦ વર્ષની તેલઆયાત જેટલી છે.
ડોનલ્ડ ટ્રમ્પે ખુદને ગણાવ્યા સૌથી મહાન પ્રેસિડન્ટ : ઓબામા અને જો બાઇડનને નિષ્ફળના લિસ્ટમાં મૂક્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિઓની રૅન્કિંગની પોસ્ટ શૅર કરીને પોતાને ‘સૌથી મહાન’ રાષ્ટ્રપતિ તરીકે યાદીમાં ટોચ પર મૂક્યા હતા. ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રેસિડન્ટોને ૬ શ્રેણીમાં મૂક્યા છે જેમાં ધ ગ્રેટેસ્ટ (સૌથી મહાન), ગ્રેટેસ્ટ (મહાન), નિયર ગ્રેટેસ્ટ (મહાનની નજીક), ઍવરેજ (સરેરાશ), બિલો ઍવરેજ (સરેરાશથી ઓછા) અને ફેલ્યર (નિષ્ફળ)નો સમાવેશ છે.
થૉમસ જેફરસન સાથે અબ્રાહમ લિંકન, જ્યૉર્જ વૉશિંગ્ટન, ઍન્ડ્ર્યુ જૅક્સન, વુડ્રો વિલ્સન અને ફ્રૅન્કલિન ડી. રુઝવેલ્ટને ‘મહાન’ લિસ્ટમાં મૂકવામાં આવ્યા હતા. નિયર ગ્રેટમાં થિયોડોર રુઝવેલ્ટ, ગ્રોવર ક્લીવલૅન્ડ, જૉન એડમ્સ અને જેમ્સે કે. પોલ્કને મૂકવામાં આવ્યા છે. જોકે નિષ્ફળ પ્રેસિડન્ટની યાદીમાં ટ્રમ્પે બરાક ઓબામા, જો બાઇડન અને જિમી કાર્ટરનો સમાવેશ કર્યો છે.
આ લિસ્ટમાં હૅરી ટ્રુમૅન, ડ્વાઇટ આઇઝનહોવર, રોનલ્ડ રેગન, જૉન એફ. કેનેડી, રિચર્ડ નિક્સન અને જ્યૉર્જ એચ. બુશનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
