ઈલૉન મસ્કે ફરી મેળવી લીધું વિશ્વના સૌથી અમીરનું સ્થાન
લૅરી એલિસન
ઑરૅકલ કંપનીના કો-ફાઉન્ડર લૅરી એલિસનની કંપનીના શૅરમાં એક જ દિવસમાં ૪૧ ટકાનો ઉછાળો આવતાં બુધવારે સવારે તેઓ દુનિયાની સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. એકઝાટકે તેમની નેટવર્થ લગભગ ૧૦૧ અબજ ડૉલર એટલે કે લગભગ ૯ લાખ કરોડ રૂપિયા વધી ગઈ હતી અને તેમણે ટેસ્લાના ફાઉન્ડર ઈલૉન મસ્કને બીજા નંબરે ધકેલી દીધા હતા. જોકે એ પછી શૅરના ભાવમાં થોડોક ઘટાડો થતાં લૅરી એલિસનની નેટવર્થ ૩૮૩ અબજ ડૉલર એટલે કે લગભગ ૩૩.૮૦ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી, જ્યારે ઈલૉન મસ્કની નેટવર્થ ૩૮૫ અબજ ડૉલર એટલે કે ૩૩.૯૯ લાખ કરોડ રૂપિયા થઈ હતી. આમ ગણતરીના કલાકો માટે લૅરી એલિસનને સૌથી અમીર હોવાનું બિરુદ મળ્યું હતું. થોડાક મિલ્યન ડૉલર્સના તફાવતથી ઈલૉન મસ્કે ફરી નંબર વનનું સ્થાન પાછું મેળવી લીધું છે.
આ તફાવત મામૂલી હોવાથી હવે નંબર વનના સ્થાન માટે આમ જ રસાકસી ચાલે એવી સંભાવનાઓ છે.


