Iran-Israel War: ઈરાન પર ઈઝરાયલી હુમલાઓમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ગુપ્તચર વડા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝેમી અને તેમના ડેપ્યુટી હસન મોહકિક માર્યા ગયા હોવાના અહેવાલ
યુધ્ધ સમયની ફાઇલ તસવીર
ઇઝરાયલ (Israel)ના હુમલાઓએ ફરી એકવાર ઈરાન (Iran)ને હચમચાવી નાખ્યું છે. ઈરાની રાજ્ય મીડિયાએ પુષ્ટિ આપી છે કે, ઇઝરાયલી હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (Islamic Revolutionary Guard Corps - IRGC)ના ગુપ્તચર વડા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝેમી અને તેમના ડેપ્યુટી હસન મોહકિક માર્યા ગયા છે. આમ ઇઝરાયલે ઇરાન (Iran-Israel War)ને મોટો ઝટકો આપ્યો છે.
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલી ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી તસ્નીમ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, તેહરાન (Tehran)માં થયેલા IRGCના ગુપ્તચર વડા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝેમી અને તેમના ડેપ્યુટી હસન મોહકિક માર્યા ગયા છે. આ હુમલામાં ત્રીજા IRGC ગુપ્તચર અધિકારી મોહસેન બાઘેરીનું પણ મોત થયું છે. ઈરાની મીડિયાએ પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ હુમલાથી ઈરાનના લશ્કરી માળખાને ભારે ફટકો પડ્યો છે અને દેશની ગુપ્તચર વ્યવસ્થા પણ તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.
ADVERTISEMENT
દરમિયાન, શુક્રવારે ઇઝરાયલી હુમલા શરૂ થયાના થોડા કલાકો પછી, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને તેહરાનના ઉત્તર-પૂર્વમાં લાવિઝાન (Lavizan)માં એક ભૂગર્ભ બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. ખામેની તેમના સમગ્ર પરિવાર સાથે આ બંકરમાં હાજર છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, એપ્રિલ ૨૦૨૪ અને ઓક્ટોબરમાં ઇઝરાયલ પર ઈરાનના હુમલા દરમિયાન ખામેનીએ પણ આ જ બંકરમાં આશરો લીધો હતો. આ બંને પ્રસંગોએ ઈરાને ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો હતો.
અહેવાલો અનુસાર, ઇઝરાયલે ઓપરેશનની પહેલી રાત્રે ખામેનીને નિશાન બનાવ્યા ન હતા જેથી તેમને તેમની યુરેનિયમ સંવર્ધન યોજનાને સંપૂર્ણપણે છોડી દેવાની છેલ્લી તક મળી શકે. આ માહિતી ટાઇમ્સ ઓફ ઇઝરાયલે તેના સૂત્રોને ટાંકીને આપી છે.
ઇઝરાયલી વિમાનોએ ઈરાનના મિસાઇલ લોન્ચિંગ સ્થળો પર પણ બોમ્બ ફેંક્યા અને તેના ઘણા હવાઈ સંરક્ષણનો નાશ કર્યો. ઇઝરાયલી સંરક્ષણ દળો (Israeli Defense Forces - IDF)એ કહ્યું કે તેમણે ઈરાનમાં શસ્ત્રો ઉત્પાદન સુવિધાઓને નિશાન બનાવીને મોટા પાયે હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં IRGC, તેની કુદ્સ ફોર્સ અને ઈરાની લશ્કરી માળખાને નુકસાન થયું. IDFએ કહ્યું કે, ઈરાનમાં અનેક શસ્ત્રો ઉત્પાદન ફેક્ટરીઓને નિશાન બનાવવામાં આવી હતી.
ઇઝરાયલે ઇરાનના પારચીન પ્રદેશ પર પણ મિસાઇલો અને બોમ્બ ફેંક્યા હતા. આ એ જ વિસ્તાર છે જ્યાં ઇરાનનું પરમાણુ શસ્ત્ર સંશોધન કેન્દ્ર આવેલું છે. ઇઝરાયલે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ આ સ્થળ પર હુમલો કર્યો હતો, જેમાં ઇરાનને ભારે નુકસાન થયું હતું પરંતુ બાદમાં તેણે કેન્દ્રનું સમારકામ કરીને ફરીથી સંશોધન શરૂ કર્યું હતું. ઇઝરાયલી હુમલાઓને રોકવા માટે ઇરાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ વારંવાર ગોળીબાર કરતી જોવા મળી હતી.

