ખુદ સત્ય નડેલાએ જ ઓપન એઆઇના ભૂતપૂર્વ સીઈઓની આ નવી જૉબની વાતને કન્ફર્મ કરી
એમેટ શિયર અને સૅમ ઑલ્ટમૅન
ઓપનએઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) સૅમ ઑલ્ટમૅન એના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું નેતૃત્વ કરવા હવે માઇક્રોસૉફ્ટ કૉર્પમાં જોડાઈ ગયા છે. યુએસ સૉફ્ટવેર ફર્મના સીઈઓ સત્ય નડેલાએ સોમવારે આની પુષ્ટિ કરી હતી. દરમિયાન ટ્વિચના કો-ફાઉન્ડર એમેટ શિયરે સોમવારે ઓપન એઆઇના નવા સીઈઓ તરીકે તેમની નિમણૂકની પુષ્ટિ કરી છે. નડેલાએ સોમવારે વહેલી સવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓપનએઆઇના બોર્ડમાંથી બહાર નીકળનાર ગ્રેગ બ્રોકમૅન પણ માઇક્રોસૉફ્ટ સાથે જોડાશે. માઇક્રોસૉફ્ટ આ નવા સંબંધ માટે કમિટેડ છે. સ્ટાર્ટઅપના નવા સીઈઓ એમેટ શિયર સાથે કામ કરવા આતુર છે. ઓપન એઆઇએ વાઇરલ ચૅટબોટ ચૅટ જીપીટીના લૉન્ચ સાથે જનરેટિવ એઆઇની શરૂઆત કરી અને માઇક્રોસૉફ્ટના રોકાણકાર તરીકે મોટાં નામોની સાથે એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં એનો વિકાસ થયો. મહત્ત્વની વાત છે કે ૧૭ નવેમ્બરના ઓપનએઆઇ બોર્ડે સીઈઓ અને કો-ફાઉન્ડર સૅમ ઑલ્ટમૅન અને ગ્રેગ બ્રોકમૅનને બોર્ડમાંથી હટાવ્યા બાદ રાજીનામું આપ્યું હતું. કંપનીએ ૧૮ નવેમ્બરે મીરા મૂર્તિને વચગાળાનાં સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા. જોકે રોકાણકાર ખોસલા વેન્ચર્સે કહ્યું કે અમને ઑલ્ટમૅન ઓપન એઆઇમાં પાછા જોઈએ, પછી તે કંઈ પણ કરતા હોય. અન્ય કર્મીઓએ પણ સપ્તાહમાં ઑલ્ટમૅન પાછા ન આવે તો નોકરી છોડવાની વાત કરી હતી.
૫૦૦ કર્મચારીઓએ આપી ધમકી
ADVERTISEMENT
કંપનીના ૫૦૦ જેટલા કર્મચારીઓએ મૅનેજમેન્ટને ધમકી આપી છે કે તેઓ સીઈઓ સૅમ ઑલ્ટમૅન અને ગ્રૅગ મૉકમૅનને ફરીથી નોકરી પર રાખે અન્યથા તેઓ પણ રાજીનામું આપી દેશે.
ઓપન એઆઇના સીઈઓ તરીકે એમેટ શિયરની નિમણૂક
સૅમ ઑલ્ટમૅનની હકાલપટ્ટીના એક દિવસ બાદ જ આ સમાચાર મળ્યા કે ટ્વિચના કો-ફાઉન્ડર એમેટ શિયરની ઓપન એઆઇના વચગાળાના સીઈઓ તરીકે નિમણુક કરવામાં આવી છે. તેમણે પોતાના ભાવિ થ્રી પૉઇન્ટ પ્લાન પણ શૅર કર્યા હતા. આ પ્લાન તેઓ પોતાના સીઈઓ પદ હેઠળ આવનાર ૩૦ દિવસ દરમિયાન અમલમાં મૂકશે.

