હાલમાં મસ્ક ૧૪ બાળકોના પિતાઃ પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મની મદદથી સંભાવિત માતાઓને શોધી રહ્યા હોવાનો ન્યુઝપેપરનો દાવો
ઇલોન મસ્ક
દુનિયાના સૌથી શ્રીમંત માણસ ઈલૉન મસ્ક દુનિયાભરમાં બાળકોની ફોજ બનાવવા ચાહે છે અને એના માટે તેમણે જપાનની એક મહિલાને પોતાનું વીર્ય મોકલાવી આપ્યું છે. ટેસ્લા, સ્પેસઅૅક્સ, સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X જેવી કંપનીઓના માલિક મસ્ક બાળકોની ફોજ બનાવવા માટે સંભાવિત માતાઓની ભરતી કરવા માટે પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી રહ્યા છે. બાળકો પેદા કરવાની પ્રક્રિયામાં તેજી લાવવા માટે તેઓ સરોગેટ મધર્સનો પણ ઉપયોગ કરવા માગે છે. આવો અહેવાલ ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’માં પ્રકાશિત થયો છે. ઈલૉન મસ્ક મહિલાઓને રૂપિયા આપીને સખત ગુપ્તતાના કરારનામા પર સહી કરાવી રહ્યા છે.
ઇલૉન મસ્કે ચાર મહિલા સાથે મળીને કુલ ૧૪ બાળકો પેદા કર્યાં છે. જોકે કહેવાય છે કે બાળકોની વાસ્તવિક સંખ્યા એનાથી પણ વધારે હોઈ શકે છે. ન્યુઝપેપરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જપાનના અધિકારીઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યા બાદ મસ્કે એક હાઈ પ્રોફાઇલ જપાની મહિલાને પોતાના સ્પર્મ ઉપલબ્ધ કરાવ્યા હતા.


