અમેરિકામાં ૫૦ રાજ્યોની ડેરીમાં આ વાઇરસનો ચેપ
H5N1 ઇન્ફ્લુએન્ઝા વાઇરસ
અમેરિકાના અનેક વિસ્તારોમાં છેલ્લા થોડા મહિનાથી H5N1 એવિયન ઇન્ફ્લુએન્ઝા વાઇરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સામાન્ય ભાષામાં એને બર્ડ ફ્લુ કહેવામાં આવે છે. અમેરિકાના પચાસથી વધારે વિસ્તારોનાં ડેરી ફાર્મમાં આ વાઇરસના ૧૦૦૦ કેસ નોંધાયા છે. પક્ષી અને સસ્તન પ્રાણીઓમાંથી આ વાઇરસ ઝડપથી માણસોમાં ફેલાય છે. આ વાઇરસનો ૭૦ લોકોને ચેપ લાગ્યો છે અને એક વ્યક્તિએ આ વાઇરસના સંક્રમણથી જીવ ગુમાવ્યો છે એને પગલે અમેરિકાના સેન્ટર ફૉર ધ ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC)એ લોકોને અલર્ટ કર્યા છે.
આ સંદર્ભમાં અમેરિકાના CDCએ જણાવ્યું છે કે ‘એક માણસથી બીજા માણસને આનો ચેપ લાગવાની શક્યતા નહીંવત્ છે. માણસોને આનો ખતરો ઓછો છે, પણ ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. જે પક્ષી કે પ્રાણીને આ રોગ થયો હોય એના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ.’ વૈજ્ઞાનિકોના જણાવવા મુજબ બર્ડ ફ્લુ વાઇરસના મ્યુટેશનને કારણે કેસ વધી રહ્યા છે. વાઇરસે એનું સ્વરૂપ બદલ્યું છે. આ રોગનાં લક્ષણોમાં સામાન્ય તાવ, ખાંસી, ગળામાં સોજો અને માંસપેશીમાં દુખાવો મુખ્ય છે.
