મસ્કે જણાવ્યું કે તેમની બ્રેઇન ચિપ કંપની ન્યુરાલિન્ક દ્વારા ડેવલપ કરવામાં આવેલા વાયરલેસ ડિવાઇસનું ૬ મહિનામાં માણસો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવાની અપેક્ષા, આ મામલે કેસ પણ થયો છે

ઇલૉન મસ્કની કંપની ન્યુરાલિન્કની ટ્રાયલમાં પાર્ટિસિપેટ કરનાર વાંદરો
અબજોપતિ ઇલૉન મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે તેમની બ્રેઇન ચિપ કંપની ન્યુરાલિન્ક દ્વારા ડેવલપ કરવામાં આવેલા વાયરલેસ ડિવાઇસનું ૬ મહિનામાં માણસો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવાની અપેક્ષા છે, જેમાં સૌપ્રથમ ઍપ્લિકેશન ગુમાવેલી દૃષ્ટિ પાછી મેળવવાનું છે. જોકે નોંધપાત્ર વાત એ છે કે આ બ્રેઇન ચિપનું વાંદરા પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું ત્યારે એમાંથી કેટલાકનાં મોત થયાં હતાં.
જોકે ન્યુરાલિન્ક ટેક્નૉલૉજીએ વિડિયો-ગેમ રમતા વાંદરાની ટેસ્ટનો વિડિયો રજૂ કર્યો તો દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
ન્યુરાલિન્કે આ પ્રોજેક્ટ દરમ્યાન વાંદરાના મોતની વાત સ્વીકારી છે, પરંતુ પ્રાણીઓ પર ક્રૂરતા આચરવામાં આવી હોવાની વાત ફગાવી દીધી છે.
ટ્વિટરના બૉસ કહે છે કે તેઓ દિવ્યાંગ લોકોને ચાલવામાં, ફરીથી કમ્યુનિકેટ કરવામાં અને દૃષ્ટિ ગુમાવનારા લોકોને દૃષ્ટિ પાછી મેળવવામાં મદદ કરી શકે એવું ઇમ્પ્લાન્ટ ડેવલપ કરવા ઇચ્છે છે.
ન્યુરાલિન્ક ઇન્ટરફેસ સૉફ્ટવેરની માણસો પરની ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત આવતા વર્ષે થશે.
સૅન ફ્રાન્સિસ્કો બે એરિયા અને ઑસ્ટિન, ટેક્સસ સ્થિત ન્યુરાલિન્ક પ્રાણીઓ પર ટેસ્ટ કરી રહ્યું છે. એ અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન પાસેથી અપ્રૂવલ મેળવવા ઇચ્છે છે.
જોકે તાજેતરમાં ઍક્ટિવિસ્ટ્સે કાયદાકીય કેસ કરીને દાવો કર્યો હતો કે આ પહેલાંની ટ્રાયલમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાંદરા પર ભયાનક અત્યાચાર ગુજારવામાં આવ્યા હોવાના એની પાસે પુરાવા છે.
ધ ફિઝિશ્યન્સ કમિટી ફૉર રિસ્પૉન્સિબલ મેડિસિને આ વર્ષની શરૂઆતમાં અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરમાં ડૉક્યુમેન્ટ્સ સાથે દાવો માંડ્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. એક વાંદરાની ખોપડીમાં કાણું હતું.
વાંદરાઓ તેમના વિચારથી ટેક્નૉલૉજીને કન્ટ્રોલ કરી શકે છે કે નહીં એ જોવા માટે તેમના માથામાં ન્યુરાલિન્કની બ્રેઇન ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી હતી. જોકે આ એક્સપરિમેન્ટમાં ૨૩માંથી ૧૫ વાંદરા મૃત્યુ પામ્યા હતા.
એક કેસમાં એક વાંદરાની હાથ અને પગની આંગળીઓ ગાયબ થઈ ગઈ હતી. એટલે એ પોતે ચાવી ગયો હશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

