એમાં માઇક્રોવેવ, ટૉઇલેટ, ફ્રિજ જેવી તમામ સુવિધા: ૨૦૦૮માં એક દુર્ઘટનામાં આવું એક વિમાન ગુમાવ્યા પછી અમેરિકા પાસે હવે ૧૯ B-2 બૉમ્બર છે
B-2 બૉમ્બર વિમાન
૧૩,૬૦૦ કિલોનો ૧૭૩ કરોડ રૂપિયાનો બન્કર બસ્ટર બૉમ્બ લઈને નૉન-સ્ટૉપ ૪૪ કલાક ઊડી શકે, હવામાં બળતણ ભરાવી શકે : વિમાનમાં બે પાઇલટ માટે જગ્યા, એક વિમાન ઉડાડે ત્યારે બીજો આરામ કરી શકે એવી વ્યવસ્થા; એમાં માઇક્રોવેવ, ટૉઇલેટ, ફ્રિજ જેવી તમામ સુવિધા: ૨૦૦૮માં એક દુર્ઘટનામાં આવું એક વિમાન ગુમાવ્યા પછી અમેરિકા પાસે હવે ૧૯ B-2 બૉમ્બર છે
ઈરાનમાં ત્રણ પરમાણુ પ્લાન્ટનો નાશ કરનારાં અમેરિકાનાં B-2 સ્ટેલ્થ (એટલે કે ગુપ્ત) બૉમ્બર વિમાનો વિશે ધીમે-ધીમે ઘણી જાણકારી બહાર આવી રહી છે. આ એવાં વિમાન છે જે સતત ૪૪ કલાક સુધી ઉડ્ડયન કરી શકે. એમાં બે પાઇલટ હોય છે, એક પાઇલટ વિમાન ઉડાડે ત્યારે બીજો આરામ કરી શકે એવી પૂરતી વ્યવસ્થા એમાં ઉપલબ્ધ છે. આ સાથે વિમાનમાં નાસ્તો ગરમ કરવા માટે માઇક્રોવેવ અવન, ટૉઇલેટ, મિની રેફ્રિજરેટર સહિતની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. B-2 બૉમ્બર રડારમાં પકડાતું નથી.
ADVERTISEMENT
B-2 બૉમ્બરની કિંમત ૨.૨ બિલ્યન ડૉલર (૧૯૦૦૦ કરોડ રૂપિયા)થી વધુ છે. એ અમેરિકાનું સૌથી મોંઘાં શસ્ત્રોમાંનું એક છે એટલું જ નહીં, ૨૦૦ ફુટ ઊંડા કૉન્ક્રીટ બન્કરમાં પ્રવેશવાની ક્ષમતા ધરાવતો ૧૩,૬૦૦ કિલોનો બંકર બસ્ટર બૉમ્બ GBU-57 આ બૉમ્બર વિમાનમાંથી ફેંકવામાં આવ્યો હતો. આ દરેક બૉમ્બની કિંમત લગભગ ૨૦ મિલ્યન ડૉલર (૧૭૩ કરોડ રૂપિયા) છે.
B-2નો સૌપ્રથમ ઉપયોગ ૧૯૯૭માં કરવામાં આવ્યો હતો. ૨૦૦૮માં એક દુર્ઘટના દરમ્યાન એક બૉમ્બરનું બલિદાન આપ્યા બાદ અમેરિકન ઍરફોર્સ હાલમાં ૧૯ બૉમ્બર ધરાવે છે.
ઈરાનના પરમાણુ પ્લાન્ટનો નાશ કરવા માટે ઑપરેશન મિડનાઇટ હૅમર માટે ૭ B-2 બૉમ્બર્સ તહેનાત કરવામાં આવ્યાં હતાં. આ વિમાનોએ અમેરિકામાં કૅન્સસ સિટીની બહાર વાઇટમૅન ઍરફોર્સ બેઝથી ઉડાન ભરીને ઈરાનમાં પ્રવેશવા સુધીમાં ૧૮ કલાક નૉન-સ્ટૉપ ઉડ્ડયન કર્યું હતું. ત્યાર બાદ નિર્ધારિત લક્ષ્યોને ભેદીને કુલ ૩૮ કલાકના ઉડ્ડયન બાદ આ વિમાનો પાછાં અમેરિકા પહોંચ્યાં હતાં. ઈરાન સામેના મિશનમાં B-2 બૉમ્બર્સ સાથે ચાર બોઇંગ KC-46 પેગસસ રીફ્યુઅલિંગ ઍરક્રાફ્ટ પણ જોવા મળ્યાં હતાં જેમાંથી બે વિમાનોએ પૅસિફિક મહાસાગર પર બૉમ્બર્સને રીફ્યુઅલિંગ કર્યું હતું. બૉમ્બર્સને ઈંધણની ભારેખમ ટાંકી વિના ઊડવાની મંજૂરી આપવામાં આવી હતી, કારણ કે એ વજનદાર બંકર-બસ્ટર બૉમ્બ સાથે ઊડી રહ્યાં હતાં.
સૌથી લાંબું B-2 બૉમ્બર ઑપરેશન
ઈરાનમાં ફૉર્ડો પરમાણુ મથક પરનો હુમલો ૩૭ કલાક ચાલ્યો હતો. એ પહેલાં ૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરે અમેરિકા પર આતંકવાદી હુમલો થયા પછી અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હબતો. એ સૌથી લાંબા હુમલા બાદ આ B-2 બૉમ્બર ઑપરેશન આવે છે.
સ્પીડ કલાકનાં ૯૦૦ કિલોમીટર
B-2 બૉમ્બરની ગતિ લગભગ ૯૦૦ કિલોમીટર પ્રતિ કલાક છે. B-2 બૉમ્બરમાં ૪ જનરલ ઇલેક્ટ્રિક F118-GE-100 ટર્બોફેન એન્જિન છે. આ એન્જિન ઓછા તાપમાનમાં પણ ચાલતાં રહે છે. એની ઈંધણક્ષમતા ૭૫,૦૦૦ પાઉન્ડ છે. આને કારણે એ લાંબા અંતરને આવરી લે છે અને અમેરિકાનું સૌથી મોંઘું વિમાન છે.
એન્જિનમાં અત્યાધુનિક મૉનિટરિંગ સિસ્ટમ
માત્ર બે પાઇલટ અને ૧૭૨ ફુટની પાંખો સાથે ઊડતાં B-2 બૉમ્બર વિમાનો લાંબા અંતરની મુસાફરી માટે ટેક્નૉલૉજી પર આધાર રાખે છે. વિમાનની પાંખ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એ ઓછું ઈંધણ વાપરે છે. B-2 બૉમ્બરના એન્જિનમાં અત્યાધુનિક મૉનિટરિંગ સિસ્ટમ છે. એ એન્જિનના તાપમાન અને એની કામગીરીને પણ ટ્રૅક કરે છે. એ ક્રૂને જરૂરિયાત મુજબ પાવર-સેટિંગ્સ બદલવા માટે ચેતવણી આપે છે. એની સિસ્ટમ ખાતરી કરે છે કે ઘણા દિવસોની ઉડાન પછી પણ એન્જિનનું તાપમાન બર્નઆઉટ થ્રેશોલ્ડથી નીચે રહે. B-2ના ક્રૂને લાંબા અંતરના મિશન માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.
શા માટે બનાવવામાં આવ્યાં હતાં?
સોવિયેટ યુનિયન પર પરમાણુ બૉમ્બ પહોંચાડવા માટે આ અત્યાધુનિક અમેરિકન બૉમ્બરો તૈયાર કરવામાં આવ્યાં હતાં.
અમેરિકાએ ઈરાનને કેવી રીતે અંધારામાં રાખીને B-2 બૉમ્બરોથી અટૅક કર્યો?
અમેરિકાએ ઈરાની પરમાણુ સ્થળો પર હુમલો કરવા માટે ઈરાનનું ધ્યાન ભટકાવવાની ચતુર રણનીતિ ઘડી કાઢી હતી. સૌ પહેલાં B2- બૉમ્બર વિમાનોને પૅસિફિક મહાસાગરના ગુઆમ ટાપુ તરફ ઉડાડ્યાં હતાં અને પછી સાત બૅટ-વિંગવાળાં B2- સ્ટેલ્થ બૉમ્બર ઈરાન તરફ મોકલ્યાં હતાં. B2- બૉમ્બર વિમાનો ૧૮ કલાક સુધી પૂર્વ તરફ ઓછામાં ઓછા સંદેશાવ્યવહાર અને હવામાં રીફ્યુઅલિંગ સાથે કોઈ પણ રીતે શોધાયા વિના ઉડાન ભરી શક્યાં હતાં.
ઑપરેશન મિડનાઇટ હૅમર મિશનની શરૂઆત
ઑપરેશન મિડનાઇટ હૅમરનો ઉદ્દેશ ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમોને નષ્ટ કરવાનો હતો. આ મિશન ૨૧ જૂનની રાતે શરૂ થયું અને અમેરિકાના ઍરફોર્સ અને નેવીએ સાથે મળીને એને અંજામ આપ્યો હતો. આ મિશનની યોજના મહિનાઓ પહેલાં બની હતી, પણ એને ગુપ્ત રાખવામાં આવી હતી. માત્ર ચુનંદા લોકોને જ
એની જાણકારી હતી.
અમેરિકાએ ઈરાનનું ધ્યાન ભટકાવ્યું
અમેરિકાએ ધ્યાન ભટકાવવાની રણનીતિનો ઉપયોગ કર્યો હતો અને ઓછામાં ઓછા સંદેશવ્યવહારનો ઉપયોગ કરીને ઈરાનનું ધ્યાન ભટકાવી દીધું હતું. કેટલાંક B2- બૉમ્બર વિમાનો જાણીજોઈને પૅસિફિક મહાસાગર તરફ ઉડાવવામાં આવ્યાં હતાં. આને કારણે ઈરાનને એમ લાગ્યું કે હુમલો બીજી કોઈ દિશાથી થશે. આ વિમાનોને ગુઆમ પાસેના ઍન્ડરસન ઍર ફોર્સ બેઝ તરફ મોકલવામાં આવ્યાં. આમ ઈરાનનું ધ્યાન ભટકાવવામાં આવ્યું હતું. એક B2- બૉમ્બર વિમાને હવાઈમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું.
ઓછામાં ઓછું કમ્યુનિકેશન
સાત B2- બૉમ્બર વિમાનોએ અમેરિકાથી ઈરાન સુધી ૧૮ કલાક નૉન-સ્ટૉપ ઉડ્ડયન કર્યું અને એ દરમ્યાન સંદેશવ્યવહાર ઓછામાં ઓછો કર્યો. આને કારણે ઈરાનના રડાર અને જાસૂસી સિસ્ટમ એને આંતરી શક્યાં નહીં.
હાઈ સ્પીડ ફાઇટર જેટ્સ
ચોથી અને પાંચમી પેઢીનાં ફાઇટર જેટ્સ જેવાં કે F22- રૅપ્ટર અને F36- લાઇટનિંગ IIએ B2- બૉમ્બરોની આગળ ઉડ્ડયન કર્યું હતું. એમણે ઈરાનથી છોડવામાં આવેલી ઍર-ટુ-સરફેસ મિસાઇલોને નિષ્ક્રિય કરી દીધી હતી. આ જેટ્સે HARM (હાઈ સ્પીડ ઍન્ટિ રેડિયેશન મિસાઇલ્સ)નો ઉપયોગ કરીને ઈરાનની રડાર-સિસ્ટમને નષ્ટ કરી દીધી હતી. ઈરાનની S-300 રશિયન ઍર ડિફેન્સ સિસ્ટમ પણ B2- બૉમ્બરને જોઈ શકી નહીં, કારણ કે આ ગુપ્ત વિમાનો રડારથી બચી શકે છે.

