બ્રિટિશ ગુપ્તચર સંસ્થાના એક ભૂતપૂર્વ વડાએ BBCને કહ્યું હતું કે આપણે હવે એક નવા યુગમાં જીવી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સંબંધો નિયમો અને બહુઆયામી સંગઠનો દ્વારા નહીં પણ બાહુબળ અને સોદાઓ દ્વારા નક્કી થશે
ચીન-અમેરિકાના પ્રેસિડન્ટ
આશંકા હતી એ મુજબ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયામાં ટૅરિફ-યુદ્ધ છેડ્યું છે. તેમણે જે રીતે એની શરૂઆત કરી છે એ જોતાં નિષ્ણાતોને ડર છે કે આ યુદ્ધ આંતરરાષ્ટ્રીય આર્થિક સમીકરણોને ઊંધાં-ચત્તાં કરી નાખશે એટલું જ નહીં, સુરક્ષાના મામલે પણ દુનિયાને અનિશ્ચિતતાની ખીણમાં ધકેલી દેશે. એક તો ટ્રમ્પે ચર્ચા-મંત્રણાઓ અને સલાહ-સૂચનોના પરંપરાગત માર્ગને તિલાંજલિ આપીને ધાકધમકીની ભાષામાં એકપક્ષી રીતે નિર્ણયો જાહેર કર્યા છે.
ટૅરિફ એ આયાતી અથવા નિકાસ થતી વસ્તુઓ પર દેશની સરકાર દ્વારા લાદવામાં આવતો કર અથવા ડ્યુટીનો એક પ્રકાર છે. એનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરવાનો, વિદેશી વેપારને નિયંત્રિત કરવાનો અને સરકારની આવકમાં વધારો કરવાનો છે.
ADVERTISEMENT
કૅનેડા અને મેક્સિકો પર ટૅરિફ લાદ્યા બાદ ટ્રમ્પે બીજી એપ્રિલથી ભારત, ચીન અને અન્ય દેશો પર ટૅરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ કહે છે કે ઘણા દેશો વર્ષોથી અમારા પર ટૅરિફ લાદી રહ્યા છે, હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.
તેમના આ પગલાથી સમગ્ર વિશ્વમાં વેપારયુદ્ધ ફાટી નીકળ્યું છે, કારણ કે બીજા દેશો પણ એ જ ભાષામાં ટ્રમ્પને જવાબ આપી રહ્યા છે. ચીને તો કહ્યું છે કે તમારે યુદ્ધ જ કરવું હોય તો થઈને રહેશે. ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા લિન જિયાને એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે, ‘જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે તો એને યુદ્ધ મળશે. ભલે એ ટૅરિફ-યુદ્ધ હોય, વેપાર-યુદ્ધ હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું યુદ્ધ હોય... ચીન અંત સુધી લડવા તૈયાર છે.’
ચીને ટ્રમ્પ દ્વારા ચીની ઉત્પાદનો પર લાદવામાં આવેલી ટૅરિફ સામે વિશ્વ વેપાર સંગઠન (WTO)માં વિવાદ શરૂ કર્યો છે. માત્ર એક મહિનામાં ચીન પર કુલ ૨૦ ટકા ટૅરિફ લાદવામાં આવી છે એને કારણે બન્ને દેશો વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. બીજિંગે જાહેરાત કરી છે કે એ ૧૦ માર્ચથી કેટલાક અમેરિકન માલ પર ૧૫ ટકા સુધીની વધારાની ટૅરિફ લાદશે. એ જ સમયે કેટલીક અમેરિકન કંપનીઓ પર નવા નિકાસ-પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે.
આયાતી કર પર પચીસ ટકાના વધારા સામે કૅનેડાએ પણ વિશ્વ વેપાર સંગઠનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. કૅનેડાના રાજદૂતે કહ્યું છે કે આ નિર્ણય અમારાં હિતની વિરુદ્ધ છે અને અમે અમારી સુરક્ષા માટે એનો જવાબ આપવો જરૂરી માનીએ છીએ.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પની ટૅરિફને ખોટી ગણાવીને અમેરિકન ઉત્પાદનો પર પચીસ ટકા વળતી ટૅરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો જરૂર પડશે તો ત્રણ અઠવાડિયાંમાં વધુ અમેરિકન આયાત પર ટૅરિફ લાદવામાં આવી શકે છે, જેનું મૂલ્ય ૮૬.૫ અબજ ડૉલર હશે.
ટ્રમ્પ વહીવટી તંત્રે એમ પણ કહ્યું છે કે એ ભારતમાં દવાઓની નિકાસ પર ટૅરિફ લાદશે. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એનાથી ચિંતામાં છે. એ જ સમયે ઑટોથી લઈને કૃષિ સુધીનાં ક્ષેત્રોના ભારતીય નિકાસકારો પણ એપ્રિલની શરૂઆતથી ‘રેસિપ્રોકલ ટૅરિફ’ લાદવાના ટ્રમ્પના પ્રસ્તાવથી ચિંતિત છે. રૉઇટર્સે જણાવ્યા અનુસાર સિટી રિસર્ચના વિશ્લેષકોનો અંદાજ છે કે આનાથી દર વર્ષે આશરે ૭ અબજ ડૉલરનું સંભવિત નુકસાન થઈ શકે છે.
ટ્રમ્પ કેવી આક્રમકતાથી અમેરિકાની પોઝિશન બદલવા માગે છે એની સાબિતી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી સાથેની તેમની તડાફડી પરથી મળે છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીના ગળા પર બંદૂક મૂકીને રશિયા સાથે સમાધાન કરવાનું કહ્યું છે. એમાં રશિયાને ઘી-કેળાં છે. યુક્રેનને નમાવીને પુતિનને યુરોપમાં પગપેસારો કરવો છે. તેઓ જૂના રશિયન સામ્રાજ્યને બેઠું કરવા માગે છે.
એટલા માટે જ યુરોપ (અને નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન-NATO-નાટો)એ તેમને યુક્રેનમાં ખાળી રાખ્યા છે. ટ્રમ્પ દેખીતી રીતે જ રશિયાના મદદગાર છે એટલે યુરોપ પણ ટ્રમ્પથી અકળાયું છે. બ્રિટન અને ફ્રાન્સે યુક્રેનને ટેકો જાહેર કર્યો છે. અમેરિકા નાટોમાંથી ખસી જાય તો યુરોપિયન યુનિયન મિલિટરી સ્તરે નબળું પડી જાય અને રશિયા માટે એ સુખદ સમાચાર છે. યુરોપના ૧૮ દેશો એવી રીતે રશિયાને મોકળો માર્ગ આપવાના મૂડમાં નથી. યુરોપિયન નેતાઓની એક બેઠકમાં ફ્રાન્સે યુક્રેનને ન્યુક્લિયર રક્ષણ આપવાની વાત કરી છે.
બ્રિટિશ ગુપ્તચર સંસ્થાના એક ભૂતપૂર્વ વડાએ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC)ને કહ્યું હતું કે આપણે હવે એક નવા યુગમાં છીએ, આંતરરાષ્ટ્રીય સંબંધો નિયમો તેમ જ બહુઆયામી સંગઠનો દ્વારા નહીં પણ બાહુબળ અને સોદાઓ દ્વારા નક્કી થશે.
અમીરાતમાં ભારતીયોને કેમ બચાવી ન શકાયા?
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ભારતીયોને મોતની સજાના મામલે બન્ને દેશો વચ્ચે તનાવ પેદા થવાનાં એંધાણ છે. હત્યાના આરોપમાં ત્યાં વધુ બે ભારતીય નાગરિકોને ફાંસી આપવામાં આવી છે. ભારતના વિદેશમંત્રાલયે પુષ્ટિ કરી છે કે કેરલાના મોહમ્મદ રીનાશ અરંગિલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વાલાપીલને હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ત્યાંની સર્વોચ્ચ અદાલતે તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
મંત્રાલયે જણાવ્યા અનુસાર UAEના અધિકારીઓએ ૨૮ ફેબ્રુઆરીએ ભારતીય દૂતાવાસને આ ફાંસીની માહિતી આપી હતી. દૂતાવાસે ભારતીય નાગરિકો માટે UAE સરકારને દયાની અરજીઓ અને માફીની વિનંતીઓ મોકલવા સહિત તમામ શક્ય કૉન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડી હતી. UAEના સત્તાવાળાઓએ ૨૮ ફેબ્રુઆરીએ દૂતાવાસને જાણ કરી હતી કે આ બે જણની સજાઓનું પાલન કરવામાં આવ્યું છે.
ભારતે એના નાગરિકોને ફાંસીમાંથી બક્ષવા માટે વિનંતી કરી હતી છતાં અમીરાતે એને ધ્યાનમાં લીધી નહોતી એ વાત ચિંતાજનક છે. UAEએ અગાઉ ઉત્તર પ્રદેશની ૩૩ વર્ષની મહિલા શહઝાદી ખાનને તેની દેખરેખ હેઠળના બાળકની હત્યા કરવાના આરોપસર ફાંસી આપી હતી.
સમગ્ર વિશ્વમાં ભારતના નાગરિકો પથરાયેલા છે. આવા સંજોગોમાં એ સુનિશ્ચિત કરવું જરૂરી બને છે કે ભારતીયો અન્ય દેશોમાં કામ કરે ત્યારે સુરક્ષિત રહે. અખાતના દેશોમાં ૩૦ લાખથી વધુ ભારતીય નાગરિકો છે. મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું કે સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસો છતાં આ વ્યક્તિઓની ફાંસીને રોકી શકાઈ નહોતી. વિશ્વના વિવિધ ભાગોમાં કામ કરી રહેલા અન્ય ભારતીય નાગરિકોની સલામતી માટે આ સારું નથી.
કોઈ પણ દેશ હોય, એ વિદેશી નાગરિકો સામે ન્યાયિક કાર્યવાહી કરતી વખતે એ દેશની સરકારને વિશ્વાસમાં લે છે. એ બહુ-બહુ તો દેશનિકાલ કરે છે, પણ ફાંસી તો સંભળાવવામાં નથી આવતી. ભારતના વડા પ્રધાન અને વિદેશપ્રધાનની વિદેશી મુલાકાતોમાં સંબંધો સુધારવાની કવાયતોથી વિદેશમાં રહેતા ભારતીયો વધુ સલામત અને સુરક્ષિત અનુભવતા હોય છે, પરંતુ અમીરાતની ઘટનાઓ પ્રશ્ન ઊભો કરે છે કે શું ભારત દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અસરકારક છે? શું ભારત સરકારનો કોઈ પ્રભાવ નથી? ભારત આ લોકોને કેમ બચાવી ન શક્યું?
હવે સીમાંકન સામે દક્ષિણમાં વિરોધ
હિન્દી ભાષા ભણાવવાને લઈને દક્ષિણ ભારત, ખાસ કરીને તામિલનાડુએ કેન્દ્ર સરકાર સાથે તકરાર કરી છે એ હજી ઊભી જ છે ત્યાં દેશમાં સંસદીય બેઠકો માટેના સૂચિત સીમાંકનના મુદ્દે પણ રાજ્યએ શિંગડું ઊંચું કર્યું છે. પોતાની ૭૨મી વર્ષગાંઠે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને કહ્યું હતું કે નવા સીમાંકનને કારણે તામિલનાડુની લોકસભાની બેઠકો વર્તમાન ૩૯થી ઘટીને ૩૧ થઈ શકે છે, જેનો અર્થ છે કે રાજ્ય ૮ બેઠકો ગુમાવી શકે છે. હવે તેમણે આ સંદર્ભે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં સીમાંકન અને ત્રિભાષા વિવાદ પર ચર્ચા કરવામાં આવશે. BJPએ આ બેઠકનો બહિષ્કાર કર્યો છે.
થોડા સમય પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્ટૅલિન પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે પ્રસ્તાવિત સીમાંકન કવાયતમાં દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યમાં લોકસભાની બેઠકો ઓછી કરવામાં નહીં આવે. આ પ્રક્રિયા વસ્તી ગુણોત્તર પર આધારિત હશે એમ તેમણે જણાવ્યું હતું.
સીમાંકન કવાયત હેઠળ લોકસભાની બેઠકોની સંખ્યા વધારવી પડશે, કારણ કે દેશની વસ્તીમાં વધારો થવાને કારણે એક સંસદસભ્ય પ્રતિનિધિત્વ કરી શકે એના કરતાં વધુ લોકોનો ઉમેરો થયો છે એટલે વસ્તીના આધારે સંસદસભ્યોની સંખ્યા વધારવામાં આવશે, ત્યારે જે રાજ્યોમાં વસ્તીનિયંત્રણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હશે એને સૌથી વધુ ફાયદો થશે. આવી સ્થિતિમાં દક્ષિણનાં રાજ્યોમાં ચિંતા વધવી યોગ્ય છે.
દક્ષિણનાં રાજ્યોએ વસ્તીનિયંત્રણની દિશામાં પ્રશંસનીય કામ કર્યું છે, જ્યારે અમુક હિન્દીભાષી રાજ્યોએ એની જરાય તમા કરી નથી. પરિણામે જેનો વસ્તીવધારો ઓછો હશે એની સરખામણીમાં જેનો વસ્તીવધારો વધુ હશે એની બેઠકો સંસદમાં વધશે.
બંધારણ કહે છે કે દરેક મતદારના મતનું સમાન મૂલ્ય હોવું જોઈએ, પછી ભલે એ દેશના કોઈ પણ ભાગમાં રહેતો હોય. બંધારણની કલમ ૮૨ જણાવે છે કે તાજેતરની વસ્તીગણતરીના ડેટાના આધારે લોકસભામાં બેઠકોની સંખ્યાને ફરીથી ગોઠવવી આવશ્યક છે. લોકસભાની બેઠકોની હાલની વહેંચણી ૧૯૭૧ની વસ્તીગણતરી પર આધારિત છે. ૧૯૭૬માં કટોકટી દરમ્યાન ઇન્દિરા ગાંધીની સરકારે ૨૦૦૧ની વસ્તીગણતરી સુધી પચીસ વર્ષ માટે સંસદીય બેઠકોની પુન: ગોઠવણી અટકાવી દીધી હતી. ૨૦૦૧માં અટલ બિહારી વાજપેયીની સરકારે આ પ્રતિબંધ ૨૦૨૬ સુધી લંબાવ્યો હતો. બન્ને સુધારા પાછળનો તર્ક વસ્તીનિયંત્રણના પગલાને પ્રોત્સાહન આપવાનો હતો. એમાં વિચાર એવો હતો કે જે રાજ્યોએ સફળતાપૂર્વક વસ્તીવૃદ્ધિ અટકાવી હોય એમને ઓછી સંસદીય બેઠકોના નામે સજા ન થવી જોઈએ અને જેમની વસ્તી બેફામ વધી હોય એમને વધુ બેઠકોનું ઇનામ ન મળવું જોઈએ. દક્ષિણનાં રાજ્યો કહે છે કે વર્તમાન સરકાર આ ઉદાર વિચારને ઊલટાવી રહી છે અને અમારી વસ્તી ઓછી છે એટલે દંડ કરી રહી છે.

