સિડનીના કાર્યક્રમમાં ભવ્યાતિભવ્ય સ્વાગત બાદ નરેન્દ્ર મોદીએ આમ જણાવ્યું હતું
સિડનીમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયામાં રહેતા મૂળ ભારતીયોના કાર્યક્રમમાં ઑસ્ટ્રેલિયન પીએમ ઍન્થની અલ્બનીઝ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
સિડનીમાં ક્યુડોસ બૅન્ક અરેના ગઈ કાલે ‘મોદી મોદી’ના નારાથી ગુંજી ઊઠ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના પીએમ ઍન્થની અલ્બનીઝની સાથે સિડનીમાં ગઈ કાલે અહીં એક સ્પેશ્યલ કમ્યુનિટી ઇવેન્ટને સંબોધન કર્યું હતું. પરંપરાગત રીતે મોદીનું અહીં સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભવ્યાતિભવ્ય સ્વાગત બાદ પીએમ મોદીએ અહીં કહ્યું હતું કે ભારતના સંબંધોને સામાન્ય રીતે ‘3C’, ‘3D’ અને ‘3E’થી મૂલવવામાં આવે છે. જોકે હવે આ સંબંધો આ લેબલ્સથી પર થઈ ગયા છે. વડા પ્રધાને કહ્યું હતું કે ‘આ પહેલાં કહેવાતું હતું કે ભારત અને ઑસ્ટ્રેલિયાના સંબંધોની ‘3C’થી વ્યાખ્યા કરવામાં આવતી હતી. આ ‘3C’ છે કૉમનવેલ્થ, ક્રિકેટ અને કરી. એ પછી એમ કહેવામાં આવ્યું હતું કે આપણા સંબંધોની ‘3D’ - ડેમોક્રેસી, ડાયસપોરા અને દોસ્તીથી વ્યાખ્યા કરવામાં આવે છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે આપણા સંબંધો ‘3E’ - એનર્જી, ઇકૉનૉમી અને એજ્યુકેશન પર નિર્ભર છે, પરંતુ હું માનું છું કે ભારત અને ઑસ્ટ્રેલિયાના સંબંધો એનાથી વિશેષ છે, એનો આધાર પરસ્પર વિશ્વાસ અને પરસ્પર સન્માન છે.’
ADVERTISEMENT
સિડનીમાં ઇન્ડિયન કમ્યુનિટી પ્રોગ્રામને સંબોધતા પીએમ મોદી.
વડા પ્રધાને વધુ જણાવ્યું હતું કે ‘ભારત અને ઑસ્ટ્રેલિયાની લાઇફસ્ટાઇલ ભલે અલગ છે, પરંતુ આપણા બન્નેને યોગ કનેક્ટ કરે છે. આપણે ઘણા સમયથી ક્રિકેટના કારણે કનેક્ટેડ છીએ. હવે ટેનિસ અને ફિલ્મો પણ આપણને જોડી રહી છે. આપણે કદાચ અલગ-અલગ રીતે ફૂડ તૈયાર કરીએ છીએ, પરંતુ માસ્ટરશેફ હવે આપણને કનેક્ટ કરે છે.’
સિડનીમાં ઇવેન્ટ પહેલાં પીએમ મોદીના સ્વાગત માટે એક રેક્રીએશનલ ઍરક્રાફ્ટના બાષ્પ લિસોટા દ્વારા ‘વેલકમ મોદી’ આકાશમાં લખવામાં આવ્યું હતું.
વડા પ્રધાને ખાસ કરીને બન્ને દેશો વચ્ચેના ક્રિકેટના કારણે સંબંધોની પ્રશંસા કરી હતી અને ધ્યાન દોર્યું હતું કે ઑસ્ટ્રેલિયન સ્પિન લેજન્ડ શેન વૉર્નનું નિધન થયું હતું ત્યારે ભારતમાં કરોડો લોકો નિરાશ થયા હતા. વડા પ્રધાને જાહેર કર્યું હતું કે નવું ઇન્ડિયન કૉન્સ્યુલેટ ટૂંક સમયમાં બ્રિસબેનમાં શરૂ થશે.
ઑસ્ટ્રેલિયાના પીએમ ઍન્થની અલ્બનીઝે સિડનીના સબર્બ હૅરિસ પાર્કનું નામ બદલીને ‘લિટલ ઇન્ડિયા’ કર્યું છે. મોદી અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાને હૅરિસ પાર્કમાં તૈયાર કરવામાં આવનારા ‘લિટલ ઇન્ડિયા ગેટવે’નું સાથે મળીને ભૂમિપૂજન કર્યું હતું.
વડા પ્રધાને ઉપસ્થિત હજારો લોકોને ઑસ્ટ્રેલિયન પીએમ ઍન્થનીને ભારતીય વાનગીઓનો સ્વાદ માણવા માટે હૅરિસ પાર્ક લઈ જવા કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે ‘મેં સાંભળ્યું છે કે હૅરિસ પાર્ક ખાતે ચટકાઝ ‘ચાટ’ અને જયપુર સ્વીટ્સની જલેબી ખૂબ જ સ્વાદિષ્ટ છે. હું ઇચ્છું છું કે તમે મારા ફ્રેન્ડ ઑસ્ટ્રેલિયન પીએમ અલ્બનીઝને એ સ્થાને લઈ જાઓ.’
નરેન્દ્ર મોદી ‘ધ બૉસ’ છે : ઑસ્ટ્રેલિયન પીએમ
સિડનીમાં ક્યુડોસ બૅન્ક અરેનામાં એકત્ર હજારો લોકોના તાળીઓના ગડગડાટ વચ્ચે ઑસ્ટ્રેલિયાના પીએમ ઍન્થની અલ્બનીઝે પીએમ મોદીની લોકપ્રિયતાની સરખામણી લેજન્ડરી રૉકસ્ટાર બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનની સાથે કરી હતી. બ્રુસ તેમના ફૅન્સમાં ‘ધ બૉસ’ તરીકે જાણીતા છે. તેમણે કહ્યું હતું કે આ સ્ટેજ પર છેલ્લે મેં બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનને જોયા હતા અને વડા પ્રધાન મોદી જેટલું ભવ્ય સ્વાગત તેમનું નહોતું થયું. વડા પ્રધાન મોદી ‘ધ બૉસ’ છે.