ઘણા સ્ટુડન્ટ્સ સોશ્યલ મીડિયા પરથી માત્ર પોસ્ટ્સ જ નહીં, કેટલાક તેમનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પણ ડિલીટ કરી રહ્યા છે.
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકામાં ભણવાનું વિચારી રહેલા ભારતીય સ્ટુડન્ટ્સ અત્યારે ચિંતાગ્રસ્ત છે, કારણ કે અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ માટે વીઝા મંજૂર કરતાં પહેલાં તેમનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ ચેક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ૨૦૨૩માં ૭ ઑક્ટોબરે હમાસના હુમલા પછી ઇઝરાયલે ગાઝા પર બૉમ્બમારો શરૂ કર્યા પછી ગયા વર્ષે અમેરિકાની કૉલેજોના કૅમ્પસમાં પૅલેસ્ટીનતરફી વિરોધ-પ્રદર્શનો અને યહૂદીવિરોધી પ્રદર્શનો થતાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
અકાઉન્ટ્સ પણ ડિલીટ
ADVERTISEMENT
આ નિર્ણય પછી અમેરિકન યુનિવર્સિટીઓમાં ભણવાનું વિચારી રહેલા ભારતીય સ્ટુડન્ટ્સમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને તેથી તેમણે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ ચેક કરવાનું શરૂ કરી દીધું છે. અરજદારોને ડર છે કે તેમની વીઝા-અરજીઓ નકારવા માટે એક સામાન્ય ટિપ્પણી અથવા હાનિકારક પોસ્ટ પણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે. ઘણા સ્ટુડન્ટ્સ સોશ્યલ મીડિયા પરથી માત્ર પોસ્ટ્સ જ નહીં, કેટલાક તેમનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પણ ડિલીટ કરી રહ્યા છે.
આવું શા માટે?
એક અહેવાલ મુજબ આઇવી લીગ યુનિવર્સિટીમાં માસ્ટર્સ પ્રોગ્રામ માટે પસંદગી પામેલી સ્ટુડન્ટે પોતાની ઇન્સ્ટાગ્રામ અને લિન્ક્ડઇન પ્રોફાઇલ ડિલીટ કરી દીધી છે. તેના વીઝા-કાઉન્સેલરે તેને ચેતવણી આપી હતી કે તેની રાજકીય પોસ્ટ્સ તેની વીઝા-અરજી માટે ખતરો બની શકે છે.
વીઝા-કાઉન્સેલરો જણાવી રહ્યા છે કે રાજકીય સક્રિયતાનો સહેજ પણ સંકેત અમેરિકાના વીઝા નકારવા તરફ દોરી શકે છે.
ડોનલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નવા વિદેશી સ્ટુડન્ટ્સના વીઝા પર પ્રતિબંધ મૂકી દીધો
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય વીઝા સ્થગિત કરવાની જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામમાં ભાગ લેવા આવનારાઓ પર પણ આ પ્રતિબંધ લાગુ પડશે. હાર્વર્ડ યુનિવર્સિટીએ આ એક્ઝિક્યુટિવ ઑર્ડરને બદલાની ભાવનાવાળો ગણાવ્યો હતો અને ખાતરી આપી હતી કે યુનિવર્સિટી એના આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સનું રક્ષણ કરશે.
આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન ઉચ્ચ શિક્ષણ પર અને ખાસ કરીને હાર્વર્ડ પર એની કડક કાર્યવાહી વધારી રહ્યું છે.
આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે હાર્વર્ડ અભ્યાસક્રમોમાં હાજરી આપવા માટે ફક્ત અથવા મુખ્યત્વે અમેરિકામાં પ્રવેશ કરવા માગતા વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પહેલાં ટ્રમ્પ સરકારે વિદેશમાં એના તમામ કૉન્સલર મિશનને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા માગતા વીઝા-અરજદારોની વધારાની ચકાસણી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
ડોનલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી સ્ટુડન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને કોર્ટે સ્ટે આપ્યો હતો.

