ભારત અને ચીન ઝડપથી બૉર્ડર વિવાદનો ઉકેલ લાવવા સંમત; સુલભના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન અને વધુ સમાચાર
ભારતીય તિરંગાથી રોશન બુર્જ ખલીફા
દુબઈમાં બુર્જ ખલીફા ભારતીય તિરંગાથી રોશન
દુબઈ : ભારતના ઇન્ડિપેન્ડન્સ ડે પર ગઈ કાલે દુબઈમાં બુર્જ ખલીફા ભારતના તિરંગાથી રોશન થયો હતો. આ બિલ્ડિંગ પર આપણા રાષ્ટ્રીય ધ્વજને ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો, જેનો વિડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એક્સ પ્લૅટફૉર્મના યુઝર મુફદ્દલ વોહરાએ આ સાઇટ પર એક વિડિયો શૅર કર્યો હતો. ધ્વજ ડિસ્પ્લે કરવાની સાથે બૅકગ્રાઉન્ડમાં જન ગણ મનની ધૂન વાગતી હતી. મજેદાર વાત એ છે કે દુબઈમાં પાકિસ્તાનીઓએ સોમવારે હંગામો મચાવ્યો હતો. દુબઈથી વાઇરલ થયેલા એના વિડિયોમાં જોવા મળ્યું હતું કે બુર્જ ખલીફાએ પાકિસ્તાની ધ્વજ ડિસ્પ્લે ન કરવાના કારણે સેંકડો પાકિસ્તાનીઓ રોષે ભરાયા હતા. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે પાકિસ્તાની નાગરિકોનું વિશાળ ટોળું અડધી રાત્રે બુર્જ ખલીફાની પાસે રાહ જોતું હતું. તેઓ તેમના રાષ્ટ્રીય ધ્વજને ડિસ્પ્લે કરાય એની રાહ જોતા હતા. જોકે એમ ન બનતાં તેઓ નિરાશ થઈ ગયા હતા. જોકે હકીકત એ છે કે પાકિસ્તાનનો ધ્વજ બુર્જ ખલીફા ખાતે ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર શૅર પણ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બ્રિટિશ પીએમ સુનક કૅમ્બ્રિજમાં મોરારીબાપુની રામકથામાં આવ્યા અને કહ્યું, ‘અહીં હું હિન્દુ છું’

લંડન : બ્રિટનના પીએમ રિશી સુનક ગઈ કાલે કૅમ્બ્રિજ યુનિવર્સિટીના કૅમ્પસમાં આધ્યાત્મિક ગુરુ મોરારીબાપુની ‘રામકથા’માં ગયા હતા અને સાથે જ સ્પષ્ટતા કરી હતી કે હું અહીં પ્રાઇમ મિનિસ્ટર તરીકે નહીં, પરંતુ એક હિન્દુ છું. રામકથામાં સુનકે કહ્યું હતું કે ‘ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્સ ડે પર કૅમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે મોરારીબાપુની રામકથા ખાતે ઉપસ્થિત રહેવું એ ખરેખર સન્માન અને આનંદની વાત છે. બાપુ, હું અહીં પીએમ નહીં, એક હિન્દુ તરીકે છું.’ સ્ટેજ પર બૅકગ્રાઉન્ડમાં ભગવાન હનુમાનના પોર્ટ્રેટ વિશે બ્રિટિશ વડા પ્રધાને કહ્યું હતું કે ‘બાપુના બૅકગ્રાઉન્ડમાં ગોલ્ડન હનુમાન છે, એ જ રીતે મને ગર્વ છે કે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મારા ડેસ્ક પર ગોલ્ડન ગણેશા પ્રસન્નતાપૂર્વક બિરાજે છે.’
સમસ્યાઓના ઉકેલ માટે જુદા-જુદા ધર્મોના લોકો વચ્ચે સદ્ભાવના જરૂરીઃ લોકેશ મુનિ
વૉશિંગ્ટન : અમેરિકામાં વિશ્વ ધર્મ સંસદનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ૮૦થી વધારે દેશોના ૧૦,૦૦૦થી વધુ ધાર્મિક લીડર્સ ભાગ લઈ રહ્યા છે. આ આયોજન પાંચ દિવસ સુધી ચાલશે. ભારતના જૈન સંત આચાર્ય લોકેશ મુનિએ અમેરિકાની સિટી શિકાગોમાં યોજાઈ રહેલી આ ધર્મ સંસદને સંબોધિત કરી હતી અને એ દરમ્યાન તેમણે દુનિયાભરના ધાર્મિક લીડર્સને ક્લાઇમેટ ચેન્જ અને આતંકવાદની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. આચાર્ય લોકેશ મુનિએ સોમવારે આ ધર્મ સંસદને સંબોધતાં કહ્યું હતું કે ‘વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જુદા-જુદા ધર્મોના લોકો વચ્ચે સદ્ભાવના જરૂરી છે. દુનિયા અત્યારે અનેક પડકારોનો સામનો કરી રહી છે. જેનાથી સમગ્ર સૃષ્ટિને ખતરો છે. ગ્લોબલ વૉર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, આતંકવાદ અને હિંસા એવી સમસ્યાઓ છે જેનો દરેક જણ સામનો કરે છે. જુદા-જુદા ધર્મો, સંપ્રદાયો, દેશો અને વિચારધારાઓના લોકો આ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે સાથે આવી શકે છે.’
ભારત અને ચીન ઝડપથી બૉર્ડર વિવાદનો ઉકેલ લાવવા સંમત
નવી દિલ્હી : ઇન્ડિયન આર્મી અને ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી ૧૩-૧૪ ઑગસ્ટ દરમ્યાન યોજાયેલી ૧૯મા રાઉન્ડની મિલિટરી વાતચીત દરમ્યાન લદાખ સેક્ટરમાં વાસ્તવિક અંકુશરેખા પર બાકી રહેલા વિવાદના મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા માટે સંમત થયા છે. ગઈ કાલે રિલીઝ કરવામાં આવેલા એક જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.
આ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે બન્ને દેશો બાકી રહેલા મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા અને બન્ને દેશોની મિલિટરી તેમ જ ડિપ્લોમેટ્સ વચ્ચે વાતચીતની ગતિ જાળવી રાખવા માટે સંમત થયા છે. વચગાળામાં બન્ને દેશ સરહદી વિસ્તારમાં જમીન પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સંમત થયા છે.’ પહેલી વખત સળંગ બે દિવસ સુધી બન્ને દેશની મિલિટરીના અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી. ૧૯મા તબક્કાની ભારત-ચીન કૉર્પ્સ કમાન્ડર સ્તરની મીટિંગ ભારતની સીમામાં ચુશુલ-મોલ્ડો બૉર્ડર પૉઇન્ટ પર થઈ હતી. જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બન્ને દેશો વચ્ચે પશ્ચિમ સેક્ટરમાં વાસ્તવિક અંકુશરેખા પર બાકી રહેલા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે હકારાત્મક, રચનાત્મક અને ઊંડાણપૂર્વકની વાતચીત થઈ છે. લીડરશિપ દ્વારા પૂરા પાડવામાં આવેલા ગાઇડન્સને અનુરૂપ તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યા હતા.’
વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરની પાસે છત તૂટી પડવાથી પાંચ જણનાં મોત
વૃંદાવન : ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં ગઈ કાલે એક દુર્ઘટનામાં પાંચ જણનાં મોત થયાં હતાં. વાસ્તવમાં બાંકે બિહારી મંદિરની પાસે દુસાયત મહોલ્લામાં એક મકાનની છત તૂટી પડી હતી, જેમાં પાંચ જણનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જિલ્લા ઍડ્મિનિસ્ટ્રેશન અને પોલીસના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હજી પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. કાટમાળમાં દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને અલગ-અલગ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ જણનાં મોત થયાં હતાં. નોંધપાત્ર છે કે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં છેલ્લા ત્રણ દિવસથી દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યા છે. ભીડને કન્ટ્રોલ કરવા માટેના જિલ્લા ઍડ્મિનિસ્ટ્રેશનના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ખરેએ કહ્યું હતું કે તપાસ પછી જ આ દુર્ઘટનાનું કારણ જાણી શકાશે.
સુલભના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન
નવી દિલ્હીઃ સામાજિક કાર્યકર અને સુલભ ઇન્ટરનૅશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું કાર્ડિઍક અરેસ્ટને કારણે દિલ્હીની એક હૉસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે મેલું ઉપાડવાની પ્રથાને રોકવા માટે વ્યાપકપણે ઝુંબેશ ચલાવી હતી. તેઓ ૮૦ વર્ષના હતા. બિંદેશ્વર પાઠકે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સવારે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને એ પછી એ જ દિવસે તેમનું નિધન થયું હતું.


