Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં ચીન અને ટર્કીનાં સૈન્ય વિમાનોની અવરજવર વધી

પાકિસ્તાનમાં ચીન અને ટર્કીનાં સૈન્ય વિમાનોની અવરજવર વધી

Published : 22 August, 2026 11:59 AM | Modified : 22 August, 2026 12:10 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૦ કલાકમાં બન્ને દેશોના મિલિટરી વિમાનો પાકિસ્તાનનાં ઍરબેઝ પર ઊતર્યાં હોવાના દાવાથી ભારતની ચિંતા વધી, મોટાં હથિયારોની સપ્લાયની આશંકા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લગભગ ૬૦ કલાકના ટૂંકા સમયગાળામાં ચીન અને ટર્કીનાં ભારે સૈન્ય પરિવહન વિમાનો પાકિસ્તાનના ઍરબેઝ પર અનેક વખત ઊતરતાં ભારતીય સુરક્ષાવર્તુળોમાં ભારે ચિંતા જાગી છે. ચીનના સૈન્ય વિમાનો રાવલપિંડી નજીક આવેલા નૂર ખાન ઍરબેઝ અને કરાચીના મસરૂર ઍરબેઝ પર સતત જોવા મળ્યાં હતાં. આ શંકાસ્પદ હિલચાલ ડ્રોન અને અન્ય અત્યાધુનિક સંરક્ષણ-સામગ્રીની સપ્લાય સાથે સીધી જોડાયેલી હોવાની પ્રબળ આશંકા છે.

પાકિસ્તાન પોતાનાં લશ્કરી સાધનો અને મિસાઇલ-સિસ્ટમ માટે લાંબા સમયથી ચીન પર નિર્ભર છે. બીજી તરફ ટર્કી પણ ડ્રોન અને અૅરોસ્પેસ ટૅક્નૉલૉજી માટે પાકિસ્તાનનું એક અત્યંત મહત્ત્વનું ભાગીદાર બની ગયું છે. 



તાજેતરમાં ૭ ઑગસ્ટે પાકિસ્તાન, ટર્કી અને સાઉદી અરેબિયા વચ્ચે મક્કા જૉઇન્ટ ડિફેન્સ અૅગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા છે. આ કરાર મુજબ આ ત્રણમાંથી કોઈ પણ એક દેશ પરનો હુમલો ત્રણેય દેશો પરનો સમાન હુમલો ગણાશે. આ બદલાતાં સમીકરણો વચ્ચે ચીન અને ટર્કીથી પાકિસ્તાનમાં થઈ રહેલી આ ઍરલિફ્ટ ગતિવિધિઓ અને હથિયારોની આયાત ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો પડકાર ઊભો કરી શકે છે.


બંગલાદેશ પણ સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને ટર્કીના ઇસ્લામિક સંગઠનમાં જોડાવા માગે છે

સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને ટર્કી દ્વારા તાજેતરમાં ૭ ઑગસ્ટે મક્કા જૉઇન્ટ ડિફેન્સ અૅગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ મહત્ત્વનો સંરક્ષણકરાર છે જેમાં કોઈ પણ એક દેશ પરના હુમલાને ત્રણેય દેશો પરનો સમાન હુમલો માનવામાં આવશે. આ કરારમાં જોડાવા માટે બાંગલાદેશે ઊંડો રસ દાખવ્યો છે. આ કરારમાં પાકિસ્તાન બાદ બંગલાદેશ પણ જોડાય તો ભારત માટે જોખમ પેદા થઈ શકે છે.  બંગલાદેશના વડા પ્રધાન તારિક રહમાનના વિદેશી બાબતોના સલાહકાર હુમાયુ કબીરે જણાવ્યું હતું કે બંગલાદેશ પોતાનાં રાષ્ટ્રીય હિતોનું મૂલ્યાંકન કર્યા બાદ આ સંગઠનમાં જોડાઈ શકે છે. ૨૦૨૪માં શેખ હસીના સરકારના પતન બાદ બંગલાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં ભારે તનાવ જોવા મળ્યો છે. ઢાકાએ હવે પાકિસ્તાન અને ચીન સાથે સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાના પ્રયાસો તેજ કર્યા છે.


અખાતી દેશોએ માત્ર ૪ મહિનામાં ૨૦,૦૦૦ થી વધુ પાકિસ્તાનીઓને દેશનિકાલ કર્યા

પાકિસ્તાનની સંસદમાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ અખાતી દેશોએ ૧ માર્ચથી ૧૩ જુલાઈ વચ્ચે ૨૦,૦૦૦ થી વધુ પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કર્યા છે. ગુરુવારે સંસદમાં નાર્કોટિક્સ કંટ્રોલ મંત્રાલયે આ ચોંકાવનારી માહિતી આપી હતી. સૌથી વધુ પાકિસ્તાનીઓને સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ‍્સ (UAE)માંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. 
મંત્રાલયના અહેવાલ મુજબ આ પાકિસ્તાનીઓને સુરક્ષાનાં કારણો, વીઝાની મુદત પૂરી થવી, ગેરકાયદે ઘૂસણખોરી, ભિક્ષાવૃત્તિ અને ડ્રગ્સને લગતા ગુનાઓ બદલ તગેડી મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક પાકિસ્તાનીઓને ઈરાની હુમલાના વિડિયો ઉતારવા અને એને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવાના આરોપસર પકડીને પાછા મોકલી દેવાયા છે.

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 12:10 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK