આ ઇન્ટેલિજન્સ એજન્સીના એજન્ટ્સે ઉગ્રવાદીઓને ચેતવ્યા હતા કે તેમના જીવને કદાચ જોખમ રહેલું છે
ફાઇલ તસવીર
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત અને કૅનેડાની વચ્ચે તણાવ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકન ન્યુઝ પોર્ટલ ‘ધ ઇન્ટરસેપ્ટ’ના એક રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે એફબીઆઇ (ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના એજન્ટ્સ અમેરિકામાં ખાલિસ્તાનીઓને મળ્યા હતા અને ચેતવ્યા હતા કે તેમના જીવને કદાચ જોખમ છે.
પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઇગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની ૧૮ જૂને કૅનેડાના સુર્રેમાં એક ગુરુદ્વારાની બહાર અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાને લઈને ભારત અને કૅનેડા વચ્ચે ફાઇટ શરૂ થઈ ગઈ છે, કેમ કે કૅનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સોમવારે આરોપ મૂક્યો હતો કે આ હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણી છે. ભારતે આ આરોપને હાસ્યાસ્પદ અને બદઇરાદાથી પ્રેરિત ગણાવ્યો હતો.
ADVERTISEMENT
નોંધપાત્ર છે કે રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસના એજન્ટ્સે ખાસ કરીને નિજ્જરની સાથે વાત કરીને તેના જીવનને જોખમ હોવાનું કહીને તેને ચેતવ્યો હતો.
આ સિખ લીડર્સને ચેતવવામાં આવ્યા હતા
૧) અમેરિકન સિખ કૉકસ કમિટી માટેના કો-ઑર્ડિનેટર પ્રીતપાલ સિંહે ‘ધ ઇન્ટરસેપ્ટ’ને જણાવ્યું હતું કે કૅલિફૉર્નિયામાં તેને અને અન્ય બે સિખ અમેરિકન્સને એફબીઆઈ તરફથી કૉલ્સ આવ્યા હતા અને એના એજન્ટ્સ તેમને મળ્યા હતા. તેણે કહ્યું હતું કે ‘જૂનના અંતમાં એફબીઆઇના બે સ્પેશ્યલ એજન્ટ્સ મને મળ્યા હતા. તેમણે મને જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે મારી લાઇફને ખતરો છે. જોકે તેમણે અમને ચોક્કસ નહોતું જણાવ્યું કે અમને કોનાથી ખતરો છે, પરંતુ તેમણે કહ્યું હતું કે મારે અલર્ટ રહેવું જોઈએ.’
૨) અન્ય બે સિખ અમેરિકન્સે નામ ન આપવાની શરતે કન્ફર્મ કર્યું હતું કે એફબીઆઇના એજન્ટ્સ જે સમયે પ્રીતપાલ સિંહને મળ્યા હતા લગભગ એ જ સમયે એફબીઆઇના એજન્ટ્સ તેમને મળ્યા હતા.
૩) બ્રિટિશ કોલંબિયા ગુરુદ્વારા કાઉન્સિલ માટેના પ્રવક્તા મોનિન્દર સિંહે કહ્યું હતું કે જૂનમાં નિજ્જરની હત્યા કરવામાં આવી એના પહેલાં કૅનેડિયન ઇન્ટેલિજન્સ અધિકારીઓએ ખાલિસ્તાનીઓને ચેતવણી આપી હતી કે તેમના જીવને જોખમ છે. મોનિન્દરે કહ્યું હતું કે ‘તેમણે અમને જણાવ્યું હતું કે અમારી ટૂંક સમયમાં જ હત્યા થઈ જવાનું જોખમ છે, પરંતુ તેમણે ચોક્કસ ક્યારેય નહોતું કહ્યું કે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ તરફથી ખતરો છે કે પછી તેમણે એમ પણ નહોતું જણાવ્યું કે અમને ક્યાંથી ખતરો છે.’


