હવે અમેરિકાને કોઈ લૂંટી નહીં શકે એમ જણાવતાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું...
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાતે જણાવ્યું હતું કે ભારત પોતાની ટૅરિફમાં ઘણી મોટી કપાત કરવા ચાહે છે, કારણ કે અમે એની પોલ ખોલી રહ્યા છીએ.
પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાતે ઓવલ ઑફિસમાં મીડિયા-બ્રીફિંગ વખતે જણાવ્યું હતું કે ‘ભારત આપણી પાસેથી વધારે પડતી ટૅરિફ વસૂલ કરે છે, તમે ભારતમાં કંઈ પણ વેચી શકતા નથી, આપણે ઘણો ઓછો બિઝનેસ કરી શકીએ છીએ; પણ હવે ભારત પોતાની ટૅરિફમાં ઘણી મોટી કપાત કરવા ચાહે છે, કારણ કે કોઈ એને એનાં કૃત્યો માટે આખરે ખુલ્લું પાડી રહ્યું છે.’
ADVERTISEMENT
મીડિયા-બ્રીફિંગ વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ‘આપણા દેશને દરેક જણે લૂંટ્યો છે, પણ હવે એ બંધ થઈ રહ્યું છે. મેં મારા પહેલા કાર્યકાળમાં એ બંધ કરાવ્યું હતું. હવે અમે એ સંપૂર્ણ રીતે બંધ કરાવવા જઈ રહ્યા છીએ, કારણ કે એ ઘણું ખોટું છે. અમેરિકાને આર્થિક, નાણાકીય અને વેપારની નજરે દુનિયાના લગભગ દરેક દેશે લૂંટ્યું છે.’
ભારતે ટૅરિફ અને નૉન-ટૅરિફ અવરોધો ઘટાડવા સહિત અમેરિકા સાથે વેપાર-સંબંધોને વધુ ગાઢ બનાવવાનો વિચાર કરી રહ્યા હોવાની જાહેરાત કરી એના કેટલાક કલાક બાદ ટ્રમ્પે આવી ટિપ્પણી કરી હતી.
વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમ્યાન બન્ને પક્ષોએ પરસ્પર ફાયદાકારક બહુક્ષેત્રીય દ્વિપક્ષીય
વેપાર-કરાર પર વાટાઘાટો કરવાની યોજના જાહેર કરી હતી.
બીજી તરફ કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ અમેરિકામાં તેમના સમકક્ષોને મળ્યા હતા અને બન્ને સરકારો વેપાર-કરાર પર ચર્ચા આગળ વધારવાની પ્રક્રિયામાં છે.

