વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચેતવણી આપીને દુનિયાને એનો સામનો કરવા સજ્જ થવાની અપીલ કરી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના વડાએ ચેતવણી આપી છે કે દુનિયાએ આગામી મહામારી માટે અચૂક તૈયાર રહેવું જોઈએ, જે કોરોનાની મહામારી કરતાં પણ વધારે ઘાતક હોઈ શકે છે.
સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં ડિરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે ચેતવતાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીનો હજી અંત આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે ‘એવા બીજા વેરિઅન્ટનો ખતરો રહેલો છે કે જેનાથી મોટા પ્રમાણમાં કેસ નોંધાય અને મોત થાય.’
તેમણે વધુ જણાવ્યું હતું કે ‘આગામી મહામારી આવશે અને જ્યારે એ આવે ત્યારે આપણે નિર્ણાયક અને સાથે મળીને એનો સામનો કરવા માટે રેડી રહેવું જોઈએ. જે ચેન્જિસ કરવાની જરૂર છે એ આપણે નહીં કરીએ તો કોણ કરશે અને જો આપણે એ અત્યારે નહીં કરીએ તો પછી ક્યારે કરીશું? કોરોનાની મહામારીના કારણે દુનિયાભરમાં લગભગ ૭૦ લાખ લોકો મૃત્યુ પામ્યા છે.’
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને લોકોના આરોગ્ય માટે સૌથી મોટો ખતરો બની શકે એવી કેટલીક બીમારીઓની ઓળખ કરી છે.