અમેરિકા અને ઇઝરાયલે કરેલા હુમલાનો જવાબ આપવાની ઈરાને યુનાઇટેડ નેશન્સમાં આપી ચેતવણી : ઈરાનમાં નાગરિકોનાં મૃત્યુ અને માળખાગત નુકસાન માટે ફ્રાન્સ અમેરિકા, UK અને ઇઝરાયલ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો
ઇઝરાયલે ઈરાનના પાટનગર તેહરાન પર કરેલા હુમલાને પગલે ઊઠતો ધુમાડો.
યુનાઇટેડ નેશન્સ (UN)માં ઈરાનના રાજદૂત અમીર-સૈદ ઈરાવાનીએ ઈરાનનાં પરમાણુ સ્થળો અને સુવિધાઓ પર અમેરિકાએ કરેલા હુમલાને એક સ્પષ્ટ ગુનો ગણાવતાં કહ્યું હતું કે ‘અમેરિકાના આક્રમણ અને એના ઇઝરાયલી પ્રાૅક્સી સામે પોતાનો બચાવ કરવાનો ઈરાન પોતાનો સંપૂર્ણ અને કાયદેસર અધિકાર રાખે છે. ઈરાનના પ્રતિભાવનો સમય અને સ્કેલ અમારાં સશસ્ત્ર દળો નક્કી કરશે.’
UNના મુખ્યાલય ખાતે યુનાઇડેટ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ (UNSC)એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સિક્યૉરિટીના મુદ્દે ઇમર્જન્સી વિશેષ સત્ર બોલાવ્યું હતું એમાં ઈરાવાનીએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
ઈરાવાનીએ અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન તરીકે નિંદા કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ (UK), ફ્રાન્સ અને એના યુરોપિયન સાથીઓ દ્વારા ગેરકાયદે અને રાજકીય રીતે પ્રેરિત કાર્યવાહીનું આ પરિણામ છે.
ઈરાનના રાજદૂતે રાજદ્વારી માર્ગોને નબળા પાડવા બદલ ઇઝરાયલની કડક ટીકા કરતાં કહ્યું હતું કે ‘ઇઝરાયલે વાતચીત માટે રાજદ્વારી માર્ગ બંધ કરી દીધો હતો અને એની કહેવાતી રાજદ્વારી ઑફર આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવા માટેની કપટી નીતિ સિવાય બીજું કંઈ નહોતું. ઈરાને ક્યારેય વાટાઘાટો માટે ના નથી પાડી, એ હંમેશાં તૈયાર હતું. ઈરાનમાં નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ તથા બાળકોનાં મૃત્યુ અને માળખાગત નુકસાન માટે અમેરિકા, UK, ફ્રાન્સ અને ઇઝરાયલ જવાબદાર છે.’
રશિયા, ચીન, પાકિસ્તાનનો ઠરાવ : ઇઝરાયલ-ઈરાન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ
રશિયા, ચીન અને પાકિસ્તાને યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ (UNSC) સમક્ષ એક ઠરાવ રજૂ કર્યો છે જેમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ માટે હાકલ કરવામાં આવી છે. આ ઠરાવમાં ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાની નિંદા કરવામાં આવી છે, પરંતુ એમાં અમેરિકા કે ઇઝરાયલનું નામ લેવામાં આવ્યું નથી. અમેરિકા આ ઠરાવનો વિરોધ કરે એવી શક્યતા છે. જો અમેરિકા વીટો વાપરે તો આ ઠરાવ પસાર થઈ શકશે નહીં.
રવિવારે UNSCની બેઠકમાં ઈરાનનાં પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા વિશે ચર્ચા થઈ હતી. રશિયા, ચીન અને પાકિસ્તાને ૧૫ સભ્યોની સંસ્થાને મિડલ ઈસ્ટમાં તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ માટે ઠરાવ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
UN સેક્રેટરી-જનરલ ઍન્ટોનિયો ગુટેરેસે રવિવારે UNSCને જણાવ્યું હતું કે ‘અમેરિકા દ્વારા ઈરાની પરમાણુ સુવિધાઓ પર બૉમ્બમારો એક ખતરનાક વળાંક છે. આપણે લડાઈ બંધ કરવા અને ઈરાની પરમાણુ કાર્યક્રમ પર ગંભીર, સતત વાટાઘાટો તરફ પાછા ફરવા માટે તાત્કાલિક અને નિર્ણાયક રીતે કાર્ય કરવું જોઈએ.’
ઈરાને રવિવારે UNSCની બેઠક બોલાવવાની વિનંતી કરી હતી. કાઉન્સિલ ક્યારે આ ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કરી શકે છે એ તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. રશિયા, ચીન અને પાકિસ્તાને કાઉન્સિલના સભ્યોને સોમવાર સાંજ સુધીમાં તેમનાં મંતવ્યો શૅર કરવા કહ્યું છે. ઠરાવ પસાર થવા માટે ઓછામાં ઓછા નવ મતોની તરફેણમાં જરૂર છે અને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, રશિયા કે ચીન દ્વારા વીટો કરવાની જરૂર નથી.

