આ પહેલાં યુનાઇટેડ કિંગડમના ટૅબ્લૉઇડ ‘ધ સન’એ રિપોર્ટ આપ્યો હતો કે સુપ્રીમ લીડરે એક પગ ગુમાવી દીધો છે
મોજતબા ખામેનેઈ
કુવૈતના એક ન્યુઝપેપર અલ-જરીદાએ અહેવાલ આપ્યો છે કે અમેરિકા-ઇઝરાયલી હુમલા દરમ્યાન કથિત રીતે પગમાં ગંભીર ઈજાઓ થયા બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને ઑપરેશન માટે ગુપ્ત રીતે મૉસ્કો લઈ જવામાં આવ્યા હતા. રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાન સાથેની વાતચીત દરમ્યાન વ્યક્તિગત રીતે મદદની ઑફર કર્યા પછી તેમને રશિયન લશ્કરી વિમાનમાં લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ૧૨ માર્ચે ઈરાન છોડીને ગયા હતા અને હુમલાના પ્રથમ તબક્કા દરમ્યાન પગની ગંભીર ઈજાઓ માટે સફળ સર્જરી કરાવી હતી.
આ પહેલાં યુનાઇટેડ કિંગડમના ટૅબ્લૉઇડ ‘ધ સન’એ રિપોર્ટ આપ્યો હતો કે સુપ્રીમ લીડરે એક પગ ગુમાવી દીધો છે અને તેઓ કોમામાં છે. તેમના પેટ અથવા લિવરને પણ ગંભીર નુકસાન થયું છે. તેમને સિના યુનિવર્સિટી હૉસ્પિટલના ઉચ્ચ સુરક્ષા, સીલબંધ ટ્રૉમા વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ તે ક્યારે અને કેવી રીતે ઘાયલ થયા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
ઇઝરાયલી અને અમેરિકન પ્રકાશનોએ વારંવાર દાવો કર્યો છે કે ૨૮ ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં તેમના પરિવારના અનેક સભ્યોનાં મૃત્યુ થયાં ત્યારે મોજતબા ખામેનેઈ ઘાયલ થયા હતા. ઈરાને આ દાવાઓનો સખત વિરોધ કર્યો છે.
