૨૭ જાન્યુઆરીએ યુરોપના ૨૭ દેશો સાથે ભારતે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ૧૮ વર્ષની વાતચીત બાદ ગઈ કાલે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA) થઈ ગયું છે
યુરોપિયન યુનિયનના દેશોમાં ભારતનો ૯૯ ટકા સામાન ઓછી ટૅરિફ સાથે અથવા ટૅક્સ વિના વેચી શકાશે : ભારતે ઇમ્પોર્ટેડ લક્ઝરી કાર પરની ટૅરિફ ૧૧૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી, વર્ષમાં ૨.૫ લાખ કારની આયાત થશે; પ્રીમિયમ શરાબ પર ૧૫૦ ટકાને બદલે ૨૦ ટકા ટૅરિફ : યુરોપ અને ભારતમાં લાખો નોકરીઓનું સર્જન થશે : ૪૩,૦૦૦ કરોડ રૂપિયાની ટૅરિફમાં ઘટાડો થશે
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ૧૮ વર્ષની વાતચીત બાદ ગઈ કાલે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA) થઈ ગયું છે. ભારત અને EUના નેતાઓએ ગઈ કાલે સોળમી ભારત-EU સમિટમાં આ વિશે જાહેરાત કરી હતી. FTA પર હસ્તાક્ષર થયા બાદ EUનાં અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયને ખુશી દર્શાવી હતી અને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમે કરી બતાવ્યું છે. ‘મધર ઑફ ઑલ ટ્રેડ ડીલ્સ’ને અમે પૂરી કરી છે. યુરોપ અને ભારત વચ્ચેની મિત્રતા અમર રહે.’
ADVERTISEMENT
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ કરાર ભારત અને યુરોપમાં જનતા માટે મોટી તકો લાવશે. આ બે મુખ્ય અર્થતંત્રો વચ્ચે ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે.’
ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે EU બીજા નંબરે છે. બેઉ મળીને વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો લગભગ ૨૫ ટકા અને દુનિયાના કુલ વેપારમાં એક-તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.
શા માટે મહત્ત્વપૂર્ણ છે આ ટ્રેડ ડીલ?
ભારત-EU ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ માટેની વાટાઘાટો ૨૦૦૭માં શરૂ થઈ હતી પણ ૨૦૧૩ સુધી કૃષિ, ઑટો અને પેટન્ટ પર અનેક વિઘ્નો આવ્યાં હતાં. ૨૦૧૪થી ૨૦૨૦ સુધી કોઈ વાતચીત થઈ નહોતી અને ૨૦૨૧ બાદ ફરીથી વાતચીત શરૂ થઈ હતી. ૨૦૨૫ના ફેબ્રુઆરી મહિનામાં ડીલ ફાઇનલ થઈ હતી અને ગઈ કાલે આ ડીલ પૂરી થઈ હતી. આમ આ ભારતની સૌથી લાંબી ચાલતી વેપાર-વાટાઘાટોમાંની એક બની હતી. આ ટ્રેડ ડીલ બે અબજ લોકો માટે બજાર ઊભું કરશે. EU ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે, જેનો દ્વિપક્ષીય વેપાર ૧૩૫ અબજ ડૉલર (આશરે ૧૨,૩૯,૯૮૮ કરોડ રૂપિયા)થી વધુ છે.
યુરોપિયન કાર અને શરાબ સસ્તાં થશે
‘મધર ઑફ ઑલ ટ્રેડ ડીલ્સ’ ૨૦૨૭થી લાગુ થશે અને આ ટ્રેડ ડીલને કારણે ભારતમાં યુરોપિયન કાર જેવી કે BMW અને મર્સિડીઝ પરની ટૅરિફ ૧૧૦ ટકાથી ઘટીને ૧૦ ટકા કરવામાં આવશે. આ સિવાય યુરોપથી આવતો વાઇન અને શરાબ પણ ૧૫૦ ટકા ટૅરિફને બદલે માત્ર ૨૦ ટકા ટૅક્સ હેઠળ આવશે. પ્રોસેસ્ડ ફૂડ પરની ટૅરિફ નાબૂદ કરવામાં આવશે. સ્પિરિટ, બિઅર, પેઅર અને કિવી પરની ડ્યુટી ઘટાડવામાં આવશે; જ્યારે ફળોના રસ અને વનસ્પતિ તેલ પરની ટૅરિફ નાબૂદ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
ટ્રેડ ડીલ વિશે બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘૨૭ જાન્યુઆરીએ ભારતે યુરોપના ૨૭ દેશો સાથે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી રોકાણને પ્રોત્સાહન મળશે, નવી ભાગીદારી બનશે અને વૈશ્વિક સ્તર પર સપ્લાય-ચેઇન મજબૂત થશે. આ માત્ર ટ્રેડ ડીલ નથી પણ સમૃદ્ધિનો રોડ-મૅપ છે. હાલમાં દુનિયામાં વૈશ્વિક વ્યવસ્થામાં મોટી ગરબડ છે ત્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારો જરૂરી બની ગયો છે. EUના બે મોટા નેતાઓનો ભારત-પ્રવાસ નૉર્મલ ઘટના નથી. આ ભારત અને EUના સંબંધોમાં એક નવા યુગની શરૂઆત છે.’
ઍન્ટોનિયો કોસ્ટાએ કહ્યું, હું પ્રવાસી ભારતીય
EU કાઉન્સિલના અધ્યક્ષ ઍન્ટોનિયો કોસ્ટાએ પોતાનું ઓવરસીઝ ઇન્ડિયન કાર્ડ બતાવીને કહ્યું હતું કે ‘હું ભારતીય મૂળનો છું. મારો પરિવાર ગોવામાં રહેતો હતો. આમ ભારત સાથેનો મારો સંબંધ પ્રોફેશનલ જ નહીં પણ ભાવનાત્મક પણ છે.’
આ તો માત્ર શરૂઆત : EU કમિશનનાં વડા
EUનાં પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ભારત સાથે ‘મધર ઑફ ઑલ ટ્રેડ ડીલ્સ’ પૂરી કર્યા પછી એક નિવેદન બહાર પાડ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક તસવીર શૅર કરતી વખતે તેમણે લખ્યું હતું કે ‘યુરોપ અને ભારત આજે ઇતિહાસ રચી રહ્યાં છે. અમે બે અબજ લોકોનો મુક્ત વેપારક્ષેત્ર બનાવ્યો છે, જેનો બન્ને પક્ષોને લાભ થશે. આ ફક્ત શરૂઆત છે. આ ટ્રેડ ડીલથી દર વર્ષે આશરે ૪ અબજ યુરો (આશરે ૪૩,૦૦૦ કરોડ રૂપિયા)ની ટૅરિફ ઓછી થશે. ભારત અને યુરોપમાં લાખો લોકો માટે નોકરીની તકોનું નિર્માણ થશે. આ ટ્રેડ ડીલ દુનિયાને સંદેશ આપે છે કે વૈશ્વિક પડકારોનો સાચો જવાબ આપસી સહયોગમાં છે.’
આઠમી ટ્રેડ ડીલ
કેન્દ્રીય કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ આઠમી ટ્રેડ ડીલ થઈ છે.
EUનાં વડાંએ FTA હસ્તાક્ષર માટે અનામિકા ખન્નાનાં કુરતો-જૅકેટ પહેર્યાં
EUનાં વડાં ઉર્સુલા વોન ડેર લેયેને ‘મધર ઑફ ઑલ ટ્રેડ ડીલ્સ’ પર હસ્તાક્ષર માટે અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરાયેલો પોશાક પહેર્યો હતો. તેમણે ડીપ બ્લુ રંગનો સિલ્ક કુરતો-જૅકેટ પહેર્યાં હતાં, જેમાં 3D ડીટેલિંગ સાથે હાથથી બનાવેલાં લેસ કટ-આઉટ હતાં. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે તેમણે રાજેશ પ્રતાપ સિંહ દ્વારા ડિઝાઇન કરાયેલો બ્રૉકેડ બંધ ગળા કોટ પહેર્યો હતો.
ભારતને થનારો ફાયદો
ભારતનો લગભગ ૯૯ ટકા સામાન યુરોપિયન દેશોમાં ઓછા અથવા ટૅક્સ વિના વેચી શકાશે.
જ્વેલરી, કાપડ, માછલી અને ચામડાના સેક્ટરમાં ૩૩ અબજ ડૉલરની નિકાસને ફાયદો થશે. એના પર લાગતી ૧૦ ટકા ટૅરિફ નાબૂદ થશે.
કાર અને ઑટો સેક્ટરમાં છૂટ મર્યાદિત છે જેથી ભારતીય કંપનીઓને નુકસાન થાય નહીં. કુલ ૨.૫ લાખ કાર ભારતમાં આયાત કરવામાં આવશે.
દૂધ, અનાજ, પૉલ્ટ્રી અને ફળ-શાકભાજીને ટ્રેડ ડીલમાં સ્થાન નથી. આમ ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ભારતના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પ્રોફેશનલો અને એજ્યુકેશન સર્વિસિસને EUમાં મોટું બજાર મળશે.
યુરોપિયન માલ પર ૯૬.૬ ટકા ટૅરિફ ઘટાડવામાં આવી
‘મધર ઑફ ઑલ ટ્રેડ ડીલ્સ’માં ભારત દ્વારા આયાત કરવામાં આવતા લગભગ ૯૬.૬ ટકા યુરોપિયન માલ પરની ટૅરિફ ઘટાડવામાં આવશે. આનાથી દર વર્ષે ડ્યુટી પર ૪ અબજ
યુરો (આશરે ૪૩,૫૭૬ કરોડ રૂપિયા)ની બચત થશે અને કસ્ટમ્સ-પ્રક્રિયાઓ સરળ બનશે.
ડોનલ્ડ ટ્રમ્પે ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે ૭૭મા પ્રજાસત્તાક દિવસ પર ભારતના લોકો અને સરકારને શુભેચ્છાઓ પાઠવી હતી. ટ્રમ્પે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘અમેરિકાના લોકો વતી હું ભારત સરકાર અને ભારતના લોકોને ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અમેરિકા અને ભારત વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકશાહી દેશો તરીકે ઐતિહાસિક બંધન ધરાવે છે.’ બીજી તરફ અમેરિકન દૂતાવાસે ગયા વર્ષે વૉશિંગ્ટનની મુલાકાતનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પનો ફોટોગ્રાફ પણ શૅર કર્યો હતો.


