વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે કેટલી જોરદાર કેમિસ્ટ્રી છે એનો ખ્યાલ બે નેતાઓએ બે દિવસમાં એકબીજાનાં કરેલાં વખાણ પરથી સ્પષ્ટ થઈ જાય છે
નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના બે દિવસના પ્રવાસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન DC (ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયા) પહોંચ્યા હતા અને વાઇટ હાઉસની સામે જ આવેલા ઐતિહાસિક અતિથિગૃહ બ્લેર હાઉસમાં રોકાયા હતા. અમેરિકન પ્રેસિડન્ટને મળવા આવતા વિવિધ દેશોના નેતાઓ અહીં રોકાય છે. બુધવારે સાંજે જ તેઓ અમેરિકાના ગુપ્તચર ખાતાના ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા હતા.
ગુરુવારે તેઓ અમેરિકાના નૅશનલ સિક્યૉરિટી એડ્વાઇઝર (NSA) માઇકલ વૉલ્ટ્ઝ, ટેસ્લા કંપનીના માલિક અને અમેરિકન પ્રશાસનમાં ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિસિયન્સી (DOGE)ના પ્રમુખ ઇલૉન મસ્ક, ભારતીય મૂળના રાજકીય નેતા વિવેક રામાસ્વામીને મળ્યા હતા અને પછી અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પને મળ્યા હતા. વાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ ટ્રમ્પે તેમને ભેટીને સ્વાગત કર્યું હતું.
ADVERTISEMENT
મોદી છે ટફ નિગોશિએટરઃ ટ્રમ્પ
જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા બન્નેમાં કોણ ટફ નિગોશિએટર છે ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે આ મામલે વડા પ્રધાન મોદી આગળ છે. તેઓ મારાથી પણ વધારે ટફ નિગોશિએટર છે અને મારાથી વધારે સારા વક્તા છે, એમાં કોઈ મુકાબલો નથી.
ગેરકાયદે પ્રવાસીઓ માટે
શું બોલ્યા નરેન્દ્ર મોદી?
અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓના મુદ્દે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જે લોકો બીજા દેશોમાં ગેરકાયદે રીતે રહે છે તેમને કોઈ કાનૂની અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે ત્યાં અમે કહ્યું છે કે જે પ્રમાણિત ભારતીયો ગેરકાયદે અમેરિકામાં રહે છે તેમને ભારત પાછા લેવા તૈયાર છે. અમે માનવતસ્કરીના વિરોધમાં ઊભા છીએ અને એ ખતમ કરવાની દિશામાં પણ આગળ વધીશું.
MAGA અને MIGAની પાર્ટનરશિપ
વાઇટ હાઉસમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સૌથી પહેલાં મારા મિત્ર ડોનલ્ડ ટ્રમ્પે મારું શાનદાર સ્વાગત અને આતિથ્યસત્કાર કર્યો એના માટે આભાર વ્યક્ત કરું છું. ટ્રમ્પના પહેલા કાર્યકાળ વખતે અમે સાથે કામ કર્યું હતું અને એ જ ઊર્જા આજે મેં મહેસૂસ કરી છે. આજની ચર્ચામાં તેમના પહેલા કાર્યકાળમાં અમારી ઉપલબ્ધિઓનો સંતોષ અને ઊંડા આપસી વિશ્વાસનો સેતુ હતો. ભારત અને અમેરિકા વિશ્વને વધુ બહેતર બનાવી શકે છે. ટ્રમ્પનો મોટો મેક અમેરિકા ગ્રેટ અગેન (MAGA) છે. ભારતના લોકો ભવ્ય વારસો અને વિકાસની સાથે વિકસિત ભારત ૨૦૪૭ના દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. અમેરિકાની ભાષામાં કહું તો વિકસિત ભારતનો મતલબ મેક ઇન્ડિયા ગ્રેટ અગેન (MIGA) છે. જ્યારે ભારત અને અમેરિકા સાથે કામ કરે ત્યારે MAGA પ્લસ MIGA એક મેગા પાર્ટનરશિપ ઑફ પ્રૉસ્પેરિટી બને છે અને એ અમારાં લક્ષ્યોને નવો સ્કેલ અને સ્કોપ આપે છે. હું પ્રેસિડન્ટ ટ્રમ્પમાંથી એક વાત શીખતો આવ્યો છું કે તેઓ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને કામ કરે છે. હું પણ ટ્રમ્પની જેમ ભારતનાં હિતોને સર્વોપરી રાખીને કામ કરવામાં માનું છું.
રશિયા-યુક્રેન વૉર મુદ્દે ભારત શાંતિના પક્ષે
મોદીએ ફરી એક વાર સ્પષ્ટ કર્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મુદ્દે ભારત ન્યુટ્રલ નથી, એ શાંતિના પક્ષમાં છે. મને ખુશી છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પે રશિયાના પ્રેસિડન્ટ પુતિન સાથે ફોનથી વાતચીત કરી છે. આ યુદ્ધનો સમય નથી, શાંતિથી ટેબલ પર બેસીને ચર્ચા કરીને ઉકેલ લાવવાનો સમય છે.
અમે દોસ્ત છીએ અને એવા જ મિત્ર રહીશું : ટ્રમ્પ
જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘કોઈ પણ ચીજ કરતાં અમારામાં એકતા ઘણી છે. અમારા બન્ને વચ્ચે સારી મિત્રતા છે, મને લાગે છે કે અમારા સંબંધો હજી વધુ ગાઢ બનશે. અમે દોસ્ત છીએ અને અમે આવા જ મિત્ર રહીશું.’
મોદી મહાન નેતા છે : ટ્રમ્પ
મોદી વિશે બોલતાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી ઘણું સારું કામ કરી રહ્યા છે અને ભારતમાં દરેક જણ તેમની જ વાત કરે છે. તેઓ એક બહુ મોટા નેતા છે, તેઓ મહાન નેતા છે.’ આ મુદ્દે મોદીએ કહ્યું હતું કે ‘આપના આ શબ્દો માટે આભારી છું, મને વિશ્વાસ છે કે ભારતનો દરેક નાગરિક આપની આ ભાવનાનો આદર કરે છે.’
૧૧ની શક્તિ વિશ્વના કલ્યાણના કામમાં આવશે: મોદી
નરેન્દ્ર મોદીએ વાઇટ હાઉસની મુલાકાત વખતે કહ્યું હતું કે ‘અમેરિકા દુનિયાનું સૌથી જૂનું લોકતંત્ર છે અને ભારત સૌથી વિશાળ લોકતંત્ર છે. આથી અમારા બે જણનો મળવાનો મતલબ વન પ્લસ વન એટલે ટૂ નહીં, પણ એક ઔર એક ગ્યારહ (૧૧) થાય છે. આ ૧૧ની શક્તિ, એ તાકાત વિશ્વના કલ્યાણના કામમાં આવશે. હું પ્રેસિડન્ટ ટ્રમ્પનો, મારા એક સારા મિત્રનો હૃદયથી આભાર માનું છું. અમે ફરી એક વાર પ્રગતિની રાહ પર નવી ઊંચાઈઓ સર કરવા નીકળી પડીશું.’
બમણી સ્પીડથી કામ કરીશું : મોદી
ભારત અને અમેરિકાના સંબંધોના મુદ્દે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મારા માટે ખુશીની વાત એ છે કે આવતાંની સાથે જ તેમણે એક જૂના મિત્રની જેમ અમદાવાદના સ્ટેડિયમની યાદ અપાવી, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને હાઉડી મોદીની યાદ અપાવી, ભારત અને અમેરિકાના સંબંધોને વધુ પ્રગાઢ બનાવવા અને નવી ઊંચાઈ અપાવવા અને વ્યાપકતા અપાવવા અમે બમણી સ્પીડથી કામ કરીશું. મેં ભારતના નાગરિકોને વચન આપ્યું છે કે ત્રીજા ટર્મમાં હું ત્રણ ગણી ઝડપથી કામ કરીશ.
અદાણી વિશેના સવાલના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વૉશિંગ્ટનમાં પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વિરોધમાં થયેલા કેસ બાબતે ચર્ચા થઈ હતી ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારત એક લોકતાંત્રિક દેશ છે અને અમારા સંસ્કાર અને અમારી સંસ્કૃતિ ‘વસુધૈવ કુટુંબકમ’ની છે. અમે આખી દુનિયાને એક પરિવાર માનીએ છીએ. દરેક ભારતીયને હું મારો પોતાનો માનું છું. બીજી વાત છે કે આવા વ્યક્તિગત કેસ માટે બે દેશના ઉચ્ચ નેતાઓ ન મળે છે, ન સાથે બેસે છે કે ન વાત કરે છે.’

