૨૦ મેએ ૮૦૦૦ નોકરિયાતોને પહેલા ફેઝમાં દૂર કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સની પેરન્ટ કંપની મેટા પ્લૅટફૉર્મ્સ આગામી મહિનાઓમાં ૧૬,૦૦૦ જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે. આમાંથી ૨૦ મેએ ૮૦૦૦ કર્મચારીઓને પહેલા તબક્કામાં છૂટા કરવામાં આવશે. આશ્ચર્યજનક રીતે આ છટણી એવા સમયે થઈ રહી છે જ્યારે કંપનીએ ગયા વર્ષે ૨૦૦ અબજ ડૉલરથી વધુની આવક કરી હતી અને લગભગ ૬૦ અબજ ડૉલરનો આશ્ચર્યજનક નફો કર્યો હતો. મેટાએ ૨૦૨૨-’૨૩માં પણ ૨૧,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી. પ્રારંભિક તબક્કામાં મેટા એના વૈશ્વિક કાર્યબળના આશરે ૧૦ ટકા સ્ટાફને ઓછો કરવા માગે છે.
જોકે મેટામાંથી પાણીચું આપવાની વાત એકદમ અણધારી નથી. મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગે છેલ્લા એક વર્ષમાં કંપનીની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), જનરેટિવ ટૂલ્સથી લઈને મોટા પાયે મશીન લર્નિંગ સિસ્ટમ્સને શક્તિ આપતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી બનવાની મહત્ત્વાકાંક્ષા પર વારંવાર ભાર મૂક્યો છે. આ પરિવર્તનને ટેકો આપવા માટે મેટાએ મોટા પાયે બજેટ પણ વધારી દીધું છે, જેનો અંદાજ વર્ષ માટે આશરે ૧૩૫ અબજ ડૉલર છે. એમાંથી મોટા ભાગનો હિસ્સો ડેટા સેન્ટર્સ, ચિપ્સ અને સૉફ્ટવેર ડેવલપમેન્ટ જેવાં AI સંબંધિત રોકાણો માટે રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
૯૫ ટેક કંપનીમાં ૭૩,૦૦૦ને પાણીચું
આ વર્ષે અત્યાર સુધીમાં ૯૫ કંપનીઓમાં વૈશ્વિક સ્તરે ૭૩,૦૦૦થી વધુ ટેક કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. ઍમૅઝૉને તાજેતરના મહિનાઓમાં લગભગ ૩૦,૦૦૦ કૉર્પોરેટ વર્કફોર્સને દૂર કરી દીધી છે, જે એના વાઇટ કૉલર વર્કફોર્સના લગભગ ૧૦ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય ફિનટેક ફર્મ બ્લૉકે એના વર્કફોર્સમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
