ઇલૉન મસ્કે ટ્વિટરના લોગોની નવી ડિઝાઇન શૅર કરી
ટ્વિટરના બ્લુ બર્ડને ગુડબાય
સૅન ફ્રાન્સિસ્કોઃ ઇલૉન મસ્કે ટ્વિટરની કામ કરવાની સ્ટાઇલને બદલી નાખી છે અને તેમણે આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને ટેકઓવર કર્યું ત્યારથી હવે તેઓ સૌથી મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. આ અબજોપતિએ ટ્વિટરનો લોગો અને બ્રૅન્ડ-નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે.
મસ્કે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘ટૂંક સમયમાં આપણે ટ્વિટરની અત્યારની બ્રૅન્ડને ગુડબાય કહીશું અને ધીરે-ધીરે તમામ પક્ષીઓને.’ બ્રૅન્ડ ‘એક્સ’ તરીકે ઓળખાશે. મસ્કે ટ્વિટરને હસ્તગત કરી એ પછી તરત જ તેઓ એના વિશે વાત કરતા હતા. મસ્કે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટરની પેરન્ટ કંપનીનું નામ એક્સ કૉર્પ રાખ્યું છે. જે એક્સ હૉલ્ડિંગ્ઝ કૉર્પની સંપૂર્ણપણે માલિકીની પેટાકંપની છે. જેની માલિકી પણ મસ્કની છે. તેમણે બાદમાં બ્લૅક બૅકગ્રાઉન્ડમાં બ્લુ બર્ડનો એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. જે નવા લોગોની હિન્ટ હોય એમ જણાતું હતું.
જોકે લગભગ એક કલાક બાદ મસ્કે એક ટૂંકી ક્લિપ પોસ્ટ કરી હતી જે કદાચ આ સોશ્યલ મીડિયા કંપનીનો નવો લોગો હોઈ શકે છે. આ ક્લિપમાં આઇકૉનિક બ્લુ બર્ડ ઝડપથી ગાયબ થઈને બ્રાઇટ અને ચમકતા ‘એક્સ’માં ફેરવાઈ જાય છે. મસ્કને સવાલ કરવામાં આવ્યો કે ટ્વિટરનો લોગો બદલાશે તો એના જવાબમાં મસ્કે લખ્યું હતું કે ‘હા, ઘણા સમય પહેલાં જ એમ થઈ જવું જોઈતું હતું.’


