ફ્રાન્સે ગાઝા પીસ બોર્ડમાં સામેલ ન થવાનો સંકેત આપતાં ટ્રમ્પે ધમકી આપી
ડોનલ્ડ ટ્રમ્પ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉનનો પ્રાઇવેટ મેસેજ લીક કરીને તુમાખી દાખવતાં અમેરિકન પ્રેસિડન્ટે કહ્યું, બહુ જલદીથી તેમની ખુરસી છીનવાઈ જવાની છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝા પીસ બોર્ડમાં ભાગીદારી માટે હવે બીજા દેશોને ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે ગાઝાના પુનર્નિર્માણ માટે બોર્ડ ઑફ પીસની જાહેરાત કરીને ભારત, પાકિસ્તાન સહિત ૬૦થી વધુ દેશોને એમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. ટ્રમ્પના આ આમંત્રણ પર દુનિયાના ઘણા દેશોએ ખાસ ઉત્સાહ દાખવ્યો નથી. મોટા ભાગના દેશો ચૂપ છે, પરંતુ ફ્રાન્સ અને કૅનેડા સહિત કેટલાક દેશોએ એમાં સામેલ ન થવાનો સંકેત આપ્યો છે. એનાથી ફ્રાન્સ પર નારાજ થયેલા ટ્રમ્પે ધમકી આપતાં કહ્યું હતું કે ‘ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રૉનને અમે બોર્ડમાં સામેલ પણ નથી કરવા માગતા. કેમ કે બહુ જલદીથી તેમની ખુરસી છીનવાઈ જવાની છે. જો મને લાગ્યું તો હું ફ્રાન્સનાં વાઇન અને શૅમ્પેન પર ૨૦૦ ટકા ટૅરિફ લગાવી દઈશ, પછી મૅક્રૉન ખુદ પીસ બોર્ડમાં સામેલ થઈ જશે.’
ADVERTISEMENT
૨૦૦ ટકા ટૅરિફના મુદ્દે ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું હતું કે તેમની ધમકીઓ અસ્વીકાર્ય અને બેઅસર છે. કોઈ પણ દેશની વિદેશનીતિને પ્રભાવિત કરવા માટે આર્થિક દબાણ બનાવવાનું ઠીક નથી.’
પર્સનલ ચૅટનો સ્ક્રીનશૉટ લીક કર્યો
આટલું ઓછું હોય એમ ડોનલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તેમને લખેલો પ્રાઇવેટ મેસેજ પણ લીક કરી દીધો હતો. એમાં મૅક્રૉને ગ્રીનલૅન્ડ મામલે અમેરિકાની મજાક કરી હતી. મેસેજમાં મૅક્રૉને લખ્યું હતું કે ‘સીરિયાના મુદ્દા પર અમે તમારી સાથે સહમત છીએ, ઈરાનના વિષયમાં પણ આપણે ઘણું કરી શકીએ એમ છીએ, પરંતુ મને એ નથી સમજાતું કે તમે ગ્રીનલૅન્ડમાં શું કરી રહ્યા છો?’
ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ગ્રીનલૅન્ડના મુદ્દે અમેરિકાની નીતિની ટીખળ કરતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘ભવિષ્યમાં જો ઘરમાં આગ લાગવાની હોય તો બહેતર છે કે એને અત્યારે જ બાળી નાખવું જોઈએ.’


