ટ્રમ્પે દુનિયાના દેશો પર ટૅરિફ લગાવવાની જાહેરાત કરી હતી, પણ પછી ૯૦ દિવસ માટે મોકૂફ રાખી હતી; આ મુદત ૮ જુલાઈએ પૂરી થાય છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત ટ્રેડ ડીલના મુદ્દે એક મોટું અપડેટ આપ્યું છે. તેમણે ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અમે ભારત સાથે ઘણા જલદી ઘણી મોટી ટ્રેડ ડીલ ફાઇનલ કરવા જઈ રહ્યા છીએ. અમે ચીન સાથે ટ્રેડ ડીલ કરી છે. એના પર હસ્તાક્ષર થઈ ગયા છે. અમે દરેક સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા નથી, પણ અમે કેટલાક ફાયદાકારક સોદાઓ કરવાના છીએ. અમે એક સોદો કરવા જઈ રહ્યા છીએ અને એ ભારત સાથે છે. એ ઘણો મોટો સોદો છે.’
આ મુદ્દે વધુમાં બોલતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમે ભારત સાથે સોદો કરીશું, ચીન સાથે પણ સોદો કર્યો છે. આ સોદો થાય એવો નહોતો પણ અમે એ કામ કરી રહ્યા છીએ. આ બે દેશો સાથે અમારા સંબંધો સારા છે.’ જોકે ટ્રમ્પે ચીન સાથે થયેલા સોદાની જાણકારી આપી નહોતી.
ADVERTISEMENT
બધા સાથે ડીલ નહીં કરે
ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે અમેરિકા બધા દેશો સાથે આવા સોદા નહીં કરે. આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે ઘણા દેશોને અમે પત્ર લખીશું અને એમનો આભાર માનીશું.
ભારત સાથે સોદામાં વાંધો ક્યાં?
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે અગાઉની ચર્ચાઓ ફળદાયક રહી નથી. કૃષિ અને અન્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં બજારની પહોંચ મુખ્ય મુદ્દાઓ રહ્યા હતા. અમેરિકાને ભારતમાં સફરજન, સોયાબીન અને કૉર્ન એક્સપોર્ટ કરવાં છે. આનાથી અંતિમ રાઉન્ડ પર દબાણ વધશે, જ્યાં ભારત પરસ્પર ટૅરિફ ટાળવા માટે અમેરિકાની માગણીઓ સ્વીકારવા માટે વધુ દબાણનો સામનો કરી શકે છે.
વેપારસોદામાં બીજો અવરોધ એ છે કે અમેરિકાએ ભારતમાં અનેક નૉન-ટૅરિફ વિઘ્નો અને ઉચ્ચ ડ્યુટીઓ લાદ્યાં છે, પરંતુ હજી સુધી ઘણી ભારતીય માગણીઓ પૂરી કરી નથી. ખાસ કરીને અમેરિકા પાસે હાલમાં માન્ય ટ્રેડ પ્રમોશન ઑથોરિટી (TPA) નથી. આ વિના વર્તમાન અમેરિકન વહીવટી તંત્રને ટૅરિફ ઘટાડવાની કાયદેસર રીતે પરવાનગી નથી. નિષ્ણાતોએ નિર્દેશ કર્યો છે કે બાઇલૅટરલ ટ્રેડ ઍગ્રીમેન્ટ (BTA) વાટાઘાટોમાં ટૅરિફ સંબંધિત ચર્ચાઓ ફક્ત વર્તમાન વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવતા એક્ઝિક્યુટિવ સ્તરના ટૅરિફ સુધી મર્યાદિત હોઈ શકે છે, જે કોઈ પણ સોદાના લાંબા ગાળાના ટકાઉપણા અંગે પ્રશ્નો ઊભા કરે છે.


