ટાઇમ્સ ૧૦૦ નેક્સ્ટ યાદીમાં સમાવેશ થનાર પહેલી ભારતીય ક્રિકેટર બની, અન્ય બે ભારતીયોનાં પણ નામ
હરમનપ્રીત કૌર (ફાઇલ તસવીર)
સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડનારા ઇમર્જિંગ લીડર્સની ટાઇમ મૅગેઝિનની ટૉપ ૧૦૦ યાદીમાં મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર સહિત ત્રણ ભારતીયનો સમાવેશ કરાયો છે. બુધવારે ‘૨૦૨૩ ટાઇમ ૧૦૦ નેક્સ્ટ’ યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં હરમનપ્રીત ઉપરાંત નંદિતા વેન્કટેશન અને વિનુ ડૅનિયલનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ભારતીય મૂળના નબારુન દાસગુપ્તા પણ છે.
ભારતીય મહિલા ટીમની કૅપ્ટનની પ્રશંસા કરતાં મૅગેઝિને લખ્યું છે કે તેણે વિમેન્સ ક્રિકેટને વિશ્વની સૌથી કીમતી સ્પોર્ટિંગ ઍસેટ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને બદલે આ લિસ્ટમાં નામ મેળવનાર તે એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. હાલ ૩૪ વર્ષની હરમનપ્રીત કૌરે ઑસ્ટ્રેલિયા સામે ૨૦૧૭ની વર્લ્ડ કપની મૅચમાં ૧૧૫ બૉલમાં નૉટઆઉટ ૧૭૧ રન બનાવીને પોતાની અસાધારણ પ્રતિભા દેખાડી હતી. માર્ચ મહિનામાં તેને વિમેન્સ પ્રીમિયર લીગની મુંબઈ ઇન્ડિયન ટીમની કૅપ્ટન બનાવી હતી. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચેય ટીમ ૪૬૬૯ કરોડ રૂપિયામાં વેચાઈ હતી. હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં મુંબઈ ચૅમ્પિયન પણ બન્યું હતું.
નંદિતા વેન્કટેશન
૩૩ વર્ષની નંદિતાએ ટીબીના મલ્ટિ ડ્રગ-રેઝિસ્ટન્સ વર્ઝનને કારણે સાંભળવાની શકિત ગુમાવી હતી. જેનું કારણ સારવાર દરમ્યાન દવાની આડઅસર હતી. આવી જ કંઈક હાલત સાઉથ આફ્રિકાની હેલ્થ ઍક્ટિવિસ્ટ ફુમેઝા ટિસિલની હતી. આ બન્નેનું નામ આ લિસ્ટમાં સાથે રાખવામાં આવ્યું હતું. તેમણે વકીલ સાથે મળીને ફાર્મા કંપની જૉન્સન ઍન્ડ જૉન્સન ટીબીની અસરકારક દવાનું પેટન્ટ ન આપવા માટે ભારત સરકારને અરજી કરીને જણાવ્યું હતું. આ બન્નેની લડતને કારણે આ દવાની સસ્તી જેનરિક દવા બહાર આવી હતી. પરિણામે ટીબીની દવા ઘણી ઓછી કિંમતે બજારમાં મળી હતી.
ADVERTISEMENT
વિનુ ડૅનિયલ
કેરલના કોચી સ્થિત આર્કિટેક્ટ તેમના હિરો લૉરી બૅકરથી પ્રભાવિત છે તેમ જ ગાંધી વિચારને અનુસરે છે, જેમાં જણાવ્યા પ્રમાણે પાંચ માઇલના વર્તુળમાં મળતી સામગ્રીમાંથી બનાવવામાં આવતું ઘર આદર્શ ઘર છે. વિનુ ડૅનિયર ઘર બનાવવા માટે કાદવ અને કુદરતી કચરાનો ઉપયોગ કરે છે.