૩૬ કિલોમીટરના વિસ્તારમાં ૮X૬ મિલીમીટરની કૅપ્સ્યુલ શોધવા રેડિયેશન ડિટેક્શન ડિવાઇસ સાથે મોકલાઈ ટીમ, લોકોને કૅપ્સ્યુલથી દૂર રહેવાની સલાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
પર્થ : ઑસ્ટ્રેલિયામાં એક ખાણમાંથી પર્થ શહેરમાં આવેલા ડેપો સુધી લઈ જતી વખતે ઘાતક રેડિયો ઍક્ટિવ કૅપ્સ્યુલ ગુમ થઈ જતાં ગભરાટ ફેલાયો છે. ઇમર્જન્સી સર્વિસના જણાવ્યા પ્રમાણે તેમની પાસે જરૂરી સાધનોનો અભાવ હોવાથી અન્ય રાજ્યોને આ મામલે સહાય પૂરી પાડવા વિનંતી કરી છે. ફાયર ઍન્ડ ઇમર્જન્સી સર્વિસિસે રેડિયેશન ડિટેક્શન ડિવાઇસ સાથેની ટીમ મોકલી છે, જેમણે ૩૬ કિલોમીટરના વિસ્તારમાં ૮ બાય ૬ મિલીમીટરની કૅપ્સ્યુલ શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે. એવું માનવામાં આવે છે કે ન્યુમેનમાં આવેલી રિયો ટિન્ટો માઇનથી પર્થ સુધીની ૧૪૦૦ કિલોમીટરની મુસાફરી દરમ્યાન એ ટ્રકમાંથી પડી ગઈ હશે. અધિકારીઓએ કહ્યું હતું કે અમે આટલી નાની વસ્તુને નરી આંખે શોધવાનો પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ પર્થ જેવા વસ્તીવાળા શહેરમાં રેડિયેશન ડિટેક્ટર દ્વારા ગામા કિરણોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વળી ટ્રકના જીપીએસ ડેટાની મદદથી એ ૧૦ જાન્યુઆરીએ ક્યાં-ક્યાં રોકાઈ હતી એના આધારે શોધખોળ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ બુધવાર સુધી કૅપ્સ્યુલ ગુમ થઈ હોવાની ઘોષણા કરી નહોતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નિયમ મુજબ એને સરખી રીતે પૅક કરવામાં આવી હતી. એવું બની શકે કે ટ્રકની ધ્રુજારીઓને કારણે એ બહાર પડી ગઈ હશે. પોલીસે આ ઘટનાને અકસ્માત જ જણાવી હતી તેમ જ અન્ય કોઈ પણ જાતના આરોપની શક્યતાને નકારી હતી.