અમેરિકામાં સ્કિઝોફ્રેનિયાથી પીડાતા ગુજરાતી દીકરાએ હથોડો મારીને પિતાની હત્યા કરીને કહ્યું...
અભિજિત પટેલ
શિકાગોને અડીને આવેલા ગુજરાતીઓની સારીએવી વસ્તી ધરાવતા ઇલિનૉઇના શૉમ્બર્ગમાં સ્કિઝોફ્રેનિયાથી પીડાતા ૨૮ વર્ષના ભારતીય મૂળના અભિજિત પટેલે તેના ૬૭ વર્ષના પિતા અનુપમ પટેલની ઘરે હથોડાથી પ્રહાર કરીને હત્યા કરી હતી. તેની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં ૨૦થી ૬૦ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. તેણે પોલીસને કહ્યું હતું કે બાળપણમાં તેમણે મારી જાતીય સતામણી કરી હતી તેથી તેમને મારી નાખવાની મારી ધાર્મિક ફરજ છે. જોકે તેના આ દાવાને ડૉક્ટરો ભ્રામક માને છે. થૅન્ક્સગિવિંગ સપ્તાહના અંતે ૨૯ નવેમ્બરે આ બનાવ બન્યો હતો.
શું બની ઘટના?
હત્યાના દિવસે અનુપમ પટેલની પત્ની સવારે ૫.૪૨ વાગ્યે પતિ અને પુત્રને ઘરે મૂકીને કામ પર ગઈ હતી. અનુપમ પટેલને ડાયાબિટીઝ હોવાથી તેઓ નોકરી કરતા નહોતા અને તેમનું ગ્લુકોઝ મૉનિટર તેમની પત્નીના ફોન સાથે જોડાયેલું હતું. રોજ સવારે ૮ વાગ્યે તેઓ પત્નીને ગ્લુકોઝનું રીડિંગ આપવા ફોન કરતા હતા. એ દિવસે ૮ વાગ્યે ફોન ન આવતાં પત્ની ટેન્શનમાં મુકાઈ હતી. પતિનું ગ્લુકોઝ-લેવલ ઘટી રહ્યું હતું એ જોઈને તે ચિંતિત થઈ હતી. તેણે પતિ અને પુત્રનો ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ફોન ન લાગતાં ૧૦.૩૦ વાગ્યે ઘરે આવી હતી. તેણે ગૅરેજનો દરવાજો ખુલ્લો જોયો હતો. એ સમયે પુત્રે કહ્યું હતું કે મેં પપ્પાની સંભાળ લીધી છે અને તું અંદર જઈને જોઈ શકે છે.
ADVERTISEMENT
લોહીના ખાબોચિયામાં પતિ
પત્નીએ ઘરના બેડરૂમમાં પતિને લોહીથી લથપથ પથારીમાં પડેલા જોયા હતા અને પોલીસને ફોન કર્યો હતો. પોલીસ અને ઇમર્જન્સી સર્વિસે આવીને અનુપમ પટેલને મૃત જાહેર કર્યા હતા. પોલીસને ઘટનાસ્થળે એક હથોડો મળી આવ્યો હતો. અનુપમ પટેલના માથામાં ઓછામાં ઓછા બે ઘા થયા હતા, તેમની ખોપરીમાં ફ્રૅક્ચર થયું હતું અને તેમનું નાક તૂટી ગયું હતું.
અભિજિત પટેલની ટ્રીટમેન્ટ
અભિજિત પટેલ તબીબી સારવાર હેઠળ હતો. રેકૉર્ડ્સ દર્શાવે છે કે તેને સ્કિઝોફ્રેનિયા હોવાનું નિદાન થયું છે અને અગાઉ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અભિજિત પટેલને તેના પિતાનો સંપર્ક કરવાની મનાઈ હતી, કારણ કે તેણે અગાઉ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જોકે તેનાં માતા-પિતાએ તેને ઘરે રહેવાની મંજૂરી આપી હતી.


