ફેબ્રુઆરીના મધ્યમાં નવા કેસમાં વધારો શરૂ થયો હતો અને એ દરમ્યાન મુંબઈમાં દરરોજ ૨૫૦થી વધુ કેસ નોંધાયા હતા : જોકે છેલ્લા અઠવાડિયામાં શહેરમાં રોજિંદા ૫૦થી ઓછા નવા કેસ નોંધાયા છે
ફાઇલ તસવીર
ભારતની સૌથી મોટી અને દુનિયાની સૌથી મોટીમાંની એક ઝૂંપડપટ્ટી ધારાવી કોવિડની લહેર બાદ હાલ સંક્રમણથી મુક્ત લાગી રહી છે. છેલ્લા ૧૫ દિવસમાં આસપાસના ૧૮ ‘આપલા દવાખાના’ સેન્ટરમાં કોવિડના નવા કેસ નોંધાયા નથી. શહેરના બાકીના ભાગની વાત કરીએ તો બીએમસી હેઠળના ૨૪ વહીવટી વૉર્ડમાંથી ત્રણ વૉર્ડમાં છેલ્લા અઠવાડિયામાં એક પણ નવો કેસ નોંધાયો નથી.
બીએમસીના અધિકારીઓ અને ખાનગી પ્રૅક્ટિશનરોના જણાવ્યા અનુસાર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોવિડ ઇમર્જન્સી પૂરી થઈ હોવાનું જાહેર કર્યા બાદ કોવિડની ટેસ્ટ અને વૅક્સિનની માગમાં નાટ્યાત્મક ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
ફેબ્રુઆરીના મધ્યમાં નવા કેસમાં વધારો શરૂ થયો હતો. એ દરમ્યાન મુંબઈમાં દરરોજ ૨૫૦થી વધુ કેસ નોંધાયા હતા. જોકે છેલ્લા અઠવાડિયામાં શહેરમાં રોજિંદા ૫૦થી ઓછા નવા કેસ નોંધાયા છે.
ધારાવીમાં ૧૪ એપ્રિલે ચાર ઍક્ટિવ કેસ હતા. મે મહિનામાં કોઈ નવા કેસ નોંધાયા નથી. પેન્ડેમિકની શરૂઆતથી આ વિસ્તારમાં કુલ ૯,૩૩૦ કેસ નોંધાયા છે. ૯ મે અને ૧૫ મે વચ્ચે એવા વિસ્તારોમાં આર નૉર્થ વૉર્ડ (દહિસર), બી વૉર્ડ (સૅન્ડહર્સ્ટ રોડ) અને સી વૉર્ડ (મરીન લાઇન્સ) વિસ્તારમાં એક પણ નવો કેસ નોંધાયો નથી.
દરમિયાન કે-વેસ્ટ વૉર્ડ (અંધેરી-વેસ્ટ)માં આ સમયગાળા દરમિયાન ૨૯ નવા કેસ અને એચ-વેસ્ટ (બાંદરા-વેસ્ટ)માં ૨૬ કેસ નોંધાયા હતા, જ્યારે ડી વૉર્ડ (ગ્રાન્ટ રોડ)માં અન્ય વૉર્ડની સરખામણીમાં વધુ કેસ નોંધાયા હતા.
એક સિનિયર સિવિક હેલ્થ ઑફિસરે પરીક્ષણ અને રસીકરણની ઘટતી માગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ચેપ સામાન્ય ફ્લુ જેવો છે અને લોકો એનાથી પરેશાન નથી. અમે ટેસ્ટ માટે કહીએ તો લોકો પ્રતિકાર કરે છે અને માત્ર દવા આપવાનું કહે છે. કોવિડના કેસમાં તાજેતરમાં થયેલા વધારા બાદ રાજ્ય સરકાર દ્વારા ખરીદાયેલી નેઝલ વૅક્સિન લેનારું કદાચ કોઈ હશે. મુંબઈને નેઝલ વૅક્સિનના ૨,૦૦૦ ડોઝ મળ્યા છે અને અત્યાર સુધીમાં માત્ર ૮૯ લોકોએ જ લીધા છે.’
બૉમ્બે હૉસ્પિટલ ઍન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરના ફિઝિશ્યન ડૉ. ગૌતમ ભણસાલીએ જણાવ્યું હતું કે ‘દરદીઓ ટેસ્ટ કરાવવા માગતા નથી. તેઓ અમને દવાઓ આપવા માટે કહે છે અને ઍન્ટિ-બાયોટિક્સ લીધા વિના ત્રણ દિવસમાં સ્વસ્થ થઈ જાય છે. કોવિડના કેસોમાં વધારો થયો હતો, પરંતુ એ તબક્કો પસાર થઈ ગયો છે.’