જૅપનીઝ સિટી હિરોશિમામાં ક્વાડની મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું હતું
જપાનના હિરોશિમામાં ગઈ કાલે ક્વાડની મીટિંગ દરમ્યાન અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ, જપાનના પીએમ ફુમિયો કિશિદા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે ક્વાડની મીટિંગ ભારતમાં યોજવા માટે ઉત્સાહ દાખવ્યો હતો. જૅપનીઝ સિટી હિરોશિમામાં ક્વાડની મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આવતા વર્ષે ભારતમાં ક્વાડ સમિટ યોજતા અમને ખુશી થશે.’ જેના પછી ક્વાડના જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘૨૦૨૪માં ક્વાડના નેતાઓની સમિટનું યજમાન ભારત રહેશે.’
આ જ જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે ‘અમે મુક્ત ઇન્ડો-પેસિફિક માટેના અમારા મક્કમ કમિટમેન્ટનું ફરીથી સમર્થન કરીએ છીએ. વૈશ્વિક વ્યૂહાત્મક અને આર્થિક માહોલ ઝડપથી બદલાઈ રહ્યો છે, જેની આ પ્રદેશમાં આવેલા દેશો પર સીધી અસર પડે છે. અમે તમામ સ્વરૂપમાં આતંકવાદ અને હિંસક ઉગ્રવાદને સ્પષ્ટ રીતે વખોડીએ છીએ.’