ઍશિઝ ટેસ્ટ જોવા ગયેલા બ્રિટનના ભારતીય મૂળના વડા પ્રધાને વ્યક્ત કર્યો પોતાનો અનુભવ
શનિવારે લૉર્ડ્સના મેદાનમાં બ્રિટનના વડા પ્રધાન રિશી સુનક. તસવીર એ.એફ.પી.
ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન રિશી સુનકે ઇંગ્લૅન્ડમાં ઉછેર દરમ્યાન અનુભવેલા વર્ણભેદ વિશે વાત કરી હતી. આ વાત તેમણે લંડનના લૉર્ડ્સના ક્રિકેટ મેદાનમાં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ઍશિઝ ટેસ્ટમાં શનિવારે ખાસ હાજરી દરમ્યાન કરી હતી. ક્રિકેટપ્રેમી વડા પ્રધાન પાસે બીબીસીએ ‘ટેસ્ટ મૅચ સ્પેશ્યલ’ રેડિયો શો દરમ્યાન ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે તમામ સ્તરના ક્રિકેટમાં વર્ણભેદ, લિંગભેદ અને વર્ગભેદ બદલ માગેલી બિનશરતી માફી બદલ પ્રતિક્રિયા માગી આવી હતી. બીબીસીના ક્રિકેટ સંવાદદાતા જોનાથન ઍગન્યુના સવાલનો જવાબ આપતાં રિશી સુનકે કહ્યું કે ‘ક્રિકેટમાં મેં આ પ્રકારનો અનુભવ નથી કર્યો, પરંતુ મારા ઉછેર દરમ્યાન મેં વર્ણભેદનો અનુભવ કર્યો હતો, જે મને હંમેશાં કનડતો હતો. મારી નોકરી દરમ્યાન દરરોજ અને દર કલાકે, દર મિનિટે એનો અનુભવ કરતો હતો.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘ઇન્ડિપેન્ડન્ટ કમિશન ફૉર ઇક્વિટી ઇન ક્રિકેટનો રિપોર્ટ ઘણો દુખદ હતો. એ વાંચતાં મારા જેવો ક્રિકેટપ્રેમી ઉદાસ થઈ ગયો હતો. આપણે બધા જેઓ આ રમતને પ્રેમ કરીએ છે એ ઇચ્છીએ છીએ કે આ બધાને માટે સુલભ હોય, કોઈ પણ પરિસ્થિતિમાંથી આવતા લોકોનું સ્વાગત કરે એવી જગ્યા બને. જ્યાં દરેકને આદર અને સમર્થનનો અનુભવ થાય. મને વિશ્વાસ છે કે ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડ એના નિષ્કર્ષનો યોગ્ય રીતે જવાબ આપે. જોકે એક વાતનો મને દિલાસો છે કે હું જ્યારે બાળક હતો ત્યારે મારી સાથે જ બન્યું હતું એ મારાં બાળકો સાથે બનતું હશે એવું મને નથી લાગતું.’
રિશી સુનકે તેઓ પોતે કઈ રીતે હૅમ્પશર કાઉન્ટીની રમતને જોઈને ક્રિકેટના પ્રેમમાં પડ્યા એ વિશે પણ વાત કરી હતી. ગયા સપ્તાહે તેમણે પોતાના ઘરે યોજેલા રિસેપ્શન દરમ્યાન પોતાની બોલિંગ-ઍક્શનની મજાક ઉડાડી હતી.


