ચીન ભારત સાથે વૉટર-વૉર લડવા સજ્જ થઈ રહ્યું છે, ડ્રૅગન કન્ટ્રી વધુ એક ડૅમ બાંધી રહ્યો હોવાની વિગતો આવી છે, જિનપિંગે સૈનિકોને અલર્ટ અને રેડી રહેવાનો આદેશ આપ્યો

પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ કોરોના મહામારી વિરુદ્ધની જંગ તેમ જ આર્થિક મુશ્કેલીઓ છતાં પણ ચીને ભારતની વિરુદ્ધ યુદ્ધ કરવા માટેની તૈયારીઓ જોરશોરથી ચાલુ જ રાખી છે. ચીન ભારત અને નેપાલ સાથેની એની સરહદોના ટ્રાઇ-જંક્શનની નજીક ગંગાની એક ઉપનદી પર તિબેટમાં એક નવો ડૅમ બાંધી રહ્યું છે, જેનો ઉપયોગ નીચેની તરફ પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કરી શકાય.
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે થોડા દિવસ પહેલાં જ ચીનની આવી જ એક હરકત બહાર આવી હતી. ચીને યારલુંગ ઝાંગબો નદીના નીચાણવાળા ભાગ પર તિબેટમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક એક સુપરડૅમ બનાવવાની યોજના બનાવી છે. આ નદી અરુણાચલ પ્રદેશમાં સિયાંગ તરીકે અને એ પછી આસામમાં બ્રહ્મપુત્રા તરીકે વહે છે. ચીન આ ડૅમથી અરુણાચલ પ્રદેશ અને આસામમાં પૂર કે પછી જળસંકટની સ્થિતિ સર્જી શકે છે. એટલું જ નહીં, ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાના પૂર્વીય અને પશ્ચિમ સેક્ટરમાં સિવિલ અને મિલિટરી એમ બેવડા ઉપયોગ માટે મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે.
ADVERTISEMENT
ગ્લોબલ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન ઇન્ટેલ લૅબ્સના જિયોસ્પેશ્યલ ઇન્ટેલિજન્સ રિસર્ચર ડેમિયન સીમોને ગુરુવારે સૅટેલાઇટ ઇમેજિસ ટ્વીટ કરી હતી, જેમાં તિબેટની બુરાંગ કાઉન્ટીમાં માબ્જા ઝાંગબો નદી પર ચીન દ્વારા ડૅમ માટે બાંધકામ થતું જોવા મળ્યું હતું. નદીના માર્ગમાં અવરોધ અને જળાશયની રચના આ ઇમેજિસમાં જોવા મળે છે.
માબ્જા ઝાંગબો નદી નેપાલમાં ઘાઘરા અથવા કરનાલી નદીમાં વહે છે અને છેવટે ભારતમાં ગંગામાં ભળી જાય છે. સીમોને કહ્યું હતું કે ભારત અને નેપાલ સાથેની ચીનની બૉર્ડરના ટ્રાઇજંક્શનથી થોડા કિલોમીટરના અંતરે જ આ ડૅમ આવેલો છે.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે ૧૮મી જાન્યુઆરીએ ભારત-ચીન બૉર્ડર પર તહેનાત પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની સાથે વિડિયો-લિન્ક દ્વારા વાતચીત કરી હતી. એક રિપોર્ટમાં જણાવાયું હતું કે જિનપિંગે બીજિંગમાં પીપલ્સ લિબરેશન આર્મીના હેડક્વૉર્ટ્સમાંથી શિનજિયાંગ મિલિટરી કમાન્ડ હેઠળના કુંજેરબમાં બૉર્ડર ડિફેન્સ સ્ટેશન ખાતે તહેનાત આર્મીના જવાનોને સંબોધન કર્યું હતું. તેમણે આર્મ્ડ ફોર્સીસને અલર્ટ રહેવા અને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો હતો.

