પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા આસિફે બસ, હવે બહુ થયું... કહીને અફઘાનિસ્તાનને ધમકી આપ્યાના કલાકોમાં કાબુલ પર થયા હવાઈ હુમલા
ખ્વાજા આસિફ, અમીર ખાન મુત્તાકી
ગુરુવારે રાતે તાલિબાનશાસિત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પાકિસ્તાને ઍરસ્ટ્રાઇક કરી હોવાના સમાચાર આવ્યા હતા. પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા આસિફે ‘બસ, હવે બહુ થયું’ એવી ચેતવણી આપી એના કલાકોમાં આ ઘટના બની હતી. પાકિસ્તાને TTPના નેતા માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે આવ્યા છે.
તેમણે ભારતની ભૂમિ પરથી પાકિસ્તાનને જવાબ આપ્યો હતો કે ‘અફઘાનીઓના સાહસની પરીક્ષા ન લો. જે કોઈ એવું વિચારે છે તેણે સોવિયેટ સંઘ, અમેરિકા અને નાટોને પૂછી લેવું જોઈએ. તેઓ બહુ સારી રીતે કહી શકે છે કે અફઘાનિસ્તાન સાથે છેડછાડ કરવાનો નિર્ણય કદી સારો નથી હોતો.’


