અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મૅગેઝિને બુધવારે વર્ષ ૨૦૨૫ માટે દુનિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી હતી
ઇલોન મસ્ક અને ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મૅગેઝિને બુધવારે વર્ષ ૨૦૨૫ માટે દુનિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ઈલૉન મસ્ક જેવી હસ્તીઓ સાથે બંગલાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મૅગેઝિનમાં યુનુસનાં વખાણ કરતાં લખવામાં આવ્યું છે કે ગયા વર્ષે એક વિદ્યાર્થી-નેતૃત્વવાળા વિદ્રોહે બંગલાદેશના તાનાશાહી વડા પ્રધાનને દૂર કરી દીધા, જેનાથી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને દેશને લોકશાહી તરફ લઈ જવાની તક મળી.
૮૪ વર્ષના મોહમ્મદ યુનુસ આ યાદીમાં સૌથી વૃદ્ધ નામ છે. જોકે ભારતીય મૂળની રેશમા કેવલરામાણીને આ યાદીમાં સ્થાન મળ્યું છે, પરંતુ તે ભારતીય નાગરિક નથી. તે અમેરિકા ગઈ ત્યારે માત્ર ૧૧ વર્ષની હતી. હવે તે અમેરિકાની એક પ્રખ્યાત બાયોટેક્નૉલૉજી કંપનીની CEO છે.
ગયા વર્ષે આ યાદીમાં આલિયા ભટ્ટ અને રેસલર સાક્ષી મલિકનું નામ હતું.
ADVERTISEMENT
શું છે ટાઇમ 100 યાદી?
ટાઇમ 100 યાદી દુનિયાભરની પ્રભાવશાળી વ્યક્તિઓને તેમના પ્રભાવ અને નેતૃત્વ માટે સન્માનિત કરે છે. રાજકારણ, મનોરંજન, વિજ્ઞાન અને વ્યાપાર સહિતનાં ક્ષેત્રોની અનેક વૈશ્વિક હસ્તીઓનાં નામ આ યાદીમાં સામેલ કરવામાં આવે છે.

