જૅક ડૉર્સીની આ પેમેન્ટ્સ ફર્મ અપરાધીઓને ઓળખ છુપાવીને અનેક અકાઉન્ટ્સ દ્વારા અપરાધ આચરવા માટે છૂટો દોર આપતી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો

પેમેન્ટ્સ કંપની બ્લૉકનો સીઈઓ જૅક ડૉર્સી.
ન્યુ યૉર્ક ઃ હિંડનબર્ગ રિસર્ચે ગઈ કાલે અબજોપતિ જૅક ડૉર્સીની પેમેન્ટ્સ ફર્મ બ્લૉક ઇન્કને ટાર્ગેટ કરી હતી. હિંડનબર્ગે આરોપ મૂક્યો છે કે બ્લૉક ઇન્કે એનાં યુઝર અકાઉન્ટ્સની સંખ્યા વધારે બતાવી છે અને કસ્ટમર્સને મેળવવા માટેનો એનો ખર્ચ ઓછો બતાવ્યો છે.
આ અમેરિકન શૉર્ટ-સેલરે એના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્લૉકના ભૂતપૂર્વ કર્મચારીઓનો અંદાજ છે કે તેમણે સમીક્ષા કરેલાં એનાં ૪૦થી ૭૫ ટકા અકાઉન્ટ્સ ફેક હતાં, ફ્રૉડમાં સામેલ હતાં કે પછી અનેક વધારાનાં અકાઉન્ટ્સ એક જ વ્યક્તિના નામે હતાં.
આ નોંધમાં વધુ જણાવવામાં આવ્યું છે કે બ્લૉકના બિઝનેસની સફળતાનું મૅજિક જબરદસ્ત ઇનોવેશન નથી, પરંતુ એના બદલે કન્ઝ્યુમર્સ અને સરકારની વિરુદ્ધ કંપની ફ્રૉડ કરવા માટે અપરાધીઓને આપવામાં આવેલો છૂટો દોર છે. એ રેગ્યુલેશનને અનુસરતું નથી. ખોટા ડેટા રજૂ કરીને આ કંપની ઇન્વેસ્ટર્સને ગેરમાર્ગે દોરે છે.’
આ એજન્સીએ જણાવ્યું હતું કે એણે અનેક ભૂતપૂર્વ કર્મચારીઓ, પાર્ટનર્સ અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સના ઇન્ટરવ્યુ કર્યા હતા અને આ કંપનીને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આ રિપોર્ટ જાહેર થયા બાદ બ્લૉકના સ્ટૉક્સમાં ઘટાડો થયો હતો.
આ રિપોર્ટ અનુસાર બ્લૉક ઓળખ છુપાવીને અનેક અકાઉન્ટ્સ બનાવતાં અને અન્ય કૌભાંડો આચરતાં ક્રિમિનલ્સની વિરુદ્ધ કોઈ રીતે ઍક્શન ન લઈને મદદ કરે છે. જો કોઈ યુઝર ફ્રૉડ કે કોઈ પ્રતિબંધિત ઍક્ટિવિટીમાં પકડાય તો બ્લૉક અકાઉન્ટને બ્લૅકલિસ્ટ કરે છે, પરંતુ યુઝર પર પ્રતિબંધ મૂકતું નથી.
નોંધપાત્ર છે કે હિંડનબર્ગ રિસર્ચે ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે ‘ટૂંક સમયમાં નવો રિપોર્ટ. વધુ એક મોટો ઘટસ્ફોટ.’ જેના પછી જુદી-જુદી અટકળો લગાવવામાં આવી હતી. હિંડનબર્ગ હેજ ફન્ડ નથી. એ પોતાને ફૉરેન્સિક રિસર્ચ આઉટફિટ ગણાવે છે, જે પોતાની મૂડીથી સંચાલિત છે. આ સંસ્થાને નેટ ઍન્ડરસન દ્વારા ચલાવવામાં આવે છે.
હિંડનબર્ગ રિસર્ચના આ પહેલાંના રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં એની પીકની સરખામણીમાં લગભગ ૬૦ ટકાનો ઘટાડો થયો છે સાથે જ ભારતના રાજકારણમાં હંગામો મચી ગયો. આ અમેરિકન શૉર્ટ સેલરે ૨૪ જાન્યુઆરીએ ૧૦૬ પાનાંના રિપોર્ટથી અદાણી ગ્રુપ પર અટૅક કર્યો હતો. આ રિપોર્ટમાં વિવિધ નાણાકીય ગેરરીતિના આરોપો મૂકવામાં આવ્યા હતા.