કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)ની દરેક જગ્યાએ નિંદા થઈ રહી છે. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky)ને પણ ઘેરવામાં આવી રહ્યા છે
ફાઇલ તસવીર
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)ની દરેક જગ્યાએ નિંદા થઈ રહી છે. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky)ને પણ ઘેરવામાં આવી રહ્યા છે. હકીકતમાં 22 સપ્ટેમ્બરના રોજ કેનેડિયન સંસદમાં નાઝી આર્મીના સભ્ય (Nazi Veteran)નું સન્માન કરવામાં આવ્યું હતું. ઝેલેન્સ્કીએ તેને હીરો ગણાવ્યા હતા. ટ્રુડો સહિત સંસદમાં હાજર દરેક વ્યક્તિએ તેમના સન્માનમાં ઊભા થઈને તાળીઓ પાડી હતી. આ બાબતે જ વિવાદ ચાલી રહ્યો છે.
22 સપ્ટેમ્બરના રોજ, ઝેલેન્સ્કીએ કેનેડિયન સંસદને સંબોધિત કર્યું અને કેનેડાને સતત સમર્થન આપવા બદલ આભાર માન્યો. આ સમય દરમિયાન, નાઝી આર્મીના સભ્ય યારોસ્લાવ હેન્કને રશિયનો સામે લડવા માટે હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. 98 વર્ષીય યારોસ્લાવ હેન્ક વેફેન એસએસના 14મા વિભાગ માટે લડ્યા હતા. તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વિપક્ષે આ મામલે ટ્રુડો પાસેથી માફી માગવાની માગ કરી છે. વિપક્ષના નેતા પિયર પોઈલીવરે જસ્ટિન પોસ્ટ કરીને ટ્રુડોની ટીકા કરતાં લખ્યું કે, “જસ્ટિન ટ્રુડો વ્યક્તિગત રીતે SS (નાઝી ડિવિઝન)ના 14મા વેફેન ગ્રેનેડિયર ડિવિઝનના અનુભવી સૈનિકને મળ્યા અને તેમનું સન્માન કર્યું. ઝેલેન્સકીની કેનેડાની મુલાકાત દરમિયાન હાઉસ ઓફ કોમન્સમાં નાઝી પીઢ સૈનિકનું સન્માન કરવામાં આવ્યું હતું.”
તેમણે આગળ લખ્યું કે, “આ જસ્ટિન ટ્રુડો તરફથી ચુકાદામાં ભયંકર ક્ષતિનો મામલો છે. મહેમાનો અને આવી યાત્રાઓ ગોઠવવાની જવાબદારી તેની પોતાની ઓફિસના લોકો જ હોય છે. હાઉસ ઓફ કોમન્સમાં આમંત્રિત અને સન્માનિત થતાં પહેલાં કોઈ પણ સાંસદને આ વ્યક્તિના ભૂતકાળની જાણ નહોતી. ટ્રુડોએ અંગત રીતે માફી માગવી જોઈએ અને દર વખતની જેમ બીજાને દોષ આપવાનું ટાળવું જોઈએ.”
કેનેડિયન માનવાધિકાર જૂથ ફ્રેન્ડ્સ ઓફ સિમોન વિસેન્થલ સેન્ટર (FSWC)ની પોસ્ટના જવાબમાં પિયર પોઈલીવરે આ નિવેદન આપ્યું હતું. પોસ્ટમાં લખ્યું હતું કે, “FSWCને આઘાત લાગ્યો છે કે કેનેડાની સંસદે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યહૂદીઓ અને અન્યોની સામૂહિક હત્યા માટે જવાબદાર નાઝી લશ્કરી એકમમાં સેવા આપતા યુક્રેનિયન પીઢ સૈનિકને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.”
આ દરમિયાન કેનેડાના હાઉસ ઑફ કોમન્સના સ્પીકર એન્થોની રોટાએ એક નિવેદન જાહેર કરીને માફી માગી છે. રોટાએ કહ્યું છે કે તે વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી તેને ખૂબ જ પસ્તાવો થયો છે. પોસ્ટના અંતે, તેમણે કેનેડા અને વિશ્વભરના યહૂદી સમુદાયો માટે દિલથી માફી માગી હતી.


