બે નવાં લક્ષણો છે ઊબકા આવવા અને ભૂખ ન લાગવી
પ્રતીકાત્મક તસવીર
ઓમાઇક્રોન ટૂંક સમયમાં આખી દુનિયામાં ફેલાઈ ગયો છે ત્યારે વધુને વધુ સંશોધકો એની લોકો પરની અસરોને સારી રીતે સમજવાની કોશિશ કરી રહ્યા છે. હવે જ્યાં ઓમાઇક્રોનના
મોટા પ્રમાણમાં કેસ આવ્યા છે એવા યુકેના એક સંશોધકે બે નવાં લક્ષણોની ઓળખ કરી છે જે સામાન્ય રીતે કોરોના વાઇરસના દરદીઓમાં જોવા મળતાં નથી. કિંગ્સ કૉલેજ લંડન ખાતે જિનેટિક એપિડેમિયોલૉજીના પ્રોફેસર ટિમ સ્પેક્ટર અનુસાર આ બે નવાં લક્ષણો છે ઊબકા આવવા અને ભૂખ ન લાગવી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાની વૅક્સિન લેનારા જ નહીં બૂસ્ટર શૉટ લેનારા દરદીઓમાં પણ કેટલાંક લક્ષણો જોવાં મળ્યાં છે. એમાંથી કેટલાકને ઊબકા, સહેજ તાવ, ગળામાં દુખાવો અને માથાનો દુખાવો રહ્યા છે. અમેરિકામાં સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ અનુસાર ઓમાઇક્રોનનાં સામાન્ય લક્ષણો કફ, થાક, નાક બંધ થવું અને નાક વહેવું છે. ડાયગ્નૉસ્ટિક કંપની ઇનસેલડીએક્સ માટે કામ કરતા ડૉ. બ્રુસ પેટરસન અનુસાર આ પહેલાંના વેરિઅન્ટ્સની સરખામણીમાં ઓમાઇક્રોનના દરદીઓ સ્વાદ પારખવાની અને સૂંઘવાની ક્ષમતા ગુમાવતા હોવાનું ખાસ તેમના ધ્યાનમાં આવ્યું નથી.
