સ્થાનિક ભારતીયો માટે આ પગલું ભરનારું પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટ પછી ત્રીજું રાજ્ય બન્યું
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના કૅલિફૉર્નિયામાં હવે દિવાળીના દિવસે જાહેર રજા રહેશે. ભારતીય તહેવાર દિવાળીની રજા આપતું કૅલિફૉર્નિયા ત્રીજું અમેરિકન રાજ્ય બન્યું છે. કૅલિફૉર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે બિલ પસાર કરીને દિવાળીના દિવસે કાયદેસર રજા આપવાની જાહેરાત કરી હતી. જોકે આ બિલ પહેલી જાન્યુઆરી, ૨૦૨૫થી અમલમાં આવશે. બિલમાં જણાવાયા મુજબ સરકારી સ્કૂલ અને કૉલેજોના વિદ્યાર્થીઓને દિવાળીના દિવસે રજા લેવાનો વિકલ્પ મળશે. સરકારી કર્મચારીઓને પણ આ દિવસે રજા લેવાનો વિકલ્પ રહેશે જે પેઇડ લીવ રહેશે.
આ બિલ માટે સેન જોના એસેમ્બલી મેમ્બર ઍશ કાલરા અને સેન ડિયેગોનાં દર્શના પટેલનો મત લેવામાં આવ્યો હતો. કૅલિફૉર્નિયામાં આશરે ૧૦ લાખ ભારતીયો વસે છે. અમેરિકાની વસ્તીમાં ભારતીયોની સંખ્યાના ૨૦ ટકા ભારતીયો કૅલિફૉર્નિયામાં વસે છે. તેથી ભારતીયોના મુખ્ય તહેવાર દિવાળીના દિવસે રજા જાહેર કરવાના પ્રસ્તાવને કૅલિફૉર્નિયાના ગવર્નરે મંજૂરી આપી હતી. સાથે જ સિખ, જૈન અને બુદ્ધ કમ્યુનિટીના લોકો માટે પણ આ નોટિસ માન્ય રહેશે.
ADVERTISEMENT
અગાઉ પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટ રાજ્યોમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. દિવાળીની રજા આપતું કૅલિફૉર્નિયા હવે અમેરિકાનું ત્રીજું રાજ્ય બન્યું છે. આ નિર્ણયથી પેઢીઓથી અમેરિકામાં વસતા ભારતીયો વધુ ખુશ છે, કારણ કે તેમની પરંપરા અને તહેવાર સાથે જોડાવાની તેમને તક મળશે.


