પહેલી વાર સંસદમાં ઘૂસણખોરી, ૧૨,૦૦૦ યુવાનો ધસી આવ્યા, સેનાએ ગોળીબાર કર્યો : ભારતની સીમા પર સૈન્ય હાઈ અલર્ટ પર
સોશ્યલ મીડિયા પર પ્રતિબંધના નિર્ણય સામે ગઈ કાલે નેપાલની રાજધાની કાઠમાંડુમાં હજારો યુવાનોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો સંસદભવનના ગેટ પર કબજો કરીને અંદર ધસી ગયા હતા.
નેપાલમાં સોશ્યલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને જેન-ઝી રસ્તે ઊતરી આવી હતી. ૧૨,૦૦૦થી વધુ યુવાનો નેપાલના સંસદભવનના પરિસરમાં ગઈ કાલે સવારે ઘૂસી ગયા હતા. ત્યાર બાદ સેનાએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જેમાં ૧૯ જણે જીવ ગુમાવ્યા હતા અને નેપાલ પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે. ૨૦૦થી વધુ યુવાનો ઘાયલ થયા છે. આ વિરોધ-પ્રદર્શનનું નેતૃત્વ યુવા પેઢી એટલે કે જેન-ઝી એટલે કે બારથી ૨૮ વર્ષની વયના યુવાનો કરી રહ્યા છે. નેપાલના ઇતિહાસમાં સંસદમાં ઘૂસણખોરીનો આ પહેલો કિસ્સો છે. પ્રદર્શનકારીઓએ સંસદના ગેટ નંબર ૧ અને બે પર કબજો કરી લીધો હતો. એ પછી સંસદભવન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન નિવાસસ્થાન નજીકના વિસ્તારોમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. કાઠમાંડુ પ્રશાસને તોડફોડ કરનારાઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. નેપાલમાં વધી રહેલી અરાજકતાને જોઈને ભારતની સીમા સુરક્ષા માટે તહેનાત સૈન્યને પણ હાઈ અલર્ટ પર મૂકી દેવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
પ્રદર્શનકારીઓ સાથેની અથડામણ દરમ્યાન પોલીસે વૉટરકૅનનનો મારો ચલાવ્યો હતો.
નેપાલ સરકારે ત્રીજી સપ્ટેમ્બરે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિત ૨૬ સોશ્યલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ પ્લૅટફૉર્મ્સ નેપાલના સંચાર અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલયમાં નોંધાયેલાં નહોતાં. મંત્રાલયે ૨૮ ઑગસ્ટથી ૭ દિવસની સમયમર્યાદા આપી હતી જે બીજી સપ્ટેમ્બરે પૂરી થઈ હતી.
નેપાલના વડા પ્રધાને શું કહ્યું?
નેપાલના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ યુવાનોને વિરોધ સામે ચેતવણી આપીને કહ્યું કે ‘તમને ખબર હોવી જોઈએ કે વિરોધ માટે તમારે શું કિંમત ચૂકવવી પડશે. ફેસબુક અને યુટ્યુબ જેવી કંપનીઓ નેપાલમાં તેમની ઑફિસ ખોલશે ત્યારે જ સોશ્યલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે. સોશ્યલ મીડિયા સર્વિસ પૂરી પાડતી કંપનીઓએ નેપાલ આવીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને છેતરપિંડી તથા અનિયમિતતાને રોકવા માટે એક સિસ્ટમ બનાવવી પડશે. અત્યાર સુધી નેપાલમાં કંપની રજિસ્ટ્રાર ઑફિસમાં ફક્ત ટિકટૉક, વાઇબર, નિમ્બઝ, વિટક અને પોપો લાઇવે જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.’


