ગુલામીપ્રથા માટે માફી માગી શકે છે બ્રિટન, જોકે વળતર નહીં આપે : ૪૦૦ વર્ષ ચાલ્યો હતો લોકોને ગુલામ બનાવવાનો વેપાર
બ્રિટિશ વડા પ્રધાન ઍન્ડી બર્નહૅમ
આશરે ૪૦૦ વર્ષ સુધી લોકોને ગુલામ બનાવીને તેમનો વેપાર કરવા માટે બ્રિટિશ વડા પ્રધાન ઍન્ડી બર્નહૅમ ભારત સહિત ૫૬ દેશોની માફી માગવા તૈયાર છે, પરંતુ તેમણે આ માટે આર્થિક વળતર આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. લોકોને ગુલામ બનાવીને વેચવાનો કારોબાર ૪૦૦ વર્ષ સુધી ચાલ્યો હતો. વળતર નહીં ચૂકવવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘વળતરનું વિતરણ કરવું એ આનું કોઈ સમાધાન નથી. આ માત્ર એક અત્યાચારના બદલામાં બીજો એક અત્યાચાર હશે, કારણ કે બ્રિટનના આજના લોકોને આ ઘટનાઓ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.’
કૅરિબિયન દેશોમાં આયોજિત કૉમનવેલ્થ લીડર્સ સમિટમાં ભાગ લેતાં પહેલાં અૅન્ડી બર્નહૅમે પ્રતિષ્ઠિત બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’માં લખેલા પોતાના લેખમાં આ વાત કહી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આપણે આપણા ભૂતકાળનો સામનો કરવો પડશે. અમે બ્રિટનના ઇતિહાસમાં થયેલા ટ્રાન્સ-ઍટલાન્ટિક ગુલામ-વેપારમાં અમારા દેશની ભૂમિકા માટે ઔપચારિક માફી માટે ખુલ્લા છીએ.’
ADVERTISEMENT
બ્રિટને ગુલામી માટે માફી કેમ માગી નથી?
બ્રિટને ઐતિહાસિક રીતે ક્યારેય ગુલામીપ્રથા માટે ઔપચારિક રીતે માફી માગી નથી કે વળતર માટે સહમતી દર્શાવી નથી. બ્રિટને દલીલ કરી હતી કે એને સદીઓથી આ વેપારથી નફો થયો હતો, પરંતુ પછી એને નાબૂદ કરવામાં પણ એ મોખરે હતું. ૧૮૩૩માં બ્રિટિશ સંસદે એના મોટા ભાગના સામ્રાજ્યમાં ગુલામીને ગેરકાયદે ઠેરવી હતી.
