ટ્રમ્પની યુદ્ધવિરામની અપીલ વચ્ચે ઈરાનમાં ઍરપોર્ટ બંધ; તેહરાન અને ઇસ્ફહાન પર ઇઝરાયલના ભીષણ હુમલા
ગઈ કાલે ઈરાન-ઇઝરાયલ વચ્ચે ફરીથી તંગદિલી સર્જાતાં તે અવિવની હૉસ્પિટલે દરદીઓને બન્કરમાં શિફ્ટ કર્યા હતા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અચાનક ઘર્ષણ વધતાં પશ્ચિમ એશિયામાં ફરી એક વાર યુદ્ધનાં વાદળો ઘેરાયાં છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં ઈરાનના ભારતીય દૂતાવાસે એક નવી અને કડક ટ્રાવેલ ઍડ્વાઇઝરી જાહેર કરી છે જેમાં ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ટાળવાની અને હાલ ત્યાં રહેતા ભારતીયોને ઉપલબ્ધ વાહનવ્યવહાર મારફત સત્વર દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવી છે.
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે બન્ને દેશોને તાત્કાલિક હુમલા રોકવાની અપીલ કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે યુદ્ધવિરામ અને હોર્મુઝની ખાડીને ફરી ખોલવા વિશે અમેરિકા અને ઈરાન ઐતિહાસિક કરારની અત્યંત નજીક છે. જોકે લેબૅનનના બૈરુત પરના હુમલાના વિરોધમાં ઈરાને ઇઝરાયલ પર ત્રણ તબક્કામાં રૉકેટમારો કર્યો હતો જેના જવાબમાં ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન, ઇસ્ફહાન અને તબરીઝ જેવાં સંવેદનશીલ શહેરો પર મોટા પ્રહાર કર્યા છે.
ADVERTISEMENT

ગઈ કાલે ઈરાને છોડેલી મિસાઇલને ઇઝરાયલ દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવતાં એ સિરિયાના નઝાહ વિસ્તારના ખુલ્લા ખેતરમાં ખાબકી હતી
આ ભીષણ પ્રહાર બાદ સુરક્ષાના કારણસર તેહરાનના મેહરાબાદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને પશ્ચિમી ઈરાનના કેરમાનશાહ ઍરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. યમનનાં બળવાખોર જૂથોએ પણ ઇઝરાયલના જાફા વિસ્તાર પર હુમલાનો દાવો કર્યો છે. ઈરાને હાલ લશ્કરી ઑપરેશન અટકાવવાની જાહેરાત કરી છે, પરંતુ ઇઝરાયલની પ્રતિક્રિયાની જાહેરાત હજી સુધી આવી નથી.
