એક મહિલા પ્રદર્શનકારીએ કહ્યું હતું કે ‘ટ્રમ્પે ઈરાનીઓને મૂર્ખ બનાવ્યા છે. અમે બધી આશા ગુમાવી દીધી છે.
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ટ્રમ્પે ઈરાન પર હુમલો ન કરવાનો નિર્ણય લીધા પછી ઈરાની પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. એક મહિલા પ્રદર્શનકારીએ કહ્યું હતું કે ‘ટ્રમ્પે ઈરાનીઓને મૂર્ખ બનાવ્યા છે. અમે બધી આશા ગુમાવી દીધી છે. ટ્રમ્પ કંઈ કરવાના નથી. તેમણે શા માટે કરવું જોઈએ? તેમને અમારી પરવા નથી.’
હાલમાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં ઘણા ઈરાનીઓ માટે ડોનલ્ડ ટ્રમ્પ એક સંભવિત લાઇફલાઇન જેવા દેખાતા હતા, પણ ઈરાન પર હુમલો ન કરવાના નિર્ણયથી તેમને વિશ્વાસઘાત જેવું લાગે છે. અશાંતિના પ્રારંભમાં ટ્રમ્પે જાહેરમાં ઈરાની વિરોધીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને તેહરાનને ચેતવણી આપી હતી. તેમણે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી કે ‘મદદ આવી રહી છે’ અને બાદમાં ચેતવણી આપી હતી કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને નુકસાન પહોંચાડવામાં આવશે તો અમેરિકા હુમલો કરશે.
ADVERTISEMENT
તેહરાનના એક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે ‘ઈરાનમાં ૧૫,૦૦૦ લોકોનાં મોત માટે ટ્રમ્પ જવાબદાર છે, કારણ કે ટ્રમ્પની પોસ્ટ બાદ હજારો વિરોધીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. અમેરિકાએ ઈરાનીઓને આ રીતે દગો આપવા માટે ઇસ્લામિક રિપબ્લિક સાથે સોદો કર્યો હશે.’
ટ્રમ્પના વિરોધમાં ગ્રીનલૅન્ડ અને ડેન્માર્કના લોકો રસ્તા પર

ગ્રીનલૅન્ડના પાટનગર નૂકમાં શનિવારે અમેરિકન કૉન્સ્યુલેટ સામે વિરોધ-પ્રદર્શન કરતા લોકો.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલૅન્ડ મેળવવાના નવા પ્રયાસો સામે વિરોધ-પ્રદર્શન કરવા માટે ગ્રીનલૅન્ડ અને ડેન્માર્કમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. ટ્રમ્પે ૮ યુરોપિયન દેશો પર જ્યાં સુધી અમેરિકાને ગ્રીનલૅન્ડ ખરીદવાની મંજૂરી ન મળે ત્યાં સુધી ટૅરિફ લાદવાની જાહેરાત કરી છે. ઘણા વિરોધીઓએ ટ્રમ્પના પોતાના ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ સૂત્રને અનુરૂપ લાલ ટોપીઓ પહેરી હતી જેમાં ‘મેક અમેરિકા ગો અવે’ લખ્યું હતું.


