ભારતે બંગલાદેશને વધુ એક મોટો ઝટકો આપ્યો
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકારે શનિવારે બંગલાદેશી ઉત્પાદનોને ઉત્તર-પૂર્વ ભારત અને વિદેશમાં નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બંગલાદેશ ભારતીય નિકાસ પર નૉન-ટૅરિફ અવરોધો ઊભા કરી રહ્યું હતું જેને લઈને ભારતે આ નિર્ણય લીધો છે. ભારતનું આ પગલું બંગલાદેશ માટે મુશ્કેલીભર્યું સાબિત થઈ શકે છે. ભારતમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય હેઠળના વિદેશી વેપાર મહાનિર્દેશાલયે શનિવારે એક સૂચના જાહેર કરી છે એમાં કહેવામાં આવ્યું છે કે રેડીમેડ કપડાં, પ્લાસ્ટિક, લાકડાનાં ફર્નિચર, કાર્બોનેટેડ પીણાં, પ્રોસેસ થયેલી ખાવાની વસ્તુઓ, ફળના ઉપયોગવાળાં પીણાં, કપાસ અને કપાસના યાર્ડના કચરાને મેઘાલય, આસામ, ત્રિપુરા અને મિઝોરમ તથા પશ્ચિમ બંગાળના ફૂલબારી અને ચાંગરાબંધામાં ચેકપોસ્ટ દ્વારા ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે બંગલાદેશથી ભારતમાં માછલી, એલપીજી, ખાદ્ય તેલ અને ભૂકો કરેલા પથ્થરની આયાત પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ પ્રતિબંધ ભારત દ્વારા નેપાલ અને ભુતાનમાં બંગલાદેશની નિકાસ પર પણ લાગુ પડશે નહીં.


