૪૩ વર્ષ બાદ ભારતીય વડા પ્રધાનની નૉર્વેની પહેલી મુલાકાત: નૉર્વે ભારતમાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરશે
ગઈ કાલે નૉર્વેના રાજા હેરલ્ડ પાંચમાએ નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સવારે સ્વીડનથી નૉર્વેની રાજધાની ઑસ્લો પહોંચ્યા હતા. ઍરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું જબરદસ્ત ઉમળકા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઍરપોર્ટથી તેઓ હોટેલ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં તેમનું પરંપરાગત અને સાંસ્કૃતિક પર્ફોર્મન્સ દ્વારા સ્વાગત અને અભિવાદન કર્યું હતું. વિદેશમાં પણ જોરજોરથી
‘મોદી-મોદી’ના નારા ગુંજ્યા હતા. નૉર્વેના રાજા હેરલ્ડ પાંચમાએ નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રૅન્ડ ક્રૉસ ઑફ ધ રૉયલ નૉર્વેજિયન ઑર્ડર ઑફ મેરિટ’થી સન્માનિત કર્યા હતા. આ નરેન્દ્ર મોદીનું ૩૨મું ઇન્ટરનૅશનલ સન્માન છે.
વેપારી કરારો
ભારત અને નૉર્વે વચ્ચે લગભગ ૨.૭૩ અબજ ડૉલરનો વેપાર થાય છે. નૉર્વેના સરકારી વેલ્થ ફન્ડે ભારતીય માર્કેટમાં લગભગ ૨૮ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. યુરોપિયન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ ડીલ પછી ૯૯ ટકાથી વધુ ભારતીય એક્સપોર્ટને નૉર્વેમાં પણ ડ્યુટી-ફ્રી ઍક્સેસ મળી છે. ભારત-નૉર્વેમાં ઊર્જા, ગ્રીન ટેક્નૉલૉજી અને રોકાણને લગતા કરારો થયા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ કરાર બન્ને દેશોનો સહિયારો વિકાસ અને સમૃદ્ધિના આધારને મજબૂત કરશે. આ કરાર અંતર્ગત નૉર્વે ૧૫ વર્ષમાં ભારતમાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરશે અને ૧૦ લાખ નોકરીઓ પેદા થશે.’
નૉર્વેના વડા પ્રધાન જોનસ ગાર સ્ટોરે ઑસ્લોની નરેન્દ્ર મોદીની યાત્રાને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘દુનિયામાં વધતી અનિશ્ચિતતા, તનાવ અને સંઘર્ષના સમયમાં એ દેશો સાથે સંબંધો મજબૂત બનાવવા જરૂરી છે જેમની સાથે સમાન મૂલ્યો અને હિતોની ભાગીદારી થઈ શકે. ભારત અને નૉર્વે અનેક મહત્ત્વના કરારો કરી રહ્યું છે. એનાથી બન્ને દેશો વચ્ચે વિકાસની ભાગીદારી થશે.’
ADVERTISEMENT
આજે ભારત-નૉર્ડિક સમિટ
ભારત-નૉર્ડિક શિખર સંમેલન આજે થઈ રહ્યું છે. આ સમિટમાં નૉર્વે, સ્વીડન, ડેન્માર્ક, ફિનલૅન્ડ અને આઇસલૅન્ડના નેતાઓ પણ સામેલ થશે. આ વર્ષે આ સંમેલનમાં ગ્રીન એનર્જી, ડિજિટાઇઝેશન, રક્ષાસહયોગ, જળવાયુ પરિવર્તન અને કેટલીક મહત્ત્વની પૉલિસીઓ પર ચર્ચા થશે.
દિલ્હી કરતાં પાંચમા ભાગની વસ્તી ધરાવતા દેશમાં શું ખાસ છે?
નૉર્વેની વસ્તી ૫૬ લાખ છે અને ભૌગોલિક દૃષ્ટિએ પણ દેશ કંઈ બહુ મોટો નથી. એમ છતાં હાલમાં ચાલી રહેલા સંકટના વાતાવરણમાં નરેન્દ્ર મોદી નૉર્વે કેમ ગયા? એનું કારણ એ છે કે દેશ ભલે નાનકડો હોય, પરંતુ પ્રાકૃતિક ગૅસ નિર્યાતમાં ચોથા નંબરનો દેશ છે. દર વર્ષે ફૉસિલ ફ્યુઅલ વેચીને નૉર્વે અબજો ડૉલર કમાય છે. યુરોપીય સંઘના કુલ ગૅસ-ખપતની લગભગ ૩૦ ટકાથી વધુ પૂર્તિ નૉર્વે કરે છે. તેલ અને ગૅસ નૉર્વેની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. એમ છતાં ડોમેસ્ટિક ઉપયોગ માટે સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનો અને સોલર એનર્જીનો જ ઉપયોગ કરે છે. દેશની ૯૮ ટકા વીજળી હાઇડ્રોપાવરથી બને છે. આ દૂરંદેશી ખાસિયતોને કારણે નરેન્દ્ર મોદીને નૉર્વે સાથે ટ્રેડ અને ટેક્નૉલૉજીમાં ભાગીદારી કરવામાં વિશેષ રસ છે.
