ડોનલ્ડ ટ્રમ્પ કહે છે કે જો સૈનિકો ન મોકલ્યા હોત તો લૉસ ઍન્જલસ આગમાં ભસ્મીભૂત થઈ ગયું હોત, પણ...
ટ્રમ્પ સરકારના વિરોધમાં ગઈ કાલે લૉસ અૅન્જલસમાં સળગાવી દેવાયેલી કાર પાસેથી પસાર થતી એક મહિલા અને તહેનાત મરીન્સની સામે પડતા નાગરિકો.
અમેરિકાના લૉસ ઍન્જલસ શહેરમાં ચાલી રહેલાં રમખાણોએ અમેરિકાને હચમચાવી દીધું છે. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓને કારણે અમેરિકાનાં ઘણાં શહેરોમાં લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે નૅશનલ ગાર્ડની તહેનાતી પછી જનતા વધુ ઉશ્કેરાઈ ગઈ છે. નૅશનલ ગાર્ડ એક રાજ્યસ્થિત મિલિટરી ફોર્સ છે જે અમેરિકન સૈન્યનો ભાગ ગણાય છે.
આ બધાની વચ્ચે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે જો મેં લૉસ ઍન્જલસમાં મરીન્સ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સના ડિફેન્સ ડિપાર્ટમેન્ટના ભૂમિદળના સૈનિકો અને અન્ય સૈનિકો તહેનાત ન કર્યા હોત તો શહેર બળી ગયું હોત. ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે જો મેં છેલ્લી ત્રણ રાત્રે લૉસ ઍન્જલસમાં સૈનિકો મોકલ્યા ન હોત તો એક સમયે સુંદર અને મહાન શહેર હમણાં ભડકે બળતું હોત.
વિરોધનો અંત લાવવા માટે લૉસ ઍન્જલસમાં લગભગ ૭૦૦ મરીન્સ તહેનાત કરવામાં આવ્યા છે અને ૪૦૦૦ નૅશનલ ગાર્ડને મોકલવામાં આવ્યા છે. એ નોંધવું જરૂરી છે કે અમેરિકન સૈન્ય પાસે કોઈ પણ સ્થાનિક સ્તરે કાયદાના અમલીકરણની સત્તા નથી.
ADVERTISEMENT
કૅલિફૉર્નિયાના ગવર્નર ગૅવિન ન્યુસૉમે અમેરિકાના પ્રેસિડન્ટનું આ પગલું એક સરમુખત્યારશાહી પ્રેસિડન્ટની પાગલ કલ્પના સમાન ગણાવ્યું હતું. ગવર્નરની પરવાનગી વિના સૈનિકો મોકલવા માટે રાજ્ય પ્રેસિડન્ટ ટ્રમ્પ સામે કેસ કરવાનું છે.
આ પહેલાં ૧૯૬૫માં પ્રેસિડન્ટે ગવર્નરની મંજૂરી વિના અમેરિકાના શહેરમાં નૅશનલ ગાર્ડની ટુકડીઓ મોકલી હતી.
આ સંદર્ભમાં ડિસ્ટ્રિક્ટ ઍટર્ની નૅથન હૉચમૅને જણાવ્યું હતું કે ‘વધારાના સૈનિકોની તહેનાતી બિનજરૂરી છે, કારણ કે વિસ્તારની વસ્તીનો માત્ર એક નાનો ભાગ વિરોધ કરી રહ્યો હતો અને એનાથી પણ ઓછી સંખ્યામાં લોકોએ કાયદો તોડ્યો હતો.’
ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન રેઇડની વિરુદ્ધમાં શુક્રવારે વિરોધ ફાટી નીકળ્યો હતો. ઇમિગ્રેશન પ્રશાસને ૪૦થી વધુ લોકોની ધરપકડ કરી એ પછી વાત વણસી હતી. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે ઇમિગ્રન્ટ સમુદાયમાં ટ્રમ્પ સરકારના આ પગલાથી ભય વ્યાપી ગયો છે. ટ્રમ્પ દ્વારા ઇમિગ્રેશન કાયદાઓના અમલીકરણમાં વધારો કરવાના ગુસ્સાને કારણે ત્રણ દિવસના વિરોધ-પ્રદર્શન દરમ્યાન સૌથી વધુ હિંસા રવિવારે જોવા મળી હતી.
લૉસ ઍન્જલ્સમાં માસ્ક પહેરેલા લૂંટારાઓએ ઍપલનો સ્ટોર લૂંટી લીધો
લૉસ ઍન્જલસમાં ભારેલા અગ્નિ વચ્ચે સોમવારે રાત્રે માસ્ક પહેરેલા લોકોએ એક ઍપલ સ્ટોરમાં લૂંટ ચલાવી હતી. સોશ્યલ મીડિયા પર આ સંદર્ભમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં માસ્ક પહેરેલા લોકોને ઍપલ સ્ટોરમાં ઘૂસીને ગૅજેટ્સ લૂંટતા જોઈ શકાય છે. પોલીસ આવતાંની સાથે જ ઘણા લોકો સ્ટોરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

