અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મ્યાનમારનું ટેન્શન વધ્યું
ડોનલ્ડ ટ્રમ્પ
ટૅરિફ-વૉર બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ હવે આશરે ૪૧ જેટલા દેશો પર ટ્રાવેલ-પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. આ સંદર્ભમાં એક આંતરિક મેમોમાં જણાવવામાં આવ્યું છે કે આ ૪૧ દેશને ત્રણ અલગ-અલગ જૂથોમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાન, ઈરાન, સિરિયા, ક્યુબા અને નૉર્થ કોરિયા સહિતના ૧૦ દેશના એક સમૂહને પૂર્ણ વીઝા-સસ્પેન્શનવાળા જૂથમાં રાખવામાં આવ્યા છે. આ ૧૦ દેશોના નાગરિકોને અમેરિકાનો પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. તેમના પર પૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. બાકીના અન્ય દેશો પર આંશિક પ્રતિબંધ લગાવવામાં આવશે.
ADVERTISEMENT
બીજા જૂથમાં ઈસ્ટ આફ્રિકાના દેશ ઈરિટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને સાઉથ સુદાનનાં નામ છે. આ દેશોના નાગરિકો પર આંશિક પ્રતિબંધ ચાલુ રહેશે. આ દેશોના ટૂરિસ્ટ અને સ્ટુડન્ટ-વીઝા સાથે અન્ય ઇમિગ્રન્ટ વીઝા પર અસર પડશે.
ત્રીજા જૂથમાં ૨૬ દેશનાં નામ સામેલ છે, પણ એ લિસ્ટનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે એમાં પાકિસ્તાન, બેલારુસ, તુર્કમેનિસ્તાન અને ભુતાન જેવા દેશોનો સમાવેશ છે. આ દેશોની સરકારો ૬૦ દિવસમાં ત્યાંની આંતરિક ખામીઓને દૂર નહીં કરે તો તેમના માટે અમેરિકા-વીઝા આપવા પર આંશિક રૂપથી રોક લગાવી દેવામાં આવશે.
ડોનલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં પણ સાત મુસ્લિમ દેશ પર ટ્રાવેલ-પ્રતિબંધ લગાવી દીધો હતો.


